સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક)

January, 2009

સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક) : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઉત્તર ભાગમાં, સિંધુ અને જેલમ નદીઓની ખીણો વચ્ચે આવેલી ટેકરીઓ તેમજ ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતોની શ્રેણી. ભૌગોલિક સ્થાન : તે 71° પૂ. રે.થી 74° પૂ. રે. વચ્ચે પૂર્વ–પશ્ચિમ વિસ્તરેલી છે. તળેટી ટેકરીઓના નીચલા ઢોળાવોમાં રહેલા વિસ્તૃત સિંધવ-નિક્ષેપોને કારણે તેને ક્ષાર-હારમાળા (salt-range) નામ અપાયેલું છે.

ભૂપૃષ્ઠ : આ હારમાળાની પૂર્વ–પશ્ચિમ લંબાઈ આશરે 300 કિમી. તથા પહોળાઈ મધ્ય અને પૂર્વ છેડાના સ્થાનભેદે 8 કિમી.થી 30 કિમી. જેટલી છે. તેની સરેરાશ ઊંચાઈ 660 મીટર છે. તેનું સર્વોચ્ચ શિખર ‘સાકેસર પર્વત’ 1,522 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંનાં શિખરો ઓછી ઊંચાઈવાળાં છે, ઘસારાનાં પરિબળોને કારણે સૌથી ઉપરના ભાગમાં રહેલા સ્તરો ઘસાઈને નીકળી ગયા છે. રાવળપિંડીથી નૈર્ઋત્યમાં પોટવારનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, તેના ઉપરના ભાગનું સ્થળદૃશ્ય મેદાની છે. પોટવારનો સમગ્ર વિભાગ સૉલ્ટ-રેન્જનું ઉત્તર-તરફી વિસ્તરણ છે. અહીં અનુદીર્ઘ (longitudinal) ખીણપ્રદેશથી અલગ પડતી બે અન્યોન્ય સમાંતર ડુંગરધારો આવેલી છે. તેના ઉત્તરતરફી ઢોળાવો આછા છે; પરંતુ દક્ષિણતરફી ઢોળાવો ઉગ્ર ઢાળવાળા છે. ઉત્તર તરફની ડુંગરધારના નમન ઢોળાવો (dip-slopes) આછા ઢાળવાળા મેદાનમાં ફેરવાય છે. તેની સરેરાશ ઊંચાઈ 690થી 780 મીટરની છે. હારમાળાના પૂર્વ અને પશ્ચિમ વિભાગો, અલગ પડી જતાં શિખરજૂથ રચે છે. કાલાબાગ ખાતે બે બાજુએ ભેખડોની વચ્ચે કોતરમાં થઈને, આ હારમાળાને વીંધીને, સિંધુ નદી પસાર થાય છે. અહીંનાં શિખરો ઉચ્ચપ્રદેશનાં ભૂમિસ્વરૂપોને મળતાં આવે છે. પશ્ચિમ તરફ સાકેસરનાં શિખરો અને પૂર્વ તરફ ચૈલ શિખરજૂથ (ઊંચાઈ 1,110 મીટર) આવેલાં છે. અહીંથી ઉત્તર તરફના ઢોળાવોમાં ખરાબાનાં કોતરો રચાયેલાં છે.

ભૂસ્તરીય લક્ષણ : રચનાત્મક સંદર્ભમાં જોતાં, સૉલ્ટ-રેન્જ એ ભારતીય ભૂકવચ(Indian shield)ના વાયવ્ય ભાગનો તેની દક્ષિણતરફી ફાટ પર વધુ પડતો ઊર્ધ્વગમન પામેલો વિભાગ છે. અહીંના જળકૃત સ્તરો એકધારી રીતે ઉત્તરતરફી ઢોળાવવાળા છે; મધ્ય ભાગના સ્તરોનું નમન 10° જેટલું, જ્યારે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભાગના સ્તરોનું નમન 45° જેટલું છે.

આબોહવા : દરિયાથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલા આ પ્રદેશની આબોહવા ખંડીય પ્રકારની છે, તેમ છતાં અહીં અયનવૃત્તીયથી ઉપઅયનવૃત્તીય આબોહવાત્મક સંજોગો પ્રવર્તતા અનુભવાય છે. ગરમીની મોસમ દરમિયાન અયનવૃત્તીય આબોહવા પ્રવર્તે છે, જ્યારે શિયાળામાં ઠંડા ધ્રુવીય પવનો ફૂંકાય છે; પરિણામે ચક્રવાતની પરિસ્થિતિ સર્જાય છે. વર્ષાઋતુ દરમિયાન નૈર્ઋત્યના ભેજવાળા મોસમી પવનો વાય છે અને પશ્ચિમ પંજાબમાં વરસાદ આપે છે.

ખેતી : સૉલ્ટ-હારમાળાના પ્રદેશમાં જમીનો તદ્દન હલકી, કસવિહીન હોવાથી તેમજ સિંચાઈના જળસ્રોતોની અછત હોવાથી કૃષિ-ઉત્પાદન મર્યાદિત રહે છે. ટેકરીઓના ઢોળાવો અને કેટલાક ખીણભાગોમાં સીડીદાર ખેતરો બનાવીને સરોવરો કે ઝરાઓનાં પાણીની સિંચાઈથી થોડા પ્રમાણમાં સૂકી ખેતી કરી શકાય છે.

વનસ્પતિ : અગાઉ અહીંના દક્ષિણ તરફના ભાગો દુકાળનો પ્રતિકાર કરીને ટકી શકતી ઝેરોફાઇટ વનસ્પતિનાં આછાં જંગલોથી આચ્છાદિત હતા. વળી ઉત્તર તરફના ભાગમાં સવાના પ્રકારની વનસ્પતિ જોવા મળતી હતી. હવે તે બધી કુદરતી વનસ્પતિ તદ્દન ઓછી થઈ ગઈ છે. માત્ર આફ્રિકી–અરબી અને ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આજે આ હારમાળામાં અગ્નિ તરફનો આછાં જંગલોવાળો નાનો વિભાગ આરક્ષિત કરીને જાળવી રાખવામાં આવ્યો છે. અહીં જોવા મળતાં વનવૃક્ષોમાં બાવળ, પાઇન, જંગલી ઑલિવનો સમાવેશ થાય છે. અન્ય લાક્ષણિક વનસ્પતિ પૈકી સ્પર્જ (યુફોર્બિયા), કૅમલ થૉર્ન તેમજ કેટલાક છોડવા–ઝાડવાં–ઝાંખરાં નજરે પડે છે; જે થોડું ઘણું ઘાસ ઊગી નીકળે છે તે એપ્રિલ–મેમાં બળી જાય છે.

ખનિજસંપત્તિ : સૉલ્ટ-રેન્જના દક્ષિણી ઢોળાવો પર સિંધવ(rock-salt)ના વિશાળ જથ્થા રહેલા છે. સિંધવના જથ્થા ઉપરાંત આ હારમાળામાંથી કોલસો, ચિરોડી, ઍનહાઇડ્રાઇટ જેવાં ખનિજો તથા ચૂનાખડક, રેતીખડક, શેલ, બૉક્સાઇટ સહિત લૅટરાઇટ જેવા ખડકો તેમજ તદ્દન ઓછા પ્રમાણમાં ખનિજ તેલ મળે છે. અહીંના ક્ષારનિક્ષેપો દુનિયાભરના સમૃદ્ધ ક્ષારજથ્થાઓ પૈકીના ગણાય છે. તેમનું વય કૅમ્બ્રિયન હોવાનું નિર્ધારિત થયેલું છે. કેટલાકના મતે તે સંભવત: ઇયોસીન પણ હોઈ શકે. ક્ષારજથ્થાની કુલ જાડાઈ 4,875 મીટર જેટલી છે. મુખ્ય જથ્થા ખેવરા, વર્ચા અને કાલાબાગ ખાતે તથા ઓછા મહત્વના ક્ષારનિક્ષેપો જટ્ટા, બહાદૂરખેલ અને ખરક ખાતે આવેલા છે. દંડોટ, પીઢ અને મકેરવાલ ખાતે કોલસો મળે છે. હારમાળાના પશ્ચિમ ભાગમાં ચૂનાખડક અને રેતીખડક સાથે સંકલિત ખનિજતેલ તદ્દન ઓછી માત્રામાં રહેલું છે. હારમાળાના પૂર્વ ભાગમાં સૅલાઇન શ્રેણી સાથે બિટુમિનસ શેલ તેમજ ડોલોમાઇટ ખડકો તથા ઍલ્યુમિનિયમધારક લૅટરાઇટ અર્થાત્ બૉક્સાઇટના થર મળે છે.

જલાલપુર–કાલાબાગ અને ખેવરા–દંડોટ જિલ્લામાંથી ઉચ્ચ કક્ષાની ચિરોડી અને ઍનહાઇડ્રાઇટના વિશાળ જથ્થા શોધી કાઢવામાં આવ્યા છે. સિંધવ, કોલસો અને ચૂનાખડકો ખોદી કાઢવામાં આવે છે.

હારમાળાના ઉત્તર તરફના રાવળપિંડી સુધી વિસ્તરેલા ભાગનાં નગરોની મોટા ભાગની વસ્તી અહીંના ખાણકાર્યની પ્રવૃત્તિમાં રોકાયેલી છે. આ વિસ્તારના પંજાબી, જાટ અને અરન લોકો મોટે ભાગે ભારતીય ભાષાઓનો ઉપયોગ કરે છે. ઘણાખરા લોકો ખાણકાર્યના વ્યવસાય દ્વારા, કેટલાક લોકો ખીણો કે સીડીદાર ઢોળાવો પર થતી ખેતી દ્વારા તો બીજા કેટલાક પશુપાલન દ્વારા જીવનનિર્વાહ કરે છે.

ગિરીશભાઈ પંડ્યા