સોયાબીન : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glycine max Merrill syn. G. soja Sieb. & Zucc.; G. hispida Maxim.; Soja max Piper (હિં. ભાત, ભાતવાર, ભેટમાસ, રામકુર્થી; બં. ગર્જકલાઈ) છે. તે એકવર્ષાયુ, ટટ્ટાર કે આરોહી પ્રકાંડ ધરાવતી 45થી 180 સેમી. ઊંચી રોમો વડે ગાઢપણે આવરિત વનસ્પતિ છે. પર્ણો ત્રિપંજાકાર (trifoliate) અને લાંબા પર્ણદંડવાળાં હોય છે. પર્ણિકાઓ અંડ-ભાલાકાર (ovate-lanceolate) હોય છે. પુષ્પો નાનાં, અસ્પષ્ટ, ટૂંકી કક્ષીય કલગી(raceme)માં ગોઠવાયેલાં, સફેદ કે જાંબલીથી માંડી રતાશ પડતાં જાંબલી હોય છે. સામાન્ય રીતે તેમનું સ્વપરાગનયન (self-pollination) થાય છે. ફળ શિંબી, 3.8થી 5.0 સેમી. લાંબા, 3થી 5ના સમૂહમાં, ગાઢપણે રોમિલ, ઉપ-મણકામય (sub-torulase) હોય છે અને 2થી 4 બીજ ધરાવે છે. બીજ ઉપવલયી (elliptical), લાંબી નાભિ(hilum)વાળાં, ચપટાં, પીળાં, ચૉકલેટ જેવા રંગનાં કે કાળાં હોય છે.

સોયાબીન દક્ષિણ-પૂર્વ એશિયાની મૂલનિવાસી વનસ્પતિ છે. જનીનિક માહિતીને આધારે પૂર્વ એશિયામાં બધે જ જોવા મળતી પાતળી, ભૂપ્રસારી, આરોહી જાતિ G. ussuriensis Regel & Maack.માંથી તે ઉત્પન્ન થયેલ છે, તેમ માનવામાં આવે છે.

સોયાબીન પૂર્વ એશિયાનો મહત્વનો શિંબી પાક છે. ચીન, જાપાન અને કોરિયામાં તેનાં બીજ ખોરાક તરીકે સદીઓથી વપરાય છે અને ચોખાના ખોરાક સાથે તે મહત્વનો પ્રોટીન સંપૂરક (supplement) આહાર બનાવે છે. હિંદી ચીન, ફિલિપાઇન્સ, ઇંડોનેશિયા, થાઇલૅન્ડ અને ભારત જેવા એશિયાઈ દેશોમાં કેટલેક અંશે સોયાબીનનું વાવેતર થાય છે. હાલમાં અમેરિકામાં તેનું ઉદ્યોગો માટેના કાચા દ્રવ્ય તરીકેનું ખૂબ મહત્વ વધ્યું છે. તેથી તેના વાવેતરનું પણ ખૂબ વિસ્તરણ થયું છે. તે રશિયા, જર્મની, રોમાનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, કૅનેડા, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં ઉગાડવામાં આવે છે.

ઘણા સમયથી ઉત્તર ભારતમાં, ખાસ કરીને આસામના ટેકરીઓવાળા પ્રદેશમાં, બંગાળ, મણિપુર અને ખાસી અને નાગાની ટેકરીઓમાં 1800 મી.ની ઊંચાઈ સુધી તે વાવવામાં આવે છે. તે કુમાઉ, નેપાળ, ભુતાન અને સિક્કિમમાં પણ કેટલાક પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. અન્ય રાજ્યોમાં, ખાસ કરીને કાશ્મીર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મૈસૂરમાં સોયાબીનના વાવેતરને લોકપ્રિય બનાવવાના પ્રયાસો થયા છે; પરંતુ સફળતા પ્રાપ્ત થઈ નથી.

આબોહવા : સોયાબીન મૂળભૂત રીતે ઉપોષ્ણકટિબંધીય છોડ છે; છતાં તેનું વાવેતર ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં 52° ઉ. અક્ષાંશ સુધી થાય છે. કૃષિવિદ્યાકીય અને વાનસ્પતિક લક્ષણોમાં તફાવતો ધરાવતાં તેનાં અસંખ્ય સ્વરૂપો અસ્તિત્વમાં છે. તેમને મુખ્ય બે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં છે : (1) ઉત્તર કે ટટ્ટાર પ્રકારો, જેઓ ગોળ આછા રંગનાં બીજ ધરાવે છે અને (2) ઉષ્ણકટિબંધીય પ્રકારો જેઓ તલસર્પી (trailing) કે અર્ધ-તલસર્પી સ્વરૂપ ધરાવે છે અને તેમનાં બીજ ચપટાં અને ઘેરા રંગનાં હોય છે. તે પહાડી વિસ્તારોમાં વધારે અનુકૂલન પામેલાં છે. સોયાબીનનો છોડ તીવ્ર શિયાળો કે અતિશય ગરમી સહન કરતો નથી. તે હિમ પ્રતિ ચોળા કરતાં ઓછો સંવેદી છે અને લઘુદિવસી છોડ છે. દરેક પ્રકાર દિવસની નિર્ણાયક (critical) લંબાઈની અવધિ (period) ધરાવે છે; જે દરમિયાનમાં પુષ્પનિર્માણ થાય છે અને બીજનો ઇષ્ટતમ બેસારો થાય છે.

સોયાબીનનાં બીજ : ઉપર કાળાં, લીલાં; નીચે પીળાં, બદામી.

મૃદા : સોયાબીન ફળદ્રૂપ રેતાળ કે માટીવાળી ગોરાડુ અથવા સારા નિતારવાળી કાંપમય (alluvial) મૃદામાં સૌથી સારી રીતે થાય છે. તે ઍસિડિક, તટસ્થ કે આલ્કલીય મૃદામાં પણ ઊગી શકે છે. ઍસિડિક મૃદામાં ચૂનો ઉમેરવાથી તે સારી રીતે થાય છે. ફળદ્રૂપ મૃદામાં નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાની જરૂર નથી, કારણ કે તેના મૂળ પર આવેલી મૂળગંડિકાઓ(root nodules)માં રહેલા બૅક્ટેરિયાની મદદથી વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરી શકે છે. અલ્પ ફળદ્રૂપ મૃદામાં દેશી ખાતર (25થી 32 ગાડાં/હે.) આપવાથી પાક સારો થાય છે. સોયાબીનના પાકને હેક્ટરે 30 કિગ્રા. નાઇટ્રોજન અને 30 કિગ્રા. ફૉસ્ફરસ તત્વ આપવાથી સારું ઉત્પાદન મળે છે. મૃદામાં નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરતા બૅક્ટેરિયા ન હોય તો નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાં જરૂરી છે.

પ્રકારો : ચીન, મંચુરિયા, જાપાન, કોરિયા, ઇન્ડોનેશિયા અને ભારતમાં સોયાબીનની 2500થી વધારે જાતો નોંધાઈ છે. યુ.એસ., ચીન, જાપાન, રશિયા અને ભારતમાં વિવિધ સ્થળો માટે અનુકૂળ જાતોની પસંદગી અને ઉછેર વિશે ઘણાં સંશોધનો થયાં છે.

ભારતમાં પસંદ કરાયેલી જાતોમાં સાબોર અને પુસા(બિહાર)માં પીળી, ચૉકલેટરંગી અને કાળી; વડોદરામાં ‘મેમથ યલો’; પંજાબમાં ‘પંજાબ–1’; મધ્યપ્રદેશમાં ‘E.B. 53’ (પીળાં બીજવાળી) અને ‘E.B. 59’ (કાળાં બીજવાળી); ઉત્તરપ્રદેશમાં ‘ટાઇપ 101’; પશ્ચિમ બંગાળમાં K 30 (કાળી), C 23 (ઘેરી બદામી) અને બુરમાલી (પીળી) અને ગુજરાતમાં ગુજરાત સોયાબીન 1 અને 2નો સમાવેશ થાય છે.

ગુજરાત સોયાબીન 1 : આ જાત ઠીંગણી અને 90થી 95 દિવસે પાકતી જાત છે. તેનાં પુષ્પો જાંબલી, ભૂરી રુવાંટીવાળાં, પર્ણો મધ્યમ પહોળાઈવાળાં અને બીજ પીળાં હોય છે. તે ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તારો – ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉગાડી શકાય છે.

ગુજરાત સોયાબીન 2 : આ જાતના છોડની ઊંચાઈ મધ્યમ; પર્ણો પહોળાં, બીજનો રંગ પીળો અને તેમનું કદ મોટું હોય છે. તે 105થી 110 દિવસમાં પાકતી જાત છે અને દક્ષિણ ગુજરાતના વધારે વરસાદવાળા તથા પિયતની સગવડવાળા વિસ્તારમાં ઉગાડી શકાય છે.

જમીનની તૈયારી અને વાવેતર : પાકના સારા ઉગાવા માટે એકસરખી ભરભરી મૃદા જરૂરી છે. એક ઊંડી ખેડ તથા એકાદ-બે કડબની ખેડ કરી જમીન સમતલ કરવામાં આવે છે. વાવણીયોગ્ય વરસાદ થયેથી સોયાબીનનું જૂન–જુલાઈ માસમાં વાવેતર કરવામાં આવે છે.

બિયારણનો દર : હેક્ટરદીઠ સોયાબીનનું 60 કિગ્રા. બિયારણ વાવવું જરૂરી છે; જેથી પ્રતિ હેક્ટરે 4 લાખ છોડ મળી રહે.

આંતરપાક માટે 25થી 30 કિગ્રા. બીજની જરૂર રહે છે.

બીજની માવજત : બીજના સારા ઉગાવા માટે અને મૃદાજન્ય રોગથી છોડનું રક્ષણ કરવા માટે 3 ગ્રા. થાયરમ કે કૅપ્ટાન/કિગ્રા. બીજનો પટ આપવામાં આવે છે. વધારે ઉત્પાદન મેળવવા 10 ગ્રા. રાઇઝોબિયમ કલ્ચર/કિગ્રા.ની બીજને માવજત આપવામાં આવે છે.

વાવેતરનું અંતર : પાકની બે હાર વચ્ચે 45 સેમી. અને બે છોડ વચ્ચે 10 સેમી.નું અંતર રાખવામાં આવે છે. સારા ઉગાવા માટે બીજને 3થી 5 સેમી. ઊંડાઈએ વાવવામાં આવે છે. વધારે ઊંડાઈએ વાવવાથી બીજનો સારો ઉગાવો મળતો નથી.

આંતરપાક : લંબતારી કપાસની બે હાર વચ્ચે 180 સેમી. અંતરે વાવેલ બે હાર સોયાબીન; 60 સેમી.ના અંતરે વાવેલ બાજરીની બે હાર વચ્ચે એક સોયાબીનની અને 90 સેમી.ના અંતરે વાવેલ બાજરીની બે હાર વચ્ચે સોયાબીનની બે હાર; 60 સેમી.ના અંતરે તુવેરના પાકમાં એક હાર સોયાબીનની અથવા 90 સેમી.ના અંતરે તુવેરના પાકમાં બે હાર સોયાબીનની; 60 સેમી.ના અંતરે વાવેલ જુવારની બે હાર વચ્ચે એક હાર સોયાબીનની અથવા 90 સેમી.ના અંતરે વાવેલ જુવારની બે હાર વચ્ચે સોયાબીનની બે હાર અને 90 સેમી.ના અંતરે વાવેલ દિવેલાના પાકમાં એક હાર સોયાબીનની વાવતાં એકલા પાક કરતાં ફાયદાકારક ઉત્પાદન મળે છે. આ ઉપરાંત મિશ્ર પાક તરીકે મકાઈ, ચોખા, શેરડી અને બટાટા પણ ઉગાડી શકાય છે. ચાના બગીચામાં લીલા ખાતર તરીકે અને આવરણ-પાક તરીકે પણ તે વવાય છે. તે નીંદણમાં ઘટાડો કરે છે અને ભૂક્ષરણને અટકાવે છે.

આંતરખેડ અને નીંદણ : જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ વખત આંતરખેડ અને બે વખત નીંદણ કરી પાકને નીંદણમુક્ત રાખવામાં આવે છે.

રોગો અને જીવાત : રોગો : ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ જેવાં રોગજન (pathogen) દ્વારા સોયાબીનને અનેક રોગ થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે :

1. તળછારો (downy mildew) કે પીંછ છારો : આ રોગ Peronospora manshurica નામની ફૂગ દ્વારા થાય છે. પર્ણની નીચેના ચેપી ભાગમાં સફેદ ફૂગની વૃદ્ધિ થાય છે; જ્યાં બીજાણુદંડ અને બીજાણુઓ ભૂખરા સફેદ રંગના પાઉડર-સ્વરૂપે પથરાયેલા હોય છે. આ રોગના નિયંત્રણ માટે બીજને પારાયુક્ત કે કાર્બનડાઝીમ જેવી સર્વાંગી (systemic) દવાનો પટ આપી વાવણી કરવામાં આવે છે. રોગ જણાય કે તુરત જ બોર્ડો મિશ્રણ અથવા કૅપ્ટાફોલના બે-ત્રણ છંટકાવ 10 દિવસના સમયગાળે કરવામાં આવે છે.

2. પાનનાં ટપકાં : આ રોગ Cercospora spp. નામની ફૂગ દ્વારા થાય છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં જખમોવાળો ભાગ ભૂખરાં ટપકાંમાં ફેરવાય છે અને ફરતે જાંબલી ધાર બને છે. તે પાનની શિરાઓની વચ્ચે સીમિત રહે છે. આ ઉપરાંત તે પુષ્પ અને શિંગ પર આક્રમણ કરે છે; જેથી પુષ્પમાં શિંગ બેસતી નથી. આ રોગના નિયંત્રણ માટે બીજને ફૂગનાશકનો પટ આપી વાવણી કરવામાં આવે છે. બોર્ડો મિશ્રણ કે કાર્બનડાઝીમના બેથી ત્રણ છંટકાવ 10 દિવસના આંતરે કરવામાં આવે છે.

3. મૂળનો સૂકો સડો : આ રોગ Macrofomina phaseoli નામની ફૂગથી થાય છે. રોગિષ્ઠ છોડના થડ અને મૂળ ઉપરની છાલ કોહવાઈ જવાથી તે સહેલાઈથી અલગ થઈ જાય છે. મૂળનો કઠણ ભાગ કથ્થાઈ-કાળો બને છે. જમીનની નજીક થડ ઉપર કાળા ડાઘાઓ જોવા મળે છે. થડની છાલ ઉપર આ ફૂગના નાના ચળકતા જાલાશ્મ (sclerotium) જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે રોગિષ્ઠ છોડ અને તેના અવશેષો બાળી નાખવામાં આવે છે. જમીનનું તાપમાન 30° સે.થી નીચું રાખવા આવરણ-પાક લેવામાં આવે છે. પિયતની વ્યવસ્થાનું નિયમન કરવામાં આવે છે. બિન-યજમાન પાકો ઉગાડી પાકની ફેરબદલી કરવામાં આવે છે. બિયારણને થાયરમ, કૅપ્ટાન કે કાર્બનડાઝીમ જેવી ફૂગનાશકોનો પટ આપી વાવણી કરવામાં આવે છે.

4. બૅક્ટેરિયાથી થતાં પાનનાં ટપકાં : આ રોગ Xanthomonas spp. નામના બૅક્ટેરિયા દ્વારા થાય છે. આ રોગથી દર વર્ષે 10 %થી 20 % જેટલું ઉત્પાદનમાં નુકસાન થાય છે. જીવાણુ પાનની શિરાના ખૂણામાં આક્રમણ કરી ભૂખરાં કાળાં ટપકાં ઉત્પન્ન કરે છે. તે શાખાઓ અને શિંગ ઉપર આક્રમણ કરી કાળાં બેઠેલાં ટપકાં કરે છે. આ રોગ બીજજન્ય હોવાથી સ્ટ્રૅપ્ટોસાયક્લિન (0.025 %) અથવા એમિસાન(0.05 %)ના દ્રાવણમાં 10થી 15 મિનિટ બોળી, છાંયડામાં સૂકવી વાવણી કરવામાં આવે છે. રોગ જણાય કે તરત જ સ્ટ્રૅપ્ટોસાયક્લિન (10 લિ. પાણીમાં 1 ગ્રા.) દવાના 10 દિવસના આંતરે ત્રણ છંટકાવ કરવામાં આવે છે.

5. વાઇરસથી થતો પીળિયો : આ રોગ વાઇરસ દ્વારા થાય છે. તે દરેક કઠોળ-પાકમાં પાનનો પીળિયો કે પાનની વિકૃતિનો રોગ કરે છે. તેનાથી પાન ઉપર પીળાં-લીલાં ધાબાં ઉત્પન્ન થાય છે અને પાન કોકડાઈ જાય છે. નવી કૂંપળોમાં વિકૃતિઓ થતાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. પુષ્પ બેસતાં નથી. પુષ્પ બેસે તો વિકૃતિવાળી શિંગો આવે છે; જેમાં દાણા નાના અને ચીમળાયેલા હોય છે. રોગિષ્ઠ છોડના બીજમાં વાઇરસ હોવાથી વાવણી કરતાં પ્રાથમિક ચેપની શરૂઆત થાય છે. બીજના ઉગાવા પછી 15થી 20 દિવસમાં રોગિષ્ઠ છોડ ઉપાડી અને બાળી નાખવામાં આવે છે. ચૂસિયા પ્રકારની જીવાત તેની વાહક હોઈ શોષક પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.

આ ઉપરાંત Fusarium spp. દ્વારા સુકારાનો અને Phyllosticta glycines દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે.

જીવાત : આ પાકમાં લીફ વિવિલ, ગર્ડર બીટલ, સેમીલુપર, લીફ માઇનર, થ્રીપ્સ, જેસીડ, મશી અને સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે છે. મોલો મશી, સફેદ માખી, થ્રીપ્સ અને તડતડિયાંના નિયંત્રણ માટે ડાયમિથોયેટ 0.03 % અથવા ફૉસ્ફામિડોન 0.03 % અને મિથાઇલ એડિમેટોન 0.025 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. લીફ માઇનરના નિયંત્રણ માટે ડાયક્લોરવોસ (ડીડીવીપી) 0.05 %ના પ્રવાહીનો છંટકાવ કરવામાં આવે છે. ગર્ડર બીટલ અને સેમીલુપરના નિયંત્રણ માટે મૉનોક્રોટોફોસ 0.05 % અથવા ફોઝેલોન 0.07 % અથવા ફેનિટ્રિથિયોન 0.05 %નો છંટકાવ કરવામાં આવે છે. લીફ વિવિલના નિયંત્રણ માટે મિથાઇલ પેરેથિયોન 2 % ભૂકી અથવા ક્વિનાલ ફોસ 1.5 % અથવા એન્ડી સલ્ફોન 4.0 % અથવા કાર્બારિલ 1 % ભૂકીનો હેક્ટરે 20થી 25 કિગ્રા. પ્રમાણે છંટકાવ કરવામાં આવે છે.

કાપણી : સોયાબીનની વહેલી જાતો 75થી 110 દિવસે અને મોડી જાતો 100થી 200 દિવસોમાં પાકે છે. આ પાકનાં મોટા ભાગનાં પાન પીળાં થઈને ખરી પડે અને 90 %થી 95 % શિંગો સોનેરી પીળી થઈ જાય ત્યારે દાતરડા કે કમ્બાઇન હાર્વેસ્ટરની મદદથી કાપણી કરી શકાય છે. જો કાપણી મોડી કરવામાં આવે તો શિંગો ફાટી જઈ દાણા ખરી પડે છે. જો શિંગો લીલી હોય અને કાપણી કરવામાં આવે તો શિંગોમાં દાણા ચીમળાયેલા અને લીલા રંગના રહે છે; જેથી દાણાની ગુણવત્તા બગડે છે. કાપેલા છોડને 3થી 4 દિવસ ખળામાં સુકાવા દઈ લાકડાના હાથાથી કે થ્રેશરથી પણ દાણા છૂટા પાડી શકાય છે.

ઉત્પાદન : સામાન્ય સ્થિતિમાં બીજનું ઉત્પાદન હેક્ટરે 728થી 1120 કિગ્રા. જેટલું થાય છે. અનુકૂળ સંજોગોમાં તેનું ઉત્પાદન વધારેમાં વધારે 3136 કિગ્રા./હે. જેટલું થાય છે. પંજાબ–1 વધારે ઉત્પાદન આપતી જાત છે અને પહાડી પ્રદેશમાં 3125 કિગ્રા./હે. અને મેદાનોમાં 2100 કિગ્રા./હે. બીજનું ઉત્પાદન આપે છે. મંચુરિયા અને જાપાનમાં તેનું ઉત્પાદન 1230થી 2015 કિગ્રા./હે. થાય છે. યુ.એસ.માં પસંદ કરાયેલી જાતો 2350–3136 કિગ્રા./હે. બીજનું ઉત્પાદન આપે છે.

પાકનો ચારા તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે તેની એક કે બે વાર કાપણી કરવામાં આવે છે. આસામની પરિસ્થિતિમાં ચારાનું ઉત્પાદન 22.0થી 24.7 ટન/હે. અને અમેરિકા તેમજ અન્ય ફળદ્રૂપ મૃદામાં 10.0થી 12.35 ટન/હે. થાય છે.

બંધારણ : ભારતીય સોયાબીનના બીજનું સરેરાશ રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 8.1 %, પ્રોટીન 43.2 %, મેદ 19.5 %, રેસો 3.7 %, કાર્બોદિતો 20.9 %, ભસ્મ 4.6 %, ફૉસ્ફરસ 0.69 % અને કૅલ્શિયમ 0.24 %; લોહ 11.5 મિગ્રા./100 ગ્રા. રાસાયણિક બંધારણ સોયાબીનની જાત, મૃદાના પ્રકાર અને આબોહવાકીય પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. સામાન્યત: પ્રોટીન મેદ કરતાં વધારે હોય છે. ઔદ્યોગિક હેતુઓ માટે બીજમાં તેલ વધારે હોવું જરૂરી છે. ભારતમાં મેદાનોમાં ઉગાડવામાં આવતી કાળાં બીજવાળી જાતોમાં પીળાં કે ચૉકલેટી રંગવાળાં બીજ ધરાવતી અને જાતો કરતાં પ્રોટીન વધારે પ્રમાણમાં અને મેદ ઓછા પ્રમાણમાં હોય છે. બીજાં કઠોળ કરતાં સોયાબીનમાં કાર્બોદિતોનું પ્રમાણ ઓછું હોય છે. બીજાવરણ રહિત બીજમાં 12 % પૉલિસૅકેરાઇડ (ડૅક્ષટ્રિન, ગૅલેક્ટેન, પેન્ટોસન અને આશરે 1 % સ્ટાર્ચ) અને 12.5 % શર્કરાઓ (સુક્રોઝ, સ્ટેચિયોઝ અને રેફિનોઝ) હોય છે.

સોયાબીન અન્ય ખોરાક કરતાં પ્રોટીન વધારે પ્રમાણમાં ધરાવે છે. સારણી 1માં કેટલાક ખોરાકમાં રહેલ પ્રોટીનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે :

સારણી 1 : કેટલાક ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ

ખોરાક પ્રોટીન %
સોયાબીન (કાચું) 43.2
મગફળી (કાચું) 26.7
ચણા (બીજાવરણ સિવાય) 22.5
મગ (બીજાવરણ સિવાય) 24.0
અડદ (બીજાવરણ સિવાય) 24.0
તુવેર (બીજાવરણ સિવાય) 22.3
મસૂર 25.1
માંસ (સ્નાયુઓ) 18.6
ગોમાંસ 22.6
માછલી 21.0
ઈંડું 13.3

પ્રોટીન ઉપરાંત, સોયાબીનના બીજમાં મુક્ત સ્વરૂપે રહેલા નાઇટ્રોજનયુક્ત પદાર્થો આ પ્રમાણે છે : એડિનાઇન, આર્જિનિન, કોલીન, ગ્લાયસિન, બિટેઇન, ટ્રાઇગોનેલિન, ગ્વાનિડિન અને ટ્રિપ્ટોફેન. કુલ બિનપ્રોટીન નાઇટ્રોજનનું પ્રમાણ કુલ નાઇટ્રોજનના 2.8 %થી 7.8 % જેટલું હોય છે.

કઠોળોના તુલનાત્મક પોષક મૂલ્ય પર ભારતમાં થયેલો અભ્યાસ દર્શાવે છે કે સોયાબીનમાં પ્રોટીન અને મેદ વિપુલ પ્રમાણમાં હોવા છતાં તે અન્ય કઠોળો કરતાં ઉચ્ચતર નથી. ચોખા ઉપરાંત ખોરાકમાં સોયાબીન આપતાં અન્ય કઠોળોની તુલનામાં વૃદ્ધિના દરની બાબતમાં કોઈ ફાયદો થતો નથી. માનવ ચયાપચય(metabolism)ના પ્રયોગોમાં સોયાબીન-પ્રોટીન જૈવિક મૂલ્ય (biological value) અને પાચ્યતા-ગુણાંક (digestibility coefficient) અંગે કઠોળનાં પ્રોટીન સાથે તુલનીય છે (સારણી 2).

સોયાબીનના તાજા નમૂનામાં ખનિજ-દ્રવ્યોનું બંધારણ આ પ્રમાણે છે : પોટૅશિયમ 2.09 %, સોડિયમ 0.38 %, કૅલ્શિયમ 0.22 %, લોહ 0.0081 %, તાંબું 0.0012 %, મૅગ્નેશિયમ 0.24 %, ફૉસ્ફરસ 0.59 %, ક્લોરિન 0.02 %, મૅંગેનિઝ 0.0032 %, સલ્ફર 0.406 %, જસત 0.0022 %, ઍલ્યુમિનિયમ 0.0007 %, આયોડિન (53.6 g/100 ગ્રા.) તેમાં મોલિબ્ડેનમ, બોરૉન, નિકલ અને સિલિકોનની હાજરી પણ નોંધાઈ છે. કૅલ્શિયમ ન્યૂન હોવા છતાં ફૉસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. ભસ્મ આલ્કલીય હોય છે. સોયાબીનનું ખોરાકમાં વિશિષ્ટ મહત્વ છે અને અમ્લરક્તતા(acidosis)થી મુક્ત કરવામાં મદદ કરે છે.

સારણી 2 : સોયાબીન અને અન્ય કઠોળોનું તુલનાત્મક પોષક મૂલ્ય

કઠોળ પ્રોટીન

%

જૈવિક

મૂલ્ય

પાચ્યતા-

ગુણાંક

ચોખ્ખું

પ્રોટીન %

સોયાબીન

કાશ્મીર

પંજાબ

       
38.0 42.5 91.0 14.7
40.4 57.3 92.3 21.5
ચણા 20.0 63.7 93.7 11.9
તુવેર 23.6 61.7 90.7 13.2
મગ 24.2 43.0 94.0 9.8

પરિપક્વ બીજમાં બીજાં કઠોળોની જેમ કૅરોટિન અલ્પ પ્રમાણમાં (110 આઇ.યુ./100 ગ્રા.) હોય છે; વિટામિન ‘બી’ સંકુલ સારા પ્રમાણમાં અને વિટામિન ‘સી’ અલ્પ પ્રમાણમાં હોય છે. વિટામિન ‘બી’ સંકુલનાં વિટામિનોનું સરેરાશ મૂલ્ય (શુષ્કતાને આધારે) આ પ્રમાણે હોય છે : થાયમિન 9.0, રાઇબોફ્લેવિન 2.3, પાયરોડૉક્સિન 6.4, બાયૉટિન 0.61, નાયેસિન 20.0 અને પેન્ટોથેનિક ઍસિડ 12 g/ગ્રા.. અંકુરિત બીજમાં વિટામિન ‘સી’ સારા પ્રમાણમાં (33.8 મિગ્રા./100 ગ્રા.) હોય છે. વિટામિન ‘ડી’, ‘ઈ’ અને ‘કે’ની હાજરી પણ જાણવા મળી છે.

સોયાબીન એમાયલેઝ, યુરિયેઝ, બિપોક્સિડેઝ, લિપેઝ, પૅરોક્સિડેઝ, પ્રોટિયેઝ, ગ્લુકોસાઇડેઝ, કાર્બોક્સિલેઝ, કેટાલેઝ, ઍસ્કોર્બિકેઝ, એલેન્ટૉઇનેઝ, ફાઇટેઝ અને યુરિકેઝ હોય છે. તે b-ઍમાઇલેઝનો સારો સ્રોત છે. સોયાબીન યુરિયેઝ દેહધાર્મિક પ્રવાહીઓમાં યુરિયાના વિશ્લેષણ માટે પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. સોયાબીનના લોટના નિષ્કર્ષના સ્વરૂપમાં લિપૉક્સિડેઝ પાઉંના લોટ માટે વિરંજક (bleaching agent) તરીકે વપરાય છે.

સોયાબીનમાં વિવિધ પ્રકારનાં રંજકદ્રવ્યો આવેલાં હોય છે; જેમાં કૅરોટિનૉઇડો, આઇસોફ્લેવોન ગ્લાયકોસાઇડો, ઍન્થોસાયનિન અને ક્લૉરોફિલનો સમાવેશ થાય છે. ગ્લાયકોસાઇડોમાં જેનિસ્ટિન (C21H20O10, ગ. બિં. 254° સે.થી 256° સે.), ડેઇડ્ઝિન (C21H20O9, ગ. બિં. 234° સે.થી 236° સે.) અને ચાર સેપોનિનનો સમાવેશ થાય છે. બીજાંકુરમાંથી ત્રણ આઇસોફ્લેવોનનું અલગીકરણ કરવામાં આવ્યું છે; જે પૈકી એક બાયૉચેનિન ‘સી’(C6H13O4N3, ગ. બિં. 310° સે.)ને સમરૂપ હોય છે.

ઉપયોગો : દુનિયામાં શિંબી પાકોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તે ચીન, જાપાન અને અન્ય પૂર્વ એશિયાઈ દેશોમાં ખોરાક માટે ઉગાડવામાં આવે છે. બીજનો ઉપયોગ લીલાં, સૂકાં કે અંકુરિત, આખાં કે દાળ સ્વરૂપે કરવામાં આવે છે. લીલાં બીજ શાકભાજી તરીકે ખવાય છે. ભૂંજેલાં કે મીઠું ચઢાવેલાં બીજ પૂરીઓ અને મીઠાઈઓમાં વપરાય છે.

સોયાબીનને ગરમી આપી કે અંકુરિત કરી સંસાધિત કર્યા પછી તેનો ઉપયોગ લોટ, દૂધ, દહીં અને અન્ય આથવેલી ઊપજો બનાવવામાં થાય છે. સોયાબીનની કેટલીક ઊપજોનું બંધારણ સારણી 3માં આપવામાં આવ્યું છે.

સારણી 3 : સોયાબીનની કેટલીક ઊપજોનું બંધારણ

  સોયાબીનનો લોટ સોયાબીનના

અંકુરો

સોયાબીનનું

દૂધ

સોયાબીનનું

દહીં

તેલવિહીન તેલયુક્ત
પાણી % 11.0 9.0 86.3 92.5 85.1
પ્રોટીન % 44.7 35.9 6.2 3.4 7.0
મેદ % 1.1 20.6 1.4 1.5 4.1
કાર્બોદિતો % 37.7 29.9 5.3 2.1 3.0
ભસ્મ % 5.5 4.6 0.8 0.5 0.8
કૅલ્શિયમ મિગ્રા. /100 ગ્રા. 265 195 48 21 100
ફૉસ્ફરસ મિગ્રા./100 ગ્રા. 623 553 67 47 95
લોહ મિગ્રા./100 ગ્રા. 13.0 12.1 1.0 0.7 1.5
વિટામન ‘એ’ આઇ.યુ./100 ગ્રા. 70 140 180    
થાયમિન મિગ્રા./100 ગ્રા. 1.10 0.77 0.23 0.09 0.06
રાઇબોફ્લેવિન મિગ્રા./100 ગ્રા. 0.35 0.28 0.20 0.04 0.05
નાયેસિન મિગ્રા./100 ગ્રા. 2.9 2.2 0.8 0.3 0.4
વિટામિન ‘સી’ મિગ્રા./100 ગ્રા. 33.8 21.6  

ઊંચી ગુણવત્તા ધરાવતા પીળા સોયાબીનમાંથી ત્રણ પ્રકારનો લોટ બનાવવામાં આવે છે : પૂર્ણ ચરબીવાળો, ઓછી ચરબીવાળો અને ચરબીરહિત લોટ. સોયાબીનનો લોટ આછા પીળા રંગનો અને સૂકાં ફળની વાસવાળો હોય છે. પ્રોટીન ન્યૂન ધાન્યના લોટમાં વર્ધક (additive) કે વિસ્તારક (extender) તરીકે સોયાબીનના લોટનો ઉપયોગ થાય છે. તે માત્ર પોષક મૂલ્યમાં જ સુધારો કરતો નથી; પરંતુ ખોરાકને વધારે સ્વાદિષ્ટ અને પાચ્ય (digestible) બનાવે છે. ઘઉં, બાજરી અને અન્ય લોટ સાથે તે રોટલી માટે 25 % મિશ્ર કરી શકાય છે. તેનો ઉપયોગ બ્રેડ, બિસ્કિટ, કેક અને બેકરીની અન્ય ઊપજો, પીણાં, નવજાત શિશુઓ અને મધુપ્રમેહના દર્દીઓ માટે ખોરાક બનાવવામાં થાય છે. તેનો મદ્યકરણ (brewing) ઉદ્યોગમાં શરીર અને મદ્યની સુગંધની સુધારણા માટે પણ ઉપયોગ થાય છે.

સોયાબીનના અંકુરો લીલાં શાકભાજી તરીકે વપરાય છે અને તેમનું પોષક મૂલ્ય ઊંચું હોય છે. સોયાબીનનું દૂધ ગાયના દૂધની જેમ દહીં, છાશ, ચીઝ અને દૂધની અન્ય ઊપજો બનાવવામાં વપરાય છે. ચીન અને જાપાનમાં ‘તોફુ’ તરીકે જાણીતું વાનસ્પતિક ચીઝ બનાવવામાં આવે છે.

સોયાબીનનું તેલ નિચોવણ (compression) કે દ્રાવક નિષ્કર્ષણ (solvent extraction) દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. તેલ પીળાથી ઘેરા બદામી રંગનું હોય છે. ગ્લિસરાઇડો ઉપરાંત તે ફૉસ્ફેટિડો, સ્ટૅરોલ, લાંબી શૃંખલાવાળા હાઇડ્રૉકાર્બન, આલ્કોહૉલ, કીટોન, મુક્ત ફૅટી ઍસિડો, રંજકદ્રવ્યો, વિટામિનો, પ્રતિ-ઉપચાયકો (antioxidants) અને અલ્પ જથ્થામાં બિન-લિપિડ ગુંદર જેવા શ્લેષ્મી પદાર્થો ધરાવે છે.

સોયાબીનના તેલનું નોંધપાત્ર લક્ષણ એ છે કે તેલમાં અસંતૃપ્ત અને સંતૃપ્ત ફૅટી ઍસિડના વિતરણ(ટકાવારીમાં)નો ગુણોત્તર અચળ હોય છે. લિનોલિક અને લિનોલેનિક ઍસિડની ટકાવારીના વધારા સાથે આયોડિનના મૂલ્યમાં વધારો થાય છે (સારણી 4).

સારણી 4 : સોયાબીનના તેલોમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત ફૅટી ઍસિડની ટકાવારી

તેલમાં આયોડિનનું મૂલ્ય 102.9 124.0 130.4 132.6 139.4 151.4
ઑલિક % 60.0 34.0 28.9 23.5 24.7 11.5
લિનોલિક % 25.0 49.1 50.7 51.2 55.4 63.1
લિનોલેનિક % 2.9 3.6 6.5 8.5 8.1 12.1
કુલ અસંતૃપ્ત 87.9 86.7 86.6 84.2 88.1 86.7
કુલ સંતૃપ્ત 12.0 13.2 13.4 15.9 11.9 13.5

સોયાબીનના તેલની કઠોળ જેવી સુગંધ હોય છે. તેનું પરિષ્કરણ અને નિર્ગંધન (deodorization) કરી ગંધ દૂર કરી શકાય છે. લાંબા સમય સુધી તેલને સંગ્રહવાથી ફરીથી ગંધ ઉત્પન્ન થાય છે. પરિષ્કૃત તેલનો સલાડ તરીકે, રાંધવામાં, માર્ગારિન અને અન્ય ખાદ્ય પદાર્થો બનાવવામાં ઉપયોગ થાય છે. તેલનો એકલો અથવા અન્ય તેલો સાથે મિશ્ર કરી કેશતેલ તરીકે પણ ઉપયોગ થાય છે.

સોયાબીન તેલનો રંગ, વાર્નિશ અને મીનાકારી (enamel) ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે અળસીના તેલ કરતાં સુકાવા માટે વધારે સમય લે છે. કુદરતી રીતે હાજર પ્રતિઉપચાયકોને દૂર કરતાં તેના શુષ્કન ગુણધર્મોમાં સુધારો થાય છે. સોયાબીનના તેલની તુંગ, અળસી કે અન્ય શુષ્કન તેલો સાથે મિશ્ર કરવામાં ઉપયોગી છે.

સોયાબીન લેસિથિન શબ્દ કુલ ફૉસ્ફેટિક (1.5 %થી 2.5 %) માટે પ્રયોજવામાં આવે છે. તે સોયાબીન તેલ ઉદ્યોગમાં વધારાની ઊપજ તરીકે મેળવવામાં આવે છે. તે પીળું, મીણ જેવું દ્રવ્ય છે. તેનો આર્દ્રક (wetting agent) અને સ્થાયીકારક (stabilizing agent) તરીકે ખોરાક, સૌંદર્યપ્રસાધન, ઔષધ (pharmaceutical), ચર્મ, રંગ, પ્લાસ્ટિક અને સાબુ તેમજ ડિટરજંટ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. તે ખાસ પ્રકારના પાયસીકારકો (emulsifiers) અને રબરની ઊપજો બનાવવામાં ઉપયોગી છે.

તેલના નિષ્કર્ષણ પછી રહેતો ખોળ ખોરાક અને કૃષિ-ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. ખોળ સૂકાં ફળો જેવી મીઠી સુવાસ ધરાવે છે અને તેનો ઉપયોગ ઢોર અને મરઘા-બતકાંના ખાણ તરીકે થાય છે. ખાણનું રાસાયણિક બંધારણ અને તેનાં પાચ્ય પોષકો આ પ્રમાણે છે : પાણી 8.3 %, પ્રોટીન 44.3 %, મેદ 5.7 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 30.3 %, રેસો 5.6 %, ખનિજ-દ્રવ્યો 5.7 %, કૅલ્શિયમ (CaO) 0.39 %, ફૉસ્ફરસ (P2O5) 1.51 %, પોટૅશિયમ (K2O) 2.65 %, પાચ્ય પ્રોટીન 37.7 %, કુલ પાચ્ય પોષકો 82.2 % અને પોષણ-ગુણોત્તર 1.2. તેનું ખોરાક તરીકેનું મૂલ્ય કપાસના ખોળ જેટલું હોય છે.

સોયાબીનના ખોળનો પૂર્વ એશિયાઈ દેશોમાં ખાતર તરીકે ઉપયોગ થાય છે. સોયાબીન પ્રોટીન અને ખોળનો આસંજકો (adhesives), જલરંગો, ચર્મપરિષ્કરણ, વસ્ત્ર-છિદ્રપૂરક તરીકે, વૉલ-બૉર્ડના આવરકો તરીકે, કીટનાશકોના છંટકાવમાં અને અગ્નિરોધક સંયોજનો બનાવવામાં થાય છે. ખોળમાંથી પ્લાયવૂડનો ગુંદર બનાવવામાં આવે છે. વ્યાપારિક કેસિન રેસા જેવો સાંશ્લેષિક (synthetic) રેસા પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે; જેને રેયૉન કે કપાસના તંતુઓ સાથે મિશ્ર કરી શકાય છે. પ્રોટીનના નિષ્કર્ષણ પછી રહેતા અવશેષમાંથી ફિનૉલિક પ્લાસ્ટિક બનાવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર સોયાબીન સ્વાદે મધુર, કડવા, તૂરા રોગ-પ્રતિકારક શક્તિ વધારનાર, શરીરને કાંતિ આપનાર અને માંસપેશીની વૃદ્ધિ કરનાર છે. સોયાબીનમાં ફૉસ્ફરસ સારા પ્રમાણમાં હોવાથી મગજની નબળાઈ, વાઈ, હિસ્ટીરિયા અને ચેતાતંતુઓની નબળાઈમાં લાભદાયી છે. તેમાં લેસિથિન હોવાથી ક્ષય અને ફેફસાંના રોગો માટે અત્યંત મહત્વની ઔષધિ છે. તેના સેવનથી યુરિક ઍસિડ ઘટતાં સાંધાના દુખાવામાં આરામ મળે છે. મધુપ્રમેહના દર્દીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. વિટામિન ‘એ’ અને ‘બી’ વધારે પ્રમાણમાં હોવાથી શરીર માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ યાદશક્તિ વધારવા, પુષ્ટિ માટે, સંધિવા, ગાઉટ, ક્ષય અને ફેફસાંના રોગોમાં કરવામાં આવે છે.

ભારતમાં થતી સોયાબીનની અન્ય જાતિઓમાં Glycine pentaphylla Dalz. અને G. javanica Linn.નો સમાવેશ થાય છે. પ્રથમ જાતિ કોંકણ, ઉ. કાનડા (મુંબઈ) અને વ્યાનાડ(ચેન્નાઈ)માં થાય છે. બીજી જાતિ પશ્ચિમ ઘાટ, મૈસૂરની ટેકરીઓ, નીલગિરિ અને પુણે તરફ 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

બિહારીલાલ ભાણજીભાઈ કનેરિયા

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ