સોમસુંદરસૂરિ (. 1374/સં. 1430 મહા વદ 14, શુક્રવાર, પાલનપુર; . 1443/સં. 1499) : પ્રસિદ્ધ જૈનાચાર્ય. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન શ્રેષ્ઠી અને માતાનું નામ માલ્હણદેવી. એમનું સંસારી નામ સોમ.

માતાપિતાની સંમતિથી સાત વર્ષની કુમળી વયે 1381(સં. 1437)માં એમને દીક્ષા અપાઈ. એમના દીક્ષાગુરુ આચાર્ય જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા પછી તેઓ સતત અભ્યાસરત રહ્યા અને પ્રમાણમાં નાની વયમાં જ અસાધારણ વિદ્વત્તા પ્રાપ્ત કરી. વીસમે વર્ષે 1394(સં. 1450)માં એમને વાચકપદ–ઉપાધ્યાયપદ અપાયું અને 27 વર્ષની યુવાન વયે 1401(સં. 1457)માં તો પાટણમાં એમને આચાર્યપદ પ્રદાન થયું. આ આચાર્ય-પદવીનો મહોત્સવ તપાગચ્છના 49મા પટ્ટધર આચાર્ય દેવસુંદરસૂરિની નિશ્રામાં યોજાયો. સોમસુંદરસૂરિ પાછળથી ગચ્છાધિપતિ અને તપાગચ્છના 50મા પટ્ટધર થયા.

તેઓ સાધુઓના શુદ્ધાચારના આગ્રહી હોઈને સાધુઓમાં પ્રવેશેલી આચાર-શિથિલતા દૂર કરવા તરફ એમણે લક્ષ આપ્યું. એમની નિશ્રામાં શત્રુંજય-ગિરનાર જેવી તીર્થયાત્રાઓ યોજાઈ. ગુજરાતનાં ઘણાં ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા એમની નિશ્રામાં થઈ. 1423-(સં. 1479)માં તારંગા તીર્થના અજિતનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા તેમજ શ્રેષ્ઠી ધરણાશાએ બંધાવેલ રાણકપુરના સુપ્રસિદ્ધ દેરાસરની પ્રતિષ્ઠા આચાર્ય સોમસુંદરસૂરિની નિશ્રામાં થઈ. એમણે કરેલી બિંબ-પ્રતિષ્ઠાના 1415 (સં. 1471)થી 1442 (સં. 1498) સુધીના ઘણા લેખો મળી આવ્યા છે. આચાર્યપદ અને વાચકપદના અનેક મહોત્સવો એમની નિશ્રામાં યોજાયા.

જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોને કાગળ પર ઉતારી એની જાળવણી કરવાનું ભગીરથ કામ આચાર્ય સોમસુંદરસૂરિના સમયમાં શરૂ થયું. આચાર્ય દેવસુંદરસૂરિ અને સોમસુંદરસૂરિની આ ગુરુ-શિષ્યની જોડીએ પોતાના અનેક શિષ્યો દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું. ખાસ કરીને પાટણ અને ખંભાતના ગ્રંથોનું કાગળ પરનું લેખન-સંસ્કરણ એમના શિષ્યમંડળે કર્યું. ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત શેઠે 45 આગમગ્રંથો પૈકીનાં 11 અંગોની ભારે ખર્ચ કરીને શ્રી સોમસુંદરસૂરિ દ્વારા હસ્તપ્રતો લખાવડાવી. આ રીતે ગુજરાતના જ્ઞાનભંડારોના સમુદ્ધારનું મોટું કામ થયું એમાં આચાર્ય સોમસુંદરસૂરિ અને એમના શિષ્યમંડળનું યોગદાન મહત્વનું છે.

સોમસુંદરસૂરિ તપાગચ્છના ગચ્છાધિપતિ હોવા સાથે પ્રકાંડ પંડિત પણ હતા. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ આપીને મૂલ્યવાન સાહિત્યસેવા કરી છે.

સંસ્કૃતમાં એમણે ‘ભાષ્યત્રયચૂર્ણિ’, ‘કલ્યાણકસ્તવ’, ‘રત્નકોશ’, ‘નવસ્તવ’ આદિ રચનાઓ કરી છે. ‘આરાધના રાસ’ (1394/સં. 1450) એ એમની સંભવત: પ્રાકૃતમાં રચાયેલી પદ્યાત્મક કૃતિ છે. આ રાસમાં મૃત્યૂન્મુખ જીવને અંતકાળની સુધારણા, દુષ્કૃતની ગર્હા અને સુકૃતની અનુમોદના, પ્રાણીમાત્રની મૈત્રી અને ક્ષમાયાચના અને દેવ-ગુરુ-ધર્મનું શરણું વગેરે વિષયોને આવરી લેતા દસ અધિકારોનું વર્ણન છે.

ગુજરાતીમાં 33 કડીનું ‘અર્બુદાચલ સ્તવન’, 25 કડીનું ‘ગિરનાર-સ્તવન’, 25 કડીનું સ્થંભન પાર્શ્ર્વનાથ-સ્તવન’ અને 9 કડીનું ‘નવખંડ-સ્તવન’ એ એમની કાવ્યરચનાઓ છે.

આ ઉપરાંત ગુજરાતી ગદ્યમાં એમણે મહત્વના અનેક ધર્મગ્રંથો ઉપર બાલાવબોધો રચ્યા છે. એમાં ‘ઉપદેશમાલા બાલાવબોધ (ઈ. 1429 / સં. 1485; મુ.) ‘ષષ્ટિશતક બાલાવબોધ (ઈ. 1440/સં. 1496; મુ.), ‘યોગશાસ્ત્ર બાલાવબોધ’ (અંશત: મુ.), ‘ષડાવશ્યક બાલાવબોધ’, ‘આરાધના પતાકા બાલાવબોધ’, ‘ભક્તામર સ્તોત્ર બાલાવબોધ’, ‘વિચારગ્રંથ / વિચારસંગ્રહ / અનેક વિચારસંગ્રહ બાલાવબોધ’, ‘ગૌતમપૃચ્છા બાલાવબોધ’ જેવા બાલાવબોધોનો સમાવેશ થાય છે. ‘નવતત્વ બાલાવબોધ’ (ઈ. 1446 / સં. 1502) એમણે રચ્યો હોવાનું મનાતું હતું, પણ સમય-દૃષ્ટિએ વિચારતાં એ એમના શિષ્યની રચના હોય એમ જણાય છે.

મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધોનું ગદ્ય વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. ખાસ કરીને ‘ઉપદેશમાલા’ અને ‘યોગશાસ્ત્ર’ના ઉપદેશો અને સિદ્ધાંતોની સમજ માટે એમણે આપેલી દૃષ્ટાંતકથાઓનું ગદ્ય સાદું, સરળ પ્રવાહી અને તત્કાલીન બોલચાલની સાહજિક લઢણવાળું છે.

શ્રી સોમસુંદરસૂરિના ઘણા બહોળા શિષ્યપરિવારમાંથી અનેક શિષ્યોને એમણે આચાર્યપદવી આપી છે. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા વિદ્વાન આચાર્યો તેમજ જિનમંડન, જિનકીર્તિ, સોમદેવ, સોમજય, વિશાલરાજ, ઉદયનંદી, શુભરત્ન વગેરે શિષ્યો-પ્રશિષ્યો થયા.

આ જૈનાચાર્યે જ્ઞાનોદ્ધારનું અને ગુજરાતી ગદ્યને ઘાટ આપવાનું જે મહત્વનું કામ કર્યું છે તેથી જ મોહનલાલ દ. દેસાઈએ ઈશુના 15મા શતકના પૂર્વાર્ધને ‘સોમસુંદરયુગ’ તરીકે ઓળખાવ્યો છે.

કાન્તિભાઈ શાહ