સોપારા : પ્રાચીન ભારતનું એક બંદર. મુંબઈ પાસેના વસઈથી આઠ કિલોમીટર દૂર થાણા જિલ્લામાં સોપારા આવેલું છે. તેનું પ્રાચીન નામ સૂર્પારક (કે શૂર્પારક) હતું. મહાભારત અને જૈનબૌદ્ધ સાહિત્યમાં સોપારા વિશેના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતના સભાપર્વમાં સોપારાના ગણરાજ્યનો ઉલ્લેખ છે. સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના વિજયનું વર્ણન છે, જેમાં સૂર્પારકના ગણરાજ્યને હરાવાયાનું જણાવ્યું છે. અરબ મુસાફરોએ પણ તેમની પ્રવાસનોંધમાં સોપારાનો ઉલ્લેખ કર્યો છે. ‘उत्तराध्ययन-नेमिचंद्रसूरिटीका’, ‘आचारांगचूर्णि’ (ઉત્તરભાગ), ‘विविधतीर्थकल्प’, ‘वसुदेवहिंडी’ અને ‘निशीथचूर्णि’ જેવા જૈન સાહિત્યમાંથી સોપારા વિશે અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અહીંના સિંહગિરિ રાજાને મલ્લવિદ્યાનો ઘણો શોખ હતો. એ દરેક વર્ષે મલ્લોની કુસ્તી કરાવતો. એણે અહીંના એક માછીને પોષી ‘માત્સ્યિક મલ્લ’ નામથી પ્રસિદ્ધિ અપાવી હતી.
સોપારા જૈન ધર્મનું કેન્દ્ર હતું. અહીં આર્યસમુદ્ર, આર્ય મંગૂ અને આર્ય વજ્રસ્વામીના શિષ્ય વજ્રસેનાચાર્ય આવ્યા હતા. વજ્રસેનાચાર્યના ચાર શિષ્યોને નામે સાધુઓની ચાર શાખાઓ (ગચ્છો) પ્રવર્તી હતી. અહીંના જિનાલયમાં જીવંતસ્વામી ઋષભદેવની પ્રતિમાઓ હોવાથી એ જૈનોની તીર્થભૂમિ હતી. આર્યસમુદ્ર એક વાર વિહાર કરતા સોપારા ગયા ત્યારે એમના અનુયાયી ત્યાંના બે શ્રાવકોમાં એક શાકટિક (ગાડાં ચલાવનાર) અને બીજો વૈકટિક (દારૂ ગાળનાર = કલાલ) હતો. આમ વર્ણાશ્રમમાં નહિ માનનારા જૈન ધર્મના અનુયાયીઓમાં શાકટિક અને વૈકટિકને પણ સ્થાન હતું.
સોપારા દરિયાઈ બંદર હોવાથી વેપારનું મોટું મથક હતું. પરદેશથી અનેક વહાણો માલ ભરીને રોજ ત્યાં લાંગરવામાં આવતાં. અહીંથી પરદેશોમાં પણ વહાણો જતાં. ‘निषीथचूर्णि’ પ્રમાણે સોપારામાં વેપારીઓનાં પાંચસો કુટુંબો રહેતાં હતાં. ત્યાં વેપારીઓની એક શ્રેણી (મહાજન) હતી. આ વેપારીઓએ સોપારામાં પાંચસો શાલભંજિકાઓથી શોભતું એક સુંદર સભાગૃહ બંધાવ્યું હતું, જ્યાં વેપારીઓ સોદા કરતા અને પારસ્પરિક વાંધાઓનો નિકાલ કરતા. ત્યાંના રાજાએ આ વેપારીઓનો કર માફ કર્યો હતો, છતાં મંત્રીની સલાહથી રાજાએ વેપારીઓ પાસેથી કરની માગણી કરી. જો આ કર ચૂકવી દેવામાં આવે તો પોતાની ભાવિ પેઢીને પણ ચૂકવવો પડે તેથી વેપારીઓએ કર આપવાની ના કહી. આથી રાજાએ હુકમ કર્યો કે, ‘જો કર ન આપવો હોય તો અગ્નિપ્રવેશ કરો.’ આથી પાંચસોય વેપારીઓએ પોતાની પત્નીઓ સહિત અગ્નિપ્રવેશ કરીને પોતાના જીવનનો અંત આણ્યો.
અહીંનો કોક્કાસ (દાસચેટ) નામે એક નિષ્ણાત યાંત્રિક હતો. સોપારામાં એક વખતે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પોતાનું નસીબ અજમાવવા ઉજ્જૈનીમાં ગયો હતો. ત્યાં તેણે યાંત્રિક કબૂતરો બનાવ્યાં હતાં જે ત્યાંના રાજાના ગંધશાલિ (એક પ્રકારના સુગંધી ચોખા) ચણવા માંડ્યા હતા. તેણે રાજાના માટે યાંત્રિક ગરુડ પણ તૈયાર કર્યો હતો.
પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં પણ સોપારા વિશેના ઉલ્લેખો આવે છે. આથી સોપારા અને તેની આસપાસના પ્રદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર હોવાનું માની શકાય. અહીંથી બૌદ્ધ સ્તૂપોના કેટલાક અવશેષો મળી આવ્યા છે. અહીંના મુખ્ય સ્તૂપનું સંશોધન ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીએ ઈ. સ. 1882માં કર્યું હતું. સોપારાની ટેકરીની ટોચનું લગભગ ત્રણ મીટર ઊંડાઈ સુધી ખોદકામ કરી એમણે આ સ્તૂપ શોધી કાઢ્યો હતો. સંપૂર્ણ ઈંટોથી બાંધેલો આ સ્તૂપ એની મૂળ સ્થિતિમાં આશરે 30 મીટર ઊંચો હશે તેવું અનુમાન છે અને તે ઈ. સ.ની બીજી સદીમાં બંધાયો હશે. મુખ્ય સ્તૂપની આજુબાજુ બીજા નાના સ્તૂપો આવેલા હતા. તેમનો સમય ઈ. સ.ની ચોથી કે પાંચમી સદીનો છે. પાછળના સમયમાં બંધાયેલ કોટની દીવાલનો પણ કેટલોક ભાગ મળી આવ્યો છે.
અનુ-મૌર્ય કાલ (ઈ. પૂ. 185 ઈ. સ. 1) દરમિયાન સોપારામાં આરબ વસાહત હોવાના ઉલ્લેખો મળી આવે છે. અલ્મસદી નામના આરબ મુસાફરે (ઈ. સ. 943) સોપારાનો ઉલ્લેખ ‘સુબાયા’ તરીકે પોતાની પ્રવાસનોંધમાં કર્યો છે. આમ પ્રાચીન કાળથી દસમી સદી સુધી સોપારા વિશેનો ઇતિહાસ જાણવા મળે છે.
થૉમસ પરમાર