સોમૈયા, હરજીવન (જ. 12 નવેમ્બર 1911, જોડિયા, જિ. જામનગર; અ. 19 જુલાઈ 1942, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને સાહિત્યકાર. જન્મ ગરીબ લોહાણા પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જોડિયામાં લીધું. પિતાનું અવસાન થતાં માતા, પુત્ર અને નાની બહેન કાકા પાસે કરાંચી આવ્યાં. માતા ઘરકામ કરીને ભાઈ-બહેનને ભણાવતાં. હરજીવન મૅટ્રિકમાં હતા તે વર્ષે (1929માં) ગાંધીજી તેમની શાળા(શારદા મંદિર)માં આવ્યા અને બીજા જ દિવસે અભ્યાસ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે ઝંપલાવ્યું. કરાંચીમાં દરિયાકિનારે એક અંગ્રેજ વિદ્યાર્થી સાથે ઝઘડો થતાં માર પડ્યો; અપૂરતા પોષણના કારણે નાનપણથી જ નબળું રહેલું શરીર માર સહન કરી શક્યું નહિ એટલે ખાટલે પડ્યું અને ઉપરથી કેસ ચાલ્યો; પણ હરજીવન માનસિક રીતે દૃઢ હતા, તેમણે કલમ હાથમાં લીધી અને સ્વમાન તથા સ્વાતંત્ર્યને પોષક નાનાં-મોટાં લખાણો જુદાં જુદાં નામોથી લખવા માંડ્યાં. બીજી બાજુ આઝાદીની ચળવળ જોર પકડતી હતી. 1930માં દાંડીયાત્રા બાદ ગાંધીજી વગેરે નેતાઓની સામૂહિક ધરપકડ થઈ તેના વિરોધમાં કરાંચીમાં સ્વાતંત્ર્યસૈનિકોએ સરઘસ કાઢ્યું, ગોળીબાર થયા તેમાં મિત્ર મેઘરાજ શહીદ થયા, હરજીવન ઘવાયા, હૉસ્પિટલમાં જરૂરી સારવાર મળી તેથી તે બચી ગયા; પણ હવાફેર માટે કરાંચી છોડવાનું જરૂરી લાગ્યું. એ સમયે ક્રાન્તિકારીઓ અને સાહિત્યકારો માટે રાણપુર (સૌરાષ્ટ્ર) આકર્ષણનું કેન્દ્ર હતું. હરજીવન રાણપુર આવ્યા અને હરિજનશાળામાં શિક્ષક તરીકે જોડાયા. અહીં બંગાળી ભાષા શીખ્યા, વાંચન વિકસ્યું અને શરીર સુધર્યું. કુટુમ્બીજનો કરાંચી હતા તેથી તેઓ પાછા કરાંચી આવ્યા. આ વખતે શારદા મંદિરમાં ‘નૉન મૅટ્રિક શિક્ષક’ તરીકે જોડાયા. ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું, નાનામોટા અનુવાદો કરવા માંડ્યા તથા ‘ચારુદત્ત’ ઉપનામથી બાળસાહિત્યનું સર્જન આરંભ્યું; પણ કરાંચીનું હવામાન હરજીવનને અનુકૂળ નહોતું; બોલવાના શ્રમના કારણે શિક્ષક તરીકેની ફરજ પણ પ્રતિકૂળ બની રહી. મિત્રોએ ‘ભારતી સાહિત્ય સંઘ’ની સ્થાપના કરી, તેમાં તેઓ જોડાયા. આજીવિકા સાથે જ લેખન, હરજીવનને મનગમતું હતું પણ માંદગી કેડો મૂકતી નહોતી. તેમાં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ થયો, હરજીવન પકડાયા અને સાબરમતી જેલના હવાલે થયા. 1933–34ના આ કારાવાસ દરમિયાન, હરજીવનને ‘સમાજના ત્રીજા અંગ’ તરીકે જેઓ ઓળખાય છે તે મવાલીઓનો પરિચય થયો; જેમના આધારે ‘પુનરાગમન’ નામની નવલકથા લખી. આ નવલકથા આઠ વર્ષ પછી પ્રકાશન પામી. ઇતિહાસ અને ભૂગોળનો એવો રસ કે કિશોરલાલ મશરૂવાળાએ એમને લખેલું કે ‘દૂબળે શરીરે, એક ઓરડામાં બેઠાં બેઠાં પણ, તમે જાણે ઘણો પ્રવાસ કર્યો હોય એવી વાર્તાઓ લખો છો.’
જેલમાંથી છૂટીને રાણપુર–કરાંચી, કરાંચી–રાણપુર’ એમ ફરતા રહ્યા, લગ્ન પણ કર્યાં, સાથે સાથે આઝાદીની ચળવળમાં અને લેખનવાચનમાં સક્રિય રહ્યા. ભાષાઓની ચોકસાઈ એવી કે ‘હરિજનબંધુ’ વાંચતાં વાંચતાં જોડણીની અનેક ભૂલો સુધારી અને તે અંક ગાંધીજીને મોકલ્યો. સેવાગ્રામ, વર્ધાથી 5 જુલાઈ, 1940ના રોજ હરજીવન ઉપર ગાંધીજીનો પત્ર આવ્યો અને ટૂંક સમયમાં ગાંધીજીની ભલામણથી ચંદ્રશંકર શુક્લે ‘હરિજનબંધુ’ માટે હરજીવનની સેવા માગી; પણ શરીરથી કાયર હરજીવન ઉત્તરોત્તર મોતના મુખમાં ધકેલાતા જતા હતા. એમાં કુટુંબક્લેશ ઘેરી વળ્યો, તેમને અમદાવાદ લાવવામાં આવ્યા અને માત્ર એકત્રીશ વર્ષની વયે અમદાવાદના ભારતી સાહિત્ય સંઘના કાર્યાલયમાં, જ્યાં બેસીને તેઓ લખતા ત્યાં જ અવસાન પામ્યા.
હરજીવન સોમૈયાએ ઘણી નાની વયે લેખનકાર્યનો આરંભ કરેલો; જેમાં બાળસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, અનુવાદ, આરોગ્ય તથા ઇતિહાસ-વિષયક નાનાંમોટાં પ્રકાશનો અને લેખો છે. ‘ચારુદત્ત’ ઉપનામથી તેમણે સર્જેલા બાળસાહિત્યમાં ‘દરિયાના મામલા’ (1936) અને ‘ભરદરિયે’ (1937) સાહસકથાઓ છે. ‘નાનાં છોકરાં’ (1937) અને ‘જંગલમાં મંગલ’ ભાગ 1–2 (1938) તેમના બાળવાર્તાસંગ્રહો છે તથા ‘શંકરાચાર્ય’ (1936) જીવનચરિત્ર છે. 1931માં લખાયેલી ટૂંકી વાર્તા ‘પશમી’થી તેઓ એક વાર્તાકાર તરીકે ખ્યાતિ પામ્યા. સમયે સમયે લખાતી રહેલી તેમની વાર્તાઓનો સંગ્રહ ‘પશમી અને બીજી વાતો’ તેમના નિધન પછી 1944માં પ્રકાશન પામેલો છે. તેમણે લખેલી નવલકથાઓમાં ‘પૃથ્વીનો પહેલો પુત્ર’ (1939) ‘વાનર’માંથી ‘નર’ બની રહેલા મનુષ્યની વિશિષ્ટ કહી શકાય તેવી ઐતિહાસિક નવલકથા છે. ‘જીવનનું ઝેર’ (1940) ઈશુના આરંભકાળના રોમના ઇતિહાસ વિશે લખાયેલી કથા છે, જ્યારે ‘પુનરાગમન’ ભાગ 1–2 (1943) મવાલીઓ–ગુંડાઓ–આતંકવાદીઓના જીવનમાં ડોકિયું કરતી તેમની જાતઅનુભવ પર આધારિત સામાજિક નવલકથા છે. ‘કાળાં કાજળ સોહામણાં’ (મરણોત્તર, 1944) સંસારજીવનની અધૂરી રહેલી કરુણ કથા છે.
હરજીવન સોમૈયાના અનુવાદોમાં વિ. સં. ખાંડેકરની નવલકથા ‘દોન ધ્રુવ’ (1939), સાધ્વીઓના મઠજીવનની કથા ‘અહંકાર’ (1940), વિશ્વયુદ્ધોને લક્ષ્ય કરતી હોલ કેઈનની નવલકથા ‘ઑલ ક્વાઇટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’નો અનુવાદ, ‘પશ્ચિમના સમરાંગણે’ (1941) તથા ‘બાર્બ્ઝડ વાયર’નો અનુવાદ, ‘કાંટાની વાડ’ (1942) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ‘ઉપવાસ કેમ અને ક્યારે ?’ (1941) તેમનું આરોગ્ય-વિષયક પુસ્તક છે, જ્યારે ‘ઊર્મિ નવરચના’ આદિ સામયિકોના ઇતિહાસ-વિષયક લેખો અદ્યાપિ અગ્રંથસ્થ છે. સોમૈયાના સમગ્ર સર્જનની ધોરી નસ ઇતિહાસ અને ઇતિહાસના આધારે અનુભવાયેલી હિંસાની નિરર્થકતા, સમભાવ તથા સહૃદયતાભર્યા અભિગમની આવશ્યકતા અને માનવ્યની મહત્તા છે.
નરોત્તમ પલાણ