સોચા જૂન સૂરતૂન (1990)

January, 2009

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે.

તેમની પોતાની આગવી કાવ્ય-બાની છે. તેમાં પ્રતીકો અને નવા રચેલા શબ્દો ધ્યાનાકર્ષક છે.

તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘પ્રહ ખાન પહિરિન’ (‘બિફોર ધ સનરાઇઝ’, 1961), ‘ઉગ્ર આવાઝ’ (1981), ‘એક ટુકડા ઇતિહાસ’ (1982) (હિંદીમાં) તથા ‘લાપભર રોશની’(‘હૅન્ડફૂલ ઑવ્ લાઇટ’) (1987)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘ફહિલિજંદરુ રેગિસ્તાન’ (ક્રીપિંગ વિલ્ડરનેસ, 1978) નામનો વાર્તાસંગ્રહ તથા ‘એકાંકી’ (1964) અને ‘મકાન ખાલી આહે’ (1977) – એ બે એકાંકીસંગ્રહો પણ તેમણે પ્રગટ કર્યા છે; પણ તેમનો સર્જનવિશેષ છે કવિતા.

મહેશ ચોકસી