સોપાન (જ. 14 જાન્યુઆરી 1910, ચકમપર, તા. મોરબી; અ. 23 એપ્રિલ 1986, વડોદરા) : ગુજરાતી વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર, સમાજહિતચિંતક, રાજકારણ-વિશ્ર્લેષક, સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ મોહનલાલ તુલસીદાસ મહેતા. અન્ય તખલ્લુસ ‘શ્રી’. વતન મોરબી. જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક. બાળકો જીવતાં નહિ એ વહેમે નાનપણમાં એમનું નામ ગાંડાલાલ પાડેલું. એમની સાત વર્ષની ઉંમરે માતા શિવકોરનું અવસાન. થોડું ભણતર મોરબીમાં લઈ પિતાજી અને મોટાભાઈ વ્યવસાય અર્થે કરાંચી જવાથી ત્યાં વસવાટ. પિતાના અંધાપા અને આર્થિક કારણોસર તેમજ અસહકારની ચળવળને લીધે 11 વર્ષની ઉંમરે અભ્યાસ છોડ્યો એટલે પદ્ધતિસરનું શિક્ષણ ન મળ્યું. પિતાની દુકાન ચલાવી, વ્યાપારી પેઢીમાં નોકરી કરી, ખાદીની ફેરી કરી ભંડાર ખોલ્યો; પરંતુ છેવટે પિતાની સેવાનું મન છતાં તેમની મંજૂરી મેળવી અમૃતલાલ શેઠ(1889–1974)ના નેતૃત્વ હેઠળ ધોલેરા સત્યાગ્રહમાં જોડાયા. સત્યાગ્રહ અંગે કૂચગીત રચી કવિ મેઘાણી (1896–1947) દ્વારા ‘યુદ્ધકવિ’નું બિરુદ પામ્યા. જંગી સભાનું સંબોધન કરતાં ‘તણખા’ નામે પણ ઓળખાયા. 1930માં દોઢેક વર્ષની સજા પામ્યા અને 1930થી 1934 દરમિયાન ચારેક વાર જેલવાસ ભોગવ્યો. જેલમાં અંગ્રેજી શીખ્યા, ગાંધીજી તથા ટૉલ્સ્ટૉયનો અને અન્ય સાહિત્યકારોનો અભ્યાસ કર્યો. ત્યારથી વાચન, મનન, અનુભવથી વ્યક્તિત્વને સમૃદ્ધ કરી સન્નિષ્ઠ સાહિત્યકાર, સમર્થ પત્રકાર, સમાજ-રાજકારણ-વિશ્લેષક તરીકેનો વિકાસ પામ્યા. સત્યાગ્રહની લડતમાં પકડાયેલા સૈનિકોના આત્મવૃત્તાંતને આધારે ત્રણ કથાઓ સમાવતું પુસ્તક ‘અંતરની વાતો’ (1935) મેઘાણીની પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યું, જે બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હતું. એવું જ બીજું પુસ્તક ‘અંતરની વ્યથા’ (1937) પાંચ સત્યકથાઓ સમાવતું લખ્યું. 1939માં એમનું લગ્ન અમૃતલાલ શેઠનાં પુત્રી લાભુબહેન (1915–1994) સાથે થયું. લાભુબહેન પણ સુપ્રસિદ્ધ વાર્તાકાર અને પત્રકાર હતાં. મરાઠીમાં જ્ઞાનદેવના ભાઈનું નામ ‘સોપાન’ હતું તે એમને તખલ્લુસ તરીકે ગમી ગયેલું. 1942ની લડતમાં એમને ભૂગર્ભમાં જવું પડેલું અને પહેલગામમાં મિ. જૈન નામ ધારણ કરી રહ્યા ત્યારે છદ્મનામ ‘વનવાસી’ રાખીને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા ‘નવ ઑગસ્ટ’ લખી હતી.
સોપાને પત્રકાર અને સાહિત્યકાર તરીકે વિપુલ લેખન અને સર્જન કર્યું છે. અમૃતલાલ શેઠ નિવૃત્ત થતાં 1940થી 1961 દરમિયાન ‘જન્મભૂમિ’ (દૈનિક) અને ‘જન્મભૂમિ પ્રવાસી’(સાપ્તાહિક)ના તેઓ તંત્રી હતા. તે સમયે ‘નૂતન ગુજરાત’ના પણ થોડો વખત તંત્રી હતા. ‘જન્મભૂમિ’ સંસ્થાની પ્રતિભા અને પ્રતિષ્ઠા ઘડવામાં તેમનું મહત્વનું યોગદાન છે. પત્રકાર તરીકે તેમની કલમ સહજસ્પષ્ટ અને આકર્ષક રહેતી. પત્રકાર તરીકે તેમણે લીધેલી મહાનુભાવોની મુલાકાતો નોંધપાત્ર રહી છે. ‘જન્મભૂમિ’ છોડ્યા પછી ‘મુંબઈ સમાચાર’માં પણ કૉલમ લખતા. 1930માં ‘ઊર્મિ’ માસિકના સંપાદકમંડળમાં તેઓ હતા અને સંયુક્ત ‘ઊર્મિ અને નવરચના’ના તેઓ તંત્રી થયા હતા. થોડો વખત ‘પ્રતિમા’ માસિક પણ ચલાવેલું. 1947થી 1956 દરમિયાન મનુ સૂબેદારના નિમંત્રણથી ‘અખંડ આનંદ’ માસિકનું તંત્રીપદ એમણે સંભાળેલું. પત્ની લાભુબહેન સાથે ‘જીવનમાધુરી’ અને ‘અભિનવ ભારતી’ માસિક પણ અનુક્રમે સાત અને છ વર્ષ ચલાવેલાં. પ્રકાશન-સંસ્થાઓ પણ એમણે સ્થાપેલી. પ્રથમ અમદાવાદમાં ‘અંજલિ ગ્રંથમાળા’ રૂપે, પછી ‘ભારતી સાહિત્ય સંઘ’, ‘જીવન સાહિત્ય મંદિર’ અને ‘અભિનવ ભારતી પ્રકાશન’ નામે.
એમનું લેખનકાર્ય ચાર વિભાગમાં વિસ્તરેલું છે : વાર્તાસાહિત્ય, સામાજિક વિચારધારા, ચિંતનાત્મક નિબંધો અને રાજકારણ. બધા વિષયો મળીને એમનું અર્પણ 65 જેટલા ગ્રંથોનું છે.
એમની કેટલીક નવલકથાઓ બે-ત્રણ ભાગમાં વિસ્તરેલી રહી છે. એમાં સામાજિક સમસ્યાઓ અને ગાંધીપ્રેરિત ભાવનાઓનું નિરૂપણ હોય છે. ‘સંજીવની’ (1936), ‘પ્રાયશ્ચિત્ત ભાગ 1 અને 2’ (1936–37), ‘‘જાગતા રે’જો’’ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) (1939, 1940), ‘વનવાસ’ (1941), ‘ફૂટેલાં સુવર્ણપાત્રો’ (1942), ‘કન્યારત્ન ભાગ 12’ (1953), ‘રાજઘાટ ભાગ 1, 2, 3’ (1960) અને ‘ઘૂંઘટ કા પટ ખોલ ભાગ 1, 2, 3’ (1971) એમની 27 નવલકથાઓમાંથી નોંધપાત્ર નવલકથાઓ છે. ‘પ્રાયશ્ચિત્ત’ જેવી નવલકથામાં અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન ગૂંથાયેલો છે અને ‘અંકલ ટોમ્સ કૅબિન’ (1852) જેવી યશોદાયી કૃતિ ગણાઈ છે. ‘અખંડ જ્યોત’ (1938), ‘ત્રણ પગલાં’ (1941), ‘ઝાંઝવાનાં જળ’ (1942) અને ‘વિદાય’ (1944) એમના આઠ નવલિકાસંગ્રહોમાંના જાણીતા સંગ્રહો છે. એમણે નવલકથા અને ટૂંકી વાર્તાઓનું વસ્તુ સામાજિક અવલોકન, પ્રસંગો અને અનુભવમાંથી વિકસાવેલું હોય છે.
સામાજિક વિચારધારાના એમનાં લખાણોમાં ‘લગ્નસાધના’ (1947) અને ‘લગ્ન – એક સમસ્યા’ સાંસારિક જીવનના ક્ષેત્ર માટે માર્ગદર્શનરૂપ છે. ‘પ્રેમ અને પુરુષાર્થ’ (1944) ‘સંસારચક્ર ગ્રંથાવલિ’ની 12 પુસ્તિકાઓનો સંગ્રહ છે, જેમાં પત્રશૈલીમાં સાંસારિક સંબંધોની ચર્ચા છે. ‘સંસારચક્ર ગ્રંથાવલિ’ની બીજી 12 પુસ્તિકાઓ 1945થી 1947 દરમિયાન પ્રગટ થયેલી, જેમાં વાર્તાલાપી શૈલીમાં કુમાર, કુમારી, યુવક, યુવતી, શ્રીમાન, શ્રીમતી સાથે સાંસારિક સંબંધોની બોધાત્મક ચર્ચા છે. વરકન્યાવિક્રયનો વિરોધ, આંતરજ્ઞાતીય લગ્નોને સમર્થન, વિધવાવિવાહ, ખર્ચાળ લગ્ન-સમારંભો અને પ્રેતભોજનનો વિરોધ, બાળલગ્ન-પ્રથાનો નિષેધ જેવી સમાજસુધારણાની વિચારણા એમના લેખન અને કાર્યમાં હતી. સુખી કુટુંબજીવન અને સંવાદી સાંસારિક સંબંધોનો આદર્શ એમણે પ્રબોધ્યો છે. ‘દીપમંગલ’ (1950), ‘દૃષ્ટિમંગલ’ (બી. આ. 1981), ‘મનોમંગલ’ એ ‘શ્રી’ના ઉપનામે ‘અખંડ આનંદ’માં લખેલા તંત્રીનિબંધોના સંગ્રહો છે. એ જ ઉપનામે ‘મુંબઈ સમાચાર’માં લખેલા નિબંધો ‘માનવીનું જીવન અધૂરું મધુરું’(1979)માં છે. જીવનનાં વિવિધ આંતરબાહ્ય પાસાંઓની પ્રેરક ચર્ચાઓ એમાં છે. ‘દીપમંગલ’ ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત થયેલું અને ‘દૃષ્ટિમંગલ’ પંડિત સુખલાલજી(1880–1978)ની પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલું પુસ્તક છે.
સોપાને તત્કાલીન રાજકારણ અંગે ‘જન્મભૂમિ’નાં પૃષ્ઠો પર અને પુસ્તક રૂપે ઘણું લખ્યું છે; જેમાં ‘ચલો દિલ્હી અથવા નેતાજીનું જીવન અને કાર્ય’, ‘ગાંધી-ઝીણા મંત્રણા’, ‘અગ્નિપરીક્ષાને અંતે’, ‘આઝાદીનાં અંધારાં અજવાળાં’ (1982) મુખ્ય છે. એમની રાજકીય સમીક્ષાઓ વખણાતી, આગાહીઓ સાચી પડતી. પત્રકારત્વ દ્વારા એમણે ગાંધીવિચારધારા અને મૂલ્યો અંગે લોકમત કેળવવાનું કાર્ય કર્યું છે. ‘જન્મભૂમિ’નાં પૃષ્ઠો પર એમણે દેશદાઝને નીડરતા અને નિષ્ઠાપૂર્વક જીવંત રાખી છે.
‘ભિક્ષુ અખંડાનંદ’ (1947) અને ‘પૂ. બાપુ’ (1948) એમણે અન્ય સાથે લખેલાં ચરિત્રો છે. ‘સુભાષનાં લેખો અને પ્રવચનો’(1946)નું સંપાદન અને ‘પૃથ્વીની પરકમ્મા’ (1964) પ્રવાસપુસ્તક એમને નામે છે.
આમ, રાષ્ટ્રભક્તિ, પત્રકારત્વ અને સાહિત્ય – એ ત્રિવેણી સંગમ પર એમનો જીવનપટ વિસ્તર્યો અને વિકસ્યો છે.
મનોજ દરુ