સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) :

January, 2009

સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં સોડિયમની આવક, સંગ્રહ, ઉત્સર્ગના નિયમન દ્વારા શારીરિક પ્રવાહીઓમાં તેનાં સ્તર તથા સાંદ્રતાની જાળવણી રાખવી તે. તેનું સાંકેતિક ચિહન Na છે. તે તત્વોની આવર્તન-સારણીમાં 11મો ક્રમાંક ધરાવે છે અને તેને આલ્કલી ધાતુ (ક્ષારદ) (alkali metal) રૂપે વર્ગીકૃત કરાય છે. ‘સોડા’ તરીકે જાણીતાં રસાયણો(દા.ત., કૉસ્ટિક સોડા)માંની તેની હાજરી અંગેની જાણકારી લાંબા સમયથી હતી. સૌપ્રથમ સર હમ્ફ્રી ડેવીએ 1807માં તેને કૉસ્ટિક સોડાના વીજવિભાજન (electrolysis) વડે અલગ પાડી બતાવ્યું. જૉન્સ જેકબ બર્ઝેલિયસ ( Jakob Berzellius) નામના વૈજ્ઞાનિકે તત્વોની અધિસંજ્ઞા (symbols) માટે એક પદ્ધતિ વિકસાવી હતી. તેમાં તેમણે સોડિયમને ‘Na’ની અધિ-સંજ્ઞા (સાંકેતિક ચિહન) આપી હતી. લૅટિનમાં એક કુદરતી ખનિજક્ષારને નેટ્રોન કહે છે, જે સોડિયમ કાર્બોનેટનું સજલ (hydrated) સ્વરૂપ છે. તેના પરથી આ ધાતુતત્વનું નવું લૅટિન નામ ‘નેટ્રિયમ’ પાડ્યું, જેના પ્રથમ 2 મૂળાક્ષરોને તેની અધિસંજ્ઞા બનાવ્યા. જોકે ત્યારબાદ નેટ્રોનની ઉપયોગિતા સોડાઍશ (Na2CO3), રાંધવાનો સોડા (NaHCO3), કૉસ્ટિક સોડા (NaOH) વગેરે દ્વારા ઘટી અને તેમના પરથી ‘સોડિયમ’ નામ પ્રાપ્ત થયું. ખાવાનું મીઠું (નમક) રાસાયણિક રીતે સોડિયમ ક્લોરાઇડ (NaCl) છે. શરીરમાં સોડિયમ ક્લોરાઇડ ઉપરાંત સોડા બાયકાર્બ (NaHCO3) પણ એક અગત્યનું ચયાપચયી રસાયણ છે.

સોડિયમ–પોટૅશિયમ પંપ : (1) કોષપટલ, (2) પંપ તરીકે કાર્યરત ઉત્સેચકનું સ્થાન, (3) ઉત્સેચક અને રાસાયણિક પ્રક્રિયા : ATP = ADP + P+ ઊર્જા સોડિયમ કોષ બહાર જાય છે અને પોટૅશિયમ કોષમાં પ્રવેશે છે.

સંયોજનો : સોડિયમ સોડિયમ ક્લોરાઇડ (ખાવાનું કે સાદું મીઠું) (NaCl), સોડાઍશ, કૉસ્ટિક સોડા, રાંધવાનો સોડા, ચિલી સોલ્ટ પીપર (NaNO3) ડાઇ કે ટ્રાઇ-સોડિયમ ફૉસ્ફેટ, સોડિયમ થાયૉસલ્ફેટ, બૉરેક્સ (Na2B4O7·1OH2O) વગેરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત તે ઍમ્ફિબોલ, ક્રાયોલાઇટ, સોડાનાઇટર, ઝિયૉલાઇટ વગેરે ખનિજોમાં હોય છે. તે રસાયણ, કાચ, ધાતુ, કાગળ, ખનિજતેલ, સાબુ, કાપડ વગેરે ઉદ્યોગોમાં ઉપયોગી છે. તેના 13 સમસ્થાનિકો (isotops) શોધી કઢાયા છે, પરંતુ તેમાંનો 23Na સ્થિર છે. તેના 2 વિકિરણશીલ સમસ્થાનિકો (22Na અને 24Na) છે. જો કોઈ વ્યક્તિને નવીજકણ(neutron)ના વિકિરણનો સંસર્ગ થાય તો વ્યક્તિના લોહીમાંના સ્થિર સ્વરૂપી 22Naનું  24Naમાં રૂપાંતર થાય છે. તેથી 24Naનું પ્રમાણ શોધી કાઢીને નવીજકણીય વિકિરણ(neutron radiation)ની જે તે વ્યક્તિમાં થયેલી વિઘાતકતા જાણી શકાય છે.

સોડિયમનો આયન એક ધનભાર (Na+) ધરાવે છે. તે લોહી અને શારીરિક પ્રવાહીઓનું નિયમન, ચેતાઆવેગોનું વહન, હૃદય અને સ્નાયુઓનું સંકોચન, કેટલીક ઘણી મહત્વની ચયાપચયી પ્રક્રિયાઓ વગેરેમાં મહત્વનું કાર્ય કરે છે. સોડિયમ પ્રાણીઓ માટે આવશ્યક તત્વ છે જ્યારે વનસ્પતિને તેની આવશ્યકતા હોતી નથી. તેને કારણે સંપૂર્ણપણે વનસ્પતિજન્ય ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પ્રાણીઓની આ જરૂરિયાતને કારણે આહારનો સ્વાદ સોડિયમના ક્ષારની ‘ખારાશ’ સાથે જોડાયેલો રહે છે. Na+ ઉપરાંત લિથિયમ (Li+), એમોનિયમ   અને અમુક અંશે પોટૅશિયમ(K+)ના ક્ષારો પણ ‘ખારાશ’ ધરાવે છે; પરંતુ આપણાં સ્વાદાંકુરો (સ્વાદેન્દ્રિય) Na+ના ક્ષારોની ખારાશને વધુ સારી રીતે પરખે છે, જેથી ખોરાકમાં સોડિયમના ક્ષારો હોય છે. કૅલ્શિયમ ક્લોરાઇડ પણ ખારાશ ધરાવે છે પણ તેની સાથે તે સહેજ કડવો પણ હોય છે.

ખાવાનું મીઠું (NaCl, table salt) ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં (અંગ્રેજી શબ્દ Saladનો સંદર્ભ salt સાથે છે.) તથા તેના પરિરક્ષણ(preservation)માં વપરાય છે. દા. ત., અથાણામાંનું મીઠું તેની આસૃતિ (osmotisis) વધારીને જીવાણુ કે ફૂગ થતી અટકાવે છે.

મનુષ્યની સોડિયમ માટેની દૈનિક જરૂરિયાત 500 મિ.ગ્રામ/દિવસથી ઓછી છે. તેથી મોટેભાગે સોગણી વધુ માત્રામાં, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાને કારણે, સોડિયમ લે છે. આ વધારાનું સોડિયમ કેટલીક સંવેદિત વ્યક્તિઓમાં લોહીનું ઊંચું દબાણ કરે છે અથવા હૃદય કે મૂત્રપિંડના રોગની તીવ્રતામાં વધારો કરે છે.

દેહધર્મવિદ્યા (physiology) અને વિકારો : સોડિયમ મુખ્યત્વે મુખમાર્ગે, ખોરાકને સ્વાદિષ્ટ કરતા ખાવાના મીઠાના સ્વરૂપે પ્રવેશે છે. તેનો મુખ્ય ઉત્સર્ગ મૂત્ર અને પ્રસ્વેદ દ્વારા થાય છે; તેથી તેનું નિયમન કરતા મુખ્ય અવયવો છે મૂત્રપિંડ અને ચામડી. તે માનવશરીરના કોષ બહારના પ્રવાહીઓ(બહિષ્કોષી જલ, extra-cellular fluid)માં મહત્વનું ઘટક છે. લોહી તથા પેશીમાંનું આંતરકોષીય જલ (intercellular fluid), જે પેશીમાંના કોષોની બહાર અને તેમની વચ્ચે આવેલું છે,  તે બંનેને સંયુક્ત રૂપે બહિષ્કોષી જલ કહે છે. કોષમાં રહેલા પ્રવાહીને અંત:કોષી જલ (intracellular fluid) કહે છે, જેમાં પોટૅશિયમનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે વ્યક્તિના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે ત્યારે બહિષ્કોષીય જલમાં સોડિયમની સાંદ્રતા વધે છે. તેને સામાન્ય સ્તરે લાવતી વખતે સાવચેતી રાખવામાં આવે છે, જેથી આસૃતિદાબમાં થતા ફેરફારને કારણે મગજના કોષોને નુકસાન ન થાય.

ચેતાતંત્રના કાર્યમાં સોડિયમનું મહત્વનું સ્થાન છે. ચેતાઆવેગ(nerve impulse)ના સર્જન અને વહનમાં કોષપટલ(cell-membrane)ની પુનર્વીજભારિતા (repolarisation) અને નિર્વીજભારિતા (depolarisation) થતી રહે છે. આ કાર્યમાં સોડિયમનું કોષપટલની બંને બાજુ થતો અન્ય આયનો સાથેનો વિનિમય (exchange) મહત્વનો હોય છે. તેથી ચેતાઆવેગના સર્જન અને વહનમાં સોડિયમ ઉપયોગી છે. તેથી તે મગજનું કાર્ય, સ્નાયુઓનું ઉત્તેજન, અંત:સ્રાવી ગ્રંથિઓનું નિયમન વગેરે ચેતાઓના દ્વારા થતાં કાર્યોમાં અતિ આવશ્યક ભૂમિકા ભજવે છે. કેટલાક ચેતાવિષો (neurotoxins) ચેતાઓ (nerves) અને સ્નાયુઓના કોષપટલોની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલીને જે તે કોષપટલોની નિર્વીજભારિતા સર્જે છે અને તે રીતે લકવો થઈ આવે છે. ક્યારેક તે મૃત્યુ નિપજાવે છે. કેટલાંક પ્રતિખિન્નતા (antidepresant) અને કેટલાક આંચકીરોધક (anticonvulsant) ઔષધો પણ સોડિયમના ચેતાકોષમાં આવાગમન પર અસર કરે છે.

લોહી અને પેશીમાંની અંતરાલીય જગ્યામાંનું પ્રવાહી સોડિયમના આયનો ધરાવે છે. તેમની બદલાતી સાંદ્રતા લોહીના દબાણની વધઘટ કરે છે. મગજના અધશ્ચેતક (hypothalamus) નામના વિસ્તારમાં આસૃતિદાબની નોંધ અને નિયમન રાખતાં ચેતાકેન્દ્રો છે, જે શરીરમાં પાણી કે સોડિયમનું પ્રમાણ વધઘટ થાય ત્યારે સક્રિય બને છે અને પાણી તથા સોડિયમના ઉત્સર્ગનું નિયમન કરે છે તથા તરસ લાગવી જેવી સંવેદના સર્જે છે. લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટે તેને અલ્પસોડિયમરુધિરતા (hyponatraenia) કહે છે અને જો તે વધે તો તેને અતિસોડિયમરુધિરતા (hypernatraenia) કહે છે. લોહીની સાંદ્રતા જાળવવામાં પશ્ચપીયૂષિકા (posterior pitutary) નામની ગ્રંથિમાંથી વાહિનીસંકોચક અંત:સ્રાવ (vasopressin) ઝરે છે.

સોડિયમ–પોટૅશિયમ (Na-K) પંપ : તે એક ઉત્સેચક છે જેને Na+/K+–ATPase કહે છે. તે કોષના પ્રરસપટલ(plasma membrane)માં હોય છે. તે કોષની વીજભારિતા અને કદને જાળવે છે. કોષની અંદર Na+ કરતાં K+નું પ્રમાણ વધુ હોય છે જ્યારે બહારના પ્રવાહીમાં તેથી ઊલટું હોય છે. આ પરિસ્થિતિને સતત જાળવી રાખવી જરૂરી છે જેથી કોષનાં વીજભાર અને કદ જળવાઈ રહે. આ કાર્ય Na-K પંપ કરે છે. આ પંપ કોષમાંના સોડિયમને બહાર કાઢે છે. તે રીતે તે આસૃતિદાબ ભેદ (osmotic gradient) સર્જે છે. તે એક સક્રિય પ્રક્રિયા છે, જેમાં ઊર્જાનો વપરાશ થાય છે. આંતરડાંમાં આ પંપ સોડિયમ તથા ગ્લુકોઝના અવશોષણ માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. આ જ પ્રકારે તે મૂત્રલનલિકાઓ(renal tubules)માં પણ સક્રિય છે. હૃદયની સંકોચનક્ષમતા વધારતું ઔષધ ડિજિટાલિસ પણ આ જ પંપ પર કાર્ય કરીને હૃદયનું સંકોચનબળ વધારે છે. Na-K પંપ વડે સર્જાતો Na-સાંદ્રતાનો ભેદ Ca++ આયનોના કોષનિકાલમાં ઉપયોગી રહે છે. તેથી Na-K પંપ સ્નાયુઓના સંકોચનમાં પણ ઉપયોગી છે.

Na-K પંપને જેન્સ ક્રિશ્ચિયન સ્કોઉ(ડેન્માર્ક)એ 1957માં શોધ્યો હતો, જેને માટે તેમને 1997માં રસાયણવિદ્યાનું દ્વિવિભાજિત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

અવશોષણ અને ઉત્સર્ગ : ખોરાકમાં લેવાયેલા સોડિયમનું નાના આંતરડાના મધ્યાંત્ર(jejunum)માંથી અવશોષણ થાય છે. મોટા આંતરડામાં સોડિયમનું અવશોષણ થાય છે, પરંતુ મળાશયમાં તેનું અવશોષણ થતું નથી. મોટા આંતરડામાંના જીવાણુઓ (bacteria) કાર્બોદિત પદાર્થો અને રેસામાંથી લઘુશૃંખલા-મેદામ્લો (short chain fatty acids) બનાવે છે. તે સોડિયમનું અવશોષણ વધારે છે. મૂત્રપિંડમાંના મૂત્રલગુચ્છો (glomerule) તેને ગાળીને લોહીથી દૂર કરે છે, પણ 99.6 % જેટલું સોડિયમ મૂત્રલનલિકાઓમાંથી અવશોષાઈને લોહીમાં પાછું ફરે છે. મૂત્ર (95 %) ઉપરાંત, પ્રસ્વેદમાં પણ સોડિયમ ક્લોરાઇડનો ઉત્સર્ગ થાય છે. આલ્ડોસ્ટીરોન નામનો અંત:સ્રાવ મૂત્રપિંડમાં સોડિયમનું અવશોષણ વધારીને સોડિયમને શરીરમાં રાખે છે. જ્યારે કર્ણકીય સોડિયમમેહી પૅપ્ટાઇડ (atrial natriuretic peptide) મૂત્રપિંડમાં થતું પુન:અવશોષણ (reabsorbtion) ઘટાડીને તેનો ઉત્સર્ગ વધારે છે.

સોડિયમનાં મુખ્ય 4 કાર્યો છે : શરીરમાં પ્રવાહી(પાણી)નું સંતુલન જાળવવું, ચેતાઆવેગો(nerve impulse)નું વહન અને સ્નાયુઓની સંકોચનશીલતામાં ભાગ લેવો, શરીરના અમ્લ-ક્ષારદ(acid-base)ના સંતુલનમાં ભાગ લેવો અને આસૃતિદાબ (osmotic pressure) સર્જવો. કોષમાંથી સોડિયમના 3 આયનોને બહાર ધકેલવા અને પોટૅશિયમના 2 આયનોને પ્રવેશ આપવા સોડિયમ–પોટૅશિયમ પંપ ઊર્જા વાપરે છે.

સોડિયમની દૈનિક જરૂરિયાત અને આહારીય પુરવઠો : સારણી 1માં સોડિયમ તથા મીઠું(NaCl)ની દૈનિક જરૂરિયાત દર્શાવી છે. ગરમીમાં શ્રમ કરનારની જરૂરિયાત વધે છે. સામાન્ય આહારમાં સોડિયમનું પ્રમાણ જરૂરિયાત કરતાં સામાન્યત: વધુ રહે છે.

સારણી 1 : સોડિયમની દૈનિક જરૂરિયાત

પ્રકાર શિશુઓ પુખ્તવય
સોડિયમ 0.11 – 0.35 ગ્રામ 1.1 – 3.3 ગ્રામ
મીઠું (NaCl) 0.3 – 0.9 ગ્રામ 2.5 – 7.5 ગ્રામ

ખોરાકને રાંધતી વખતે કે તેના પર પ્રક્રિયા કરતી વખતે સોડિયમનો ક્ષાર ઉમેરાય છે; જેમ કે, દાળ, શાક, ક્યારેક ભાત તથા ઘઉંની રોટલી-ભાખરી વગેરે રાંધતી વખતે અથવા પનીર, સૉસ, સૂકી માછલી, માખણ, સૂકો મેવો વગેરે બનાવતી વખતે કરાતી પ્રક્રિયામાં સોડિયમના ક્ષારોનો ઉપયોગ કરાય છે. ક્યારેક સલાડ, ફળો તથા ખોરાકની વાનગીઓ પર ઉપરથી મીઠું ભભરાવવામાં આવે છે. ‘એસિડિટી’ની સારવારમાં વપરાતાં કેટલાંક ઔષધોમાં પણ સોડિયમના ક્ષારોનો ઉપયોગ કરાય છે. સારણી 2માં આહાર-પ્રક્રિયામાં સોડિયમનું પ્રમાણ કેવું વધે છે તે દર્શાવ્યું છે.

સારણી 2 : આહારપ્રક્રિયામાં સોડિયમનું વધતું પ્રમાણ

ક્રમ મૂળ પદાર્થ સોડિયમ પ્રક્રિયાકૃત સોડિયમ
(100 ગ્રામ) (મિગ્રા.) પદાર્થ (100 ગ્રામ) (મિગ્રા.)
1. મકાઈના દાણા ન્યૂનતમ કૉર્નફ્લૅક્સ 1005
2. બાફેલા બટાટા    4 બટાટાની ચીપ્સ 1000
3. સમારેલાં ટમેટાં    3 ટૉમેટો કૅચ-અપ 1042

અલ્પસોડિયમરુધિરતા (hyponatraemia) : જ્યારે લોહીમાં સોડિયમની સપાટી 125 મિ. ઇક્વિવેલન્ટ (મિ. મોલ)/લિટરથી ઘટે તો તેને અલ્પસોડિયમરુધિરતા કહે છે. તેમાં ચેતાતંત્રના કોષોમાં પાણીનો ભરાવો થાય છે (અતિજલતા, overhydration). આ વિકારમાં અશક્તિ, ચક્કર આવવાં, ભૂખ મરી જવી, સ્નાયુઓમાં પીડા થવી (ખાસ કરીને પિંડીઓમાં), આંચકી આવવી, નસો (શિરાઓ) ચપટી થઈ જવી, હાથપગ ઠંડા પડી જવા, લોહીનું દબાણ ઘટવું, પેશાબ ઘટવો, મોંઢું સુકાવું, ચામડીની લવચીકતા જતી રહેવી, સ્થળ-સમયનું ભાન ગુમાવવું, બેભાનાવસ્થા થવી તથા ક્યારેક મૃત્યુ નીપજવું વગેરે થાય છે. જ્યારે ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘટે, નસ દ્વારા અપાયેલું કે પેશીઓમાં ભરાયેલું પ્રવાહી (પાણી) હૃદય અને મૂત્રપિંડ જલસંતુલન જાળવી શકે તે કરતાં વધુ પ્રમાણમાં રુધિરાભિસરણતંત્રમાં પ્રવેશે ત્યારે અલ્પસોડિયમરુધિરતા થાય છે. ક્યારેક પરસેવો, જઠરાંત્રના બહિ:સ્રાવો (દા.ત., ઊલટી, ઝાડા, નાક-જઠરી નળી દ્વારા જઠરમાંનું બહાર ખેંચાયેલું પ્રવાહી), મૂત્રવર્ધક ઔષધની મદદથી કે મૂત્રપિંડના રોગમાં વધેલો મૂત્રનો પ્રવાહ કે એડિસનનો રોગ જેવા અંત:સ્રાવી વિકારો (endocrine disorder) પણ આ વિકાર સર્જે છે. મંદ વિકાર માટે ખાસ સારવારની જરૂર હોતી નથી, પરંતુ કેન્દ્રીય ચેતાતંત્રીય ચિહનો ઉદભવે તો સારવારની જરૂર પડે છે. તે સમયે કારણરૂપ પરિબળ (દા.ત., મૂત્રવર્ધક ઔષધ) બંધ કરાય છે અને મુખ વાટે, નાક-જઠરી નળી દ્વારા કે નસ વાટે સોડિયમવાળું પ્રવાહી ચડાવાય છે.

અતિસોડિયમરુધિરતા (hypernatraemia) : લોહીના રુધિર-રસ(serum)માં સોડિયમની સપાટી 150 મિ. ઇક્વિવેલન્ટ (મિ.મોલ)/લિટરથી વધે ત્યારે તેને અતિસોડિયમરુધિરતા કહે છે. ઓછા પ્રમાણમાં પાણી લેવું, શરીરમાંથી વધુ પ્રમાણમાં પાણી વહી જવું (દા.ત., ઊલટી, મધુપ્રમેહ કે મૂત્રપિંડના વિકારોમાં થતો વધુ પડતો મૂત્રનો પ્રવાહ), વધુ પડતું સોડિયમ ખોરાકમાં લેવું તથા મૂત્રપિંડના કેટલાક વિકારોમાં સોડિયમનો ઉત્સર્ગ ઘટે વગેરે વિવિધ સંજોગોમાં લોહીમાં સોડિયમનું પ્રમાણ વધે છે. થોડાક સમયમાં ઘણી કસરત કરવાથી પણ લોહીમાં સોડિયમ અને લૅક્ટેટનું પ્રમાણ વધે છે. જો દર્દીને દાત્રકોષિતાજન્ય પાંડુતા (sickle cell anaemia) નામનો રોગ હોય તો સોડિયમનું પ્રમાણ વધે ત્યારે રક્તકોષો દાતરડા(દાત્ર, sickle)ના આકારના થઈને તૂટી જાય છે. સોડિયમની રુધિરસપાટી વધે તો તે જીવનને સંકટ કરે છે. તેને ઘટાડવા માટે 5 % ગ્લુકોઝવાળું પ્રવાહી નસ વાટે અપાય છે તથા જરૂર પડ્યે પારગલન (dialysis) કરાય છે.

અલ્પસોડિયમવાળો ખોરાક : લોહીનું ઊંચું દબાણ, મૂત્રપિંડ કે હૃદયની નિષ્ફળતા, યકૃતકાઠિન્ય (cirrhosis), સગર્ભાવસ્થાની વિષરુધિરતા (toxaemia of pregnancy) તથા લાંબા સમય માટે કોર્ટિકૉસ્ટીરૉઇડ વડે સારવાર કરવામાં આવે ત્યારે ખોરાકમાં સોડિયમ(મીઠું)નું પ્રમાણ ઘટાડવાનું સૂચવાય છે. તે માટે જે તે પદાર્થમાં કેટલું સોડિયમ હોય છે તે કરતાં તે સામાન્ય રીતે કેટલા પ્રમાણમાં લેવાય છે તે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. સામાન્ય રીતે પરિરક્ષણ માટે કે સ્વાદિષ્ટ બનાવવા માટે પ્રક્રિયા કરેલા આહારમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેમને ન લેવાનું કે મર્યાદિત પ્રમાણમાં લેવાનું સૂચવાય છે. સોડિયમના પ્રમાણને આધારે ખોરાકનાં દ્રવ્યોને વર્ગીકૃત કરાય છે.

અલ્પસોડિયમવાળા ખોરાકમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવાં ધાન્યો, મકાઈની ચપાતી, મીઠા વગરનો પાઉં, તાજાં ફળો, તેલ, ઘી, મીઠા વગરનું માખણ, મલાઈ, સૂકો મેવો, ખાંડ, મધ, જામ, શાકભાજી (રીંગણ, કોબિજ, કોલિફ્લાવર, કાકડી, વટાણા, પાપડી, ટમેટાં, કઠોળ, બટાટા, ડુંગળી વગેરે), વિનેગાર, પીપર, લીંબુ, જેલી, સિરપ, શરબત, કૉફી, ચા વગેરેનો સમાવેશ થાય છે.

અતિસોડિયમવાળા ખોરાકમાં બિસ્કિટ, પેસ્ટ્રી, ઈંડાંની સફેદી, સૂકાં ફળ, માંસ અને તેની બનાવટો, માછલી, મરઘી-બતકાં, ઈંડાં, દૂધ, પનીર, મીઠાવાળું માખણ, મીઠાવાળો સૂકો મેવો, કેટલાંક શાકભાજી (દા.ત., બીટ, ગાજર, મૂળો, પાલક), રાંધવાના સોડા કે આજીનો મીઠામાં બનાવેલી કે ઉપરથી મીઠું નાંખેલી વાનગી, પાપડ, અથાણાં, સૉસ તથા ડબ્બામાં પરિરક્ષિત આહારી પદાર્થોનો સમાવેશ થાય છે.

શિલીન નં. શુક્લ