સોમસ્કંદ : બાલ સ્વરૂપા સ્કંદ સાથેનું શિવ અને ઉમાનું મૂર્તિસ્વરૂપ. ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં આ મૂર્તિસ્વરૂપનું વિધાન ખૂબ વિગતે અપાયું છે. આમાં શિવ ત્રિનેત્ર, ચતુર્ભુજ, સ્વરૂપે ભદ્રપીઠ પર સુખાસનમાં પણ ટટ્ટાર બેઠેલા છે. તેમના જમણા હાથમાં પરશુ અને ડાબા પાછલા હાથમાં મૃગ છે. જ્યારે બાકીના બે હાથ પૈકી એક અભય મુદ્રામાં અને બીજો વરદ કે સિંહકર્ણ મુદ્રામાં જોવામાં આવે છે. તેમના જમણા કાનમાં મકર કે સિંહકુંડલ અને ડાબા કાનમાં પત્રકુંડલ અથવા બંને કાનમાં વૃત્તકુંડલ શોભે છે. હાથમાં સર્પાકાર કંકણ ધારણ કરેલાં છે. દેવી શિવની ડાબી બાજુએ બિરાજે છે. દ્વિભુજ દેવીના જમણા હાથમાં કમળપુષ્પ અને ડાબો સિંહકર્ણ મુદ્રામાં હોય છે. મસ્તક પર કરંડમુકુટ, દેહ પર સુંદર આભૂષણો અને લાલ વસ્ત્ર શોભે છે. બાળક સ્કંદની આકૃતિ મોટે ભાગે દેવીના ખોળામાં બેઠેલી હોય છે. અન્યથા સ્કંદને ઊભેલા, આસન પર બેઠેલા કે નૃત્ય કરતા પણ બતાવાય છે. તેમને એક મુખ, બે આંખો અને બે હાથ બતાવાય છે. તેમના મસ્તક પર કરંડ મુકુટ, કાનમાં નકકુંડલ અને શરીર પર છન્નવીર ધારણ કરે છે. સ્કંદે કટિમેખલા પણ ધારણ કરી છે, જેમાં મણિમેખલા અને મણિબંધ પહેરાવેલ હોય છે. એમના જમણા હાથમાં કમળ અને ડાબો નીચે ઝૂલતો અથવા બંને હાથમાં કમળ ધારણ કરતા દૃષ્ટિગોચર થાય છે. શિલ્પરત્ન પ્રમાણે ડાબો હાથ વરદ અથવા સિંહકર્ણમુદ્રામાં અને જમણા હાથમાં પુસ્તક હોય છ. બાળક સ્કંદ વસ્ત્રવિહીન હોય છે. સોમસ્કંદની મૂર્તિમાં બ્રહ્મા અને વિષ્ણુ તેમની દેવીઓ સાથે સોમસ્કંદની દરેક બાજુએ ઊભેલા બતાવાય છે. દક્ષિણ ભારતમાં આ સ્વરૂપની મૂર્તિઓ જોવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ