સોમસુંદરમ્, મી. પા. (. 17 જૂન 1921, મીનાક્ષીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; . 15 જાન્યુઆરી 1999) : તમિળ ભાષાના નવલકથાકાર. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઑલ ઇન્ડિયા રેડિયોના મુખ્ય કાર્યક્રમ-નિર્માતા તરીકે નિવૃત્ત; માનાર્હ નિયામક, મ્યુઝિક કૉલેજ, તમિળ ઈસાઈ સંગમ, ચેન્નાઈ; સંપાદક, ‘કલ્કી’, તમિળ સાપ્તાહિક, 1954—1956; સભ્ય, સલાહકાર બોર્ડ, સધર્ન લૅંગ્વેજિઝ બુક ટ્રસ્ટ તથા નૅશનલ બુક ટ્રસ્ટ; પ્રમુખ, તમિળ લેખક મંડળ, 1959; સભ્ય, તમિળ માટેનું સલાહકાર બોર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, 1968—1972; નિયામક, ટ્રેડિશનલ તમિળ આર્ટ્સ, 1982; તંત્રી (માનાર્હ), ‘હિંદુ માથમ અઝૈક્કીરાડુ’, ધાર્મિક તમિળ માસિક, 1985—86. રૉયલ સોસાયટી ઑવ્ ડ્રામેટિક આર્ટ ઍન્ડ લિટરેચર, ઇંગ્લૅન્ડ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા હતા.

તેમને મળેલ સન્માનોમાં આનંદ વિક્તન ઍવૉર્ડ, 1938; રાજ્ય સરકાર ઍવૉર્ડ, 1948; કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1962 વગેરેનો સમાવેશ થાય છે.

તેમનાં મુખ્ય પ્રકાશનો આ પ્રમાણે છે : ‘કાલરાજ મોહિની’ (1946), ‘તિરુપ્પુગાઝ સમિયાર’ (1946), ‘કેલડ ગનમ’ (1955) – એ ટૂંકી વાર્તાઓ; ‘કાંડલ કાનડા કાનાવુ’ (1961) અને ‘રવિ ચન્દ્રિકા’ – એ બંને નવલકથાઓ; ‘ઇલ્લાવેનિલ’ કાવ્યસંગ્રહ; ‘અક્કારત ચીમયિલ’ (1961) પ્રવાસકથા; ‘પિલ્લાયર ચુઝી’ (1947), ‘નામડુ સેલવમ્ અને સિરુકથાઈ’ (1972)  એ તમામ નિબંધસંગ્રહો. તેમણે સધર્ન લૅંગ્વેજિઝ બુક ટ્રસ્ટ તથા નૅશનલ બુક ટ્રસ્ટ માટે કાવ્યસંચયોનું સંપાદન પણ કર્યું હતું.

મહેશ ચોકસી