સૉલ્ટ-લેક સિટી : યુ.એસ.ના ઉટાહ રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 45´ ઉ. અ. અને 111° 53´ પ. રે.. તે ગ્રેટ સૉલ્ટ-લેકથી અગ્નિકોણમાં 18 કિમી.ને અંતરે અહીંની જૉર્ડન (ઍટલાસ) નદી પર આવેલું છે.

અહીંના મુખ્ય ઉદ્યોગોમાં રસાયણો, વીજાણુ-સાધનો અને સામગ્રી, ખાદ્યપેદાશો, ધાતુપેદાશો, પોલાદ, ખાણસામગ્રી, શુદ્ધ કરેલું ખનિજતેલ અને કાપડનો સમાવેશ થાય છે. રૉકી માઉન્ટન સ્ટેટ્સનાં સંસ્કૃતિ, નાણાં, ઉદ્યોગ અને પરિવહનનાં મુખ્ય મથકો આ શહેર ખાતે આવેલાં હોવાથી તે વાણિજ્યમથક પણ બની રહેલું છે.

આ શહેરમાં આવેલો સભાખંડ (ઍસેમ્બ્લી હૉલ) 1882 અને મૉર્મોન ચર્ચ સહિતનો ‘ટેમ્પલ સ્ક્વેર’ જોવાલાયક છે. મૉર્મોન ચર્ચ એ અહીંનું જૂનામાં જૂનું સ્થળ છે. 1871નું સૅન્ટ માર્કનું કથિડ્રલ-બિન મૉર્મોન ચર્ચ પણ અહીં આવેલું છે. મૉર્મોન ચર્ચ એ લેટર-ડે સૅન્ટ્સના જિસસ ક્રાઇસ્ટના ચર્ચનું મુખ્ય પાટનગરીય મથક ગણાય છે. 1915માં ગ્રૅનાઇટ અને આરસથી બાંધેલું સ્ટેટ કેપિટૉલ ઉટાહમાં જોવા મળતો સ્થાપત્યનો વિશિષ્ટ નમૂનો છે.

ગ્રેટ સૉલ્ટ-લેકનાં જળ મહાસાગર જળ કરતાં આઠ ગણાં વધુ ખારાં છે, ક્ષારતામાં તે મૃતસમુદ્ર પછીના બીજા ક્રમે આવે છે. અહીંના બૉન વિલે સૉલ્ટ સપાટ મેદાની ભાગમાં ઝડપી રેસિંગની સ્પર્ધા યોજાય છે. 2002ની શિયાળુ ઑલિમ્પિક રમતો માટે આ શહેર 1995માં પસંદગી પામેલું.

રાઇસ-એકલ્સ સ્ટેડિયમ ખાતેનો ઑલિમ્પિક કૉલ્ડ્રૉન પાર્ક

બ્રિઘામ યંગ અને મૉર્મોનના સમૂહે 1847માં આ સ્થળ વસાવેલું. 1848માં તેનું સાર્વભૌમત્વ યુ.એસ.ને મળ્યું. તે પછી 1856માં તેને પ્રાદેશિક પાટનગર બનાવાયું. 1862થી તે વિકસીને વિસ્તર્યું અને વાણિજ્યમથક બની રહ્યું છે. વસ્તી : 2005 મુજબ આ શહેરની વસ્તી 1,79,894 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા