સોયનું નાકું (નાટક) : ‘પ્રવેશ બીજો’(1950)માં સંગૃહીત જયંતિ દલાલનું એકાંકી. ચોટદાર ગુજરાતી એકાંકીના રચયિતાઓમાં બીજી પેઢીના અગ્રણી નાટ્યકાર તે જયંતિ દલાલ. પોતાની આગવી નાટ્યસૂઝ અને જૂની રંગભૂમિના તખ્તે નાટ્યતત્વને પચાવવાનો રંગવારસો ધરાવતા વીસમી સદીના મધ્ય ભાગના એકાંકીકાર જયંતિ દલાલનું આ એકાંકી જાણીતું અને ખૂબ ભજવાયેલું છે. ધનિક, સખાવતી, સામાજિક કાર્યકર ગણાતા શેઠ નંદનંદનની શોકસભામાં એમની સિદ્ધિઓની પ્રશંસા થતી હોય એવાં પાંચ દૃશ્યોમાં પ્રવચનોને સમાંતર નંદનંદનના આત્માને સ્વર્ગમાં ચિત્રગુપ્ત પાસે પાપ-પુણ્યનો હિસાબ નક્કી કરવાનાં દૃશ્યો અને આ દૃશ્યોમાં નંદનંદને પૃથ્વી પર જે પાપાચાર અને ભ્રષ્ટાચાર કર્યો હતો એની સિલસિલાબંધ હકીકતો રજૂ થાય એવી નાટ્યક્ષણો એકાંકીકારે ઝડપી છે. આ દૃશ્યોમાં સંસ્કૃત નાટ્યપ્રણાલીના ‘સ્થાનપતાકા’નો અવારનવાર ઉપયોગ થયો છે; જેમાં બે સંવાદો કે બે કાર્ય (ઍક્શન) એ રીતે સાથે મૂક્યાં હોય કે એ બંનેનો આગવી રીતે એક એક અર્થ તો નીકળતો જ હોય; પરંતુ એ બંનેને સાથે જોવા-સાંભળવાથી એક ત્રીજો અર્થ પણ નીકળે અને એમાંથી ભાવિ નાટ્યાત્મકતાનો નિર્દેશ મળે. આવી સહોપસ્થિતિ (juxtaposition) આ એકાંકીની ત્રેવડ છે. જયંતિ દલાલે ‘સોયનું નાકું’ ઉપરાંત એમના ‘ચોથા પ્રવેશ’ સુધી વિસ્તરતા ચાર એકાંકીસંગ્રહોનાં અનેક એકાંકીઓમાં આ વિશિષ્ટ નાટ્યપ્રણાલી યોજી છે. આ એકાંકીમાં અનેક સ્થળે શબ્દાળુતા જણાય છે; પરંતુ એને ગાળીને નાટ્યક્રિયા નિપજાવી શકાય તો વિશિષ્ટ નાટ્ય-અનુભવ પ્રેક્ષકોને અચૂક થાય. કટાક્ષ અને વ્યંગ આ એકાંકીઓનું એક સબળ લક્ષણ છે.

હસમુખ બારાડી