સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે.
કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો ઉલ્લેખ મળે છે.
આજે આ સંપ્રદાયનું કોઈ સાહિત્ય મળતું નથી; પણ ‘ઈશાન-શિવગુરુપદ્ધતિ’, ‘તંત્રાધિકારનિર્ણય’, ‘વીરમિત્રોદય’, ‘દાર્શનિક કાલિકાસંગ્રહ’ અને ‘પ્રબોધચંદ્રોદય’માં વિગતે રસપ્રદ માહિતી મળે છે; જ્યારે રઘૂત્તમના ‘ભાષ્યચંદ્ર’ અને મત્સ્યેન્દ્રનાથના ‘અકુલવીર તંત્ર’માં તેનો આછો ઉલ્લેખ છે.
અભિલેખોની સોમની અને પુરાણોની સોમશર્માની કથા એક જ અનુશ્રુતિનાં બે પાસાં છે. આ ઉપરથી સોમશર્માએ સ્થાપેલા સોમસિદ્ધાંત ઉપર આધારિત એક શૈવસંપ્રદાય છે.
પ્રભાસપાટણના શિલાલેખ અનુસાર સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવી શિવની આજ્ઞાથી પોતાની પદ્ધતિ (સંપ્રદાય) સ્થાપી પાશુપતોને અર્પણ કર્યું હતું. પુરાણો અનુસાર શિવસ્વરૂપ સોમ-શર્માને અક્ષપાદ–ગૌતમ (ન્યાયદર્શનના આચાર્ય), કણાદ (વૈશેષિક દર્શનના આચાર્ય), ઉલૂક (તર્કશાસ્ત્રના પંડિત) અને વત્સ ચાર શિષ્યો હતા. ચીની સાહિત્ય પ્રમાણે ન–ય–સુ–મો અર્થાત્ નયસોમ તર્કશાસ્ત્રની શાખા છે. નયસોમ એટલે સોમ સાથે જોડાયેલું ન્યાયદર્શન. ન્યાય અને વૈશેષિક બંને દર્શનો શૈવધર્મ સાથે સંકળાયેલાં છે.
‘પ્રબોધચંદ્રોદય’ અનુસાર કાપાલિક રૂપધારી સોમે આ સિદ્ધાંત કહ્યો હોવાથી બંને એક જ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. ચંદ્રેશ્વરનો શિલાલેખ તેનું સમર્થન કરે છે; પરંતુ તાંત્રિક સાહિત્ય અને પરંપરા પ્રમાણે બંને જુદા છે.
ભીમદેવ બીજાના વેરાવળના શિલાલેખમાં આરંભે સોમેશ્વર શિવનું ચંદ્રના દેહના રસાયણ તરીકે સ્તવન છે. ‘પ્રબોધચંદ્રોદય’ જણાવે છે તેમ આ સંપ્રદાયમાં મુક્ત જીવો પાર્વતી જેવી પ્રિયાથી આલિંગાયેલા શિવ-ચંદ્રચૂડનું રૂપ પામે છે. આમ આ સંપ્રદાયમાં ઉમાસહિત ચંદ્રશેખરની ઉપાસનાનું મહત્વ છે. સોમ એટલે ઉમાસહિત (उमया सहित: सोम:।). ‘સૌંદર્યલહરી’ના આરંભે શિવાયુક્ત શિવને જ તેમણે ક્રિયાશીલ ગણ્યા છે; અન્યથા તે સ્પંદન કરવાને માટે સમર્થ નથી.
ભીમદેવ બીજાના વેરાવળના શિલાલેખની નોંધ પ્રમાણે આ શાખા સમય જતાં નાશ પામી છે, પણ શિવના અંશાવતાર વિશ્વેશ્વરને આ સિદ્ધાંતોને ફરી પ્રચલિત કરવાનો આદેશ મળતાં તેરમી સદીના આરંભે આ સિદ્ધાંતનો પ્રચાર કરવા ખૂબ પ્રયત્ન થયો હતો.
કાલિદાસરચિત ‘રઘુવંશ’ના વાક્ અને અર્થના સંબંધને પાર્વતી-શિવના સંબંધરૂપ ગણી આ જ સંપ્રદાયનો નિર્દેશ થયો હોવાનું જણાય છે.
જયકુમાર ર. શુક્લ
દશરથલાલ ગૌ. વેદિયા