સોડિયમ સાયનાઇડ (sodium cyanide)

January, 2009

સોડિયમ સાયનાઇડ (sodium cyanide) : અકાર્બનિક અને કાર્બનિક રસાયણમાં તથા ઘણી ધાતુકર્મીય (metallurgical) પ્રવિધિઓમાં ઉપયોગી એવું અગત્યનું સંયોજન. રાસાયણિક સૂત્ર NaCN.

1965 સુધી સોડિયમ સાયનાઇડના ઉત્પાદન માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી. તેમાં સોડામાઇડ(NaNH2)માંથી તે બનાવવામાં આવતો હતો. સોડિયમ (Na) ધાતુ અને એમોનિયા (NH3) વચ્ચેની પ્રક્રિયાથી સોડામાઇડ બને છે.

Na + NH3 → NaNH2 + 1H2

સોડામાઇડને કાર્બન સાથે ગરમ કરવાથી પ્રથમ સોડિયમ સાયનેમાઇડ બને છે. આ માટે પીગળેલા સોડામાઇડમાં કોલસો ઉમેરવામાં આવે છે.

સોડિયમ સાયનેમાઇડ વધુ કાર્બન સાથે પ્રક્રિયા કરી સાયનાઇડ ઉત્પન્ન કરે છે :

એક અન્ય રીતમાં સોડિયમ ક્લોરાઇડને કૅલ્શિયમ સાયનેમાઇડ સાથે વિદ્યુતભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે.

1965 પછી હાઇડ્રોજન સાયનાઇડ (HCN) બનાવવાની સરળ પ્રવિધિ પ્રાપ્ત થતાં હવે વ્યાપારી રીતે તેમાંથી NaCN બનાવવામાં આવે છે. મિથેન (CH4) અને એમોનિયા વચ્ચે ઉદ્દીપકની હાજરીમાં 1200° સે. તાપમાને વાયુ-પ્રાવસ્થા(gas phase)માં પ્રક્રિયા થાય છે. આ માટેની બે પદ્ધતિઓ છે :

(i) દગુસા (Degussa) પ્રવિધિ :

(ii) એન્ડ્રુસોવ (Andrussov) પદ્ધતિ :

ઉત્પન્ન થતા હાઇડ્રૉસાયનિક ઍસિડ(HCN)ને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અથવા સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં તટસ્થીકરણ થાય ત્યાં સુધી શોષી લેવામાં આવે છે. મળતા દ્રાવણનું શૂન્યાવકાશમાં નિસ્યંદન (vacuum distillation) કરવામાં આવે છે.

સોડિયમ સાયનાઇડ સફેદ અથવા રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. હવામાંથી ભેજ શોષી લઈ તે દ્રવી જાય છે. પાણી અને પ્રવાહી એમોનિયામાં તે દ્રાવ્ય જ્યારે આલ્કોહૉલમાં ઓછો દ્રાવ્ય હોય છે. ગ.બિં. 564° સે.; ઉ.બિં. 1496° સે.. તેના જલીય દ્રાવણો ક્ષારના જળવિભાજનને કારણે+ આલ્કલીય (alkaline) હોય છે. દ્રાવણને રાખી મૂકતાં સાયનાઇડનું ઝડપથી વિઘટન થાય છે.

મુખ વાટે અથવા શ્વાસમાં લેવામાં આવે તો તે અત્યંત ઝેરી છે કારણ કે તે લોહીમાં રહેલા હીમોગ્લોબિનમાંના આયર્ન (Fe) સાથે પ્રક્રિયા કરે છે અને તેથી શરીરમાંની પેશીઓને ઑક્સિજન મળતો અટકાવે છે.

ઉપયોગો : સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓના અયસ્કોમાંથી આ ધાતુઓના નિષ્કર્ષણ માટે તેમને માવજત આપવામાં, વિદ્યુતઢોળ ચઢાવવામાં, ધાતુઓને ઉષ્મા-માવજત (heet treatment) આપવામાં [દા.ત., દૃઢપૃષ્ઠ ગજવેલ બનાવવામાં (case-hardening of steel)], હાઇડ્રોજન સાયનાઇડ બનાવવા માટે, કીટનાશકો(insecticides)માં, ધાતુઓને સાફ કરવા માટે, કાર્બનિક પ્રક્રિયાઓમાં, ધૂમન(fumigation)માં, રંગકો અને વર્ણકોના ઉત્પાદનમાં, નાયલૉન માટેના મધ્યસ્થ સંયોજન એડિપોનાઇટ્રાઇલ બનાવવામાં, એક્રિલિક પ્લાસ્ટિકના ઉત્પાદનમાં, અયસ્કોના પ્લવન (floatation) વગેરેમાં સોડિયમ સાયનાઇડનો ઉપયોગ થાય છે.

જ. દા. તલાટી