સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય)

January, 2009

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય) : ભારતના પંજાબ રાજ્ય તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંત બંનેમાંથી પસાર થતી હારમાળા. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર તેમજ સ્તરવિદ્યાત્મક અભ્યાસ માટે સૉલ્ટ-રેન્જ ભારત–પાકિસ્તાન બંનેનો મહત્વનો વિસ્તાર ગણાય છે. ઘણા જૂના સમયથી આ વિસ્તાર તરફ ભૂસ્તરવિદોનું ધ્યાન દોરાયેલું. તેમાં જીવાવશેષયુક્ત સ્તરો રહેલા છે માટે તે મહત્વની છે. તે ઉપરાંત તેમાં જુદા જુદા ભૂસ્તરીય કાળની રચનાઓ રહેલી છે તથા ભૂસ્તરીય અવલોકનો અને અભ્યાસ માટે ત્યાં પહોંચવાનું સુલભ હોવાથી પણ તે મહત્ત્વની ગણાય છે. સ્તરવિદ્યા અને જીવાવશેષશાસ્ત્રના મહત્વ ઉપરાંત તેની વનસ્પતિવિહીન ઉજ્જડ ભેખડો તથા તેનાં શુષ્ક નાળાંઓમાં જોવા મળતાં દાબભૂવિદ્યા(ભૂગતિ-વિજ્ઞાન)નાં અને ભૂસંચલનજન્ય લક્ષણોની એટલી બધી સમૃદ્ધિ છે કે ટેકરીઓનો આ વિસ્તાર યોગ્ય રીતે જ ભૂસ્તરીય સંગ્રહસ્થાનનું ક્ષેત્ર બની રહેલો છે.

સૉલ્ટ-રેન્જ એ પંજાબનાં સમતળ મેદાનોમાંથી એકાએક ઊપસી આવતી નીચી, સપાટ શિરોભાગવાળી ટેકરીઓથી બનેલી સળંગ હારમાળા છે. તે અંદાજે પૂર્વ–પશ્ચિમ સ્તરનિર્દેશન-રેખા(strike)ને અનુસરીને જેલમની પશ્ચિમેથી શરૂ થઈને, સિંધુ નદીમાંથી પસાર થઈ, વધુ આગળ તરફ લંબાયેલી છે. તે જ્યાં સિંધુ નદીને ભેદે છે ત્યાં નૈર્ઋત્ય તરફ સ્તરનિર્દેશન દિશાકીય ઉગ્ર વળાંક (syntaxial band) જોવા મળે છે. અહીંથી ઉત્તર તરફ જતાં હિમાલયની હારમાળાનો વાયવ્ય ભાગ ભાગ્યે જ 80 કિમી.ના અંતરે રહેલો છે. હિમાલયના તે ભાગની સરખામણીએ, આ હારમાળા રચનાત્મક, સ્તરવિદ્યાત્મક તેમજ ભૂપૃષ્ઠવિષયક (structural, stratigraphical and physiographical) લક્ષણોમાં ઘણા તફાવતવાળી છે. આ રીતે સરખાવતાં આ બંને ગિરિમાળાઓ તદ્દન જુદાં પર્વતલક્ષણો રજૂ કરે છે. સૉલ્ટ-રેન્જના સપાટ શિરોભાગ, જે એક બાજુએ પંજાબ તરફ એકાએક સમુત્પ્રપાત અને ભેખડ-સ્વરૂપે અટકી જાય છે, તે તેની મુખ્ય રચનાત્મક લાક્ષણિકતા બની રહે છે. બીજી બાજુએ, ઉત્તર તરફ, પોટવારનાં ઊંચાં મેદાનોમાં તે આછા નમન સાથે ભળી જાય છે. સૉલ્ટ-રેન્જ અને રાવળપિંડીની તળેટી ટેકરીઓ વચ્ચેનો આ પોટવાર વિસ્તાર તૃતીય જીવયુગ દરમિયાન થયેલી નિક્ષેપપૂરણી સાથેનું અધોવાંકમય લક્ષણવાળું થાળું છે. આ હારમાળાના એક છેડાથી બીજા છેડા સુધી સ્તરોનું સામાન્ય નમન ઉત્તર દિશા તરફનું છે. આ રીતે ઉત્તર હદ પર આ પર્વતોના નવા ટર્શ્યરી ખડકો ઉગ્ર સમુત્પ્રપાતથી વિરુદ્ધ દિશામાં નમેલા જોવા મળે છે. આ સમુત્પ્રપાતોમાં પ્રથમ જીવયુગના પૂર્વાર્ધકાળની રચનાઓ વિવૃત બનેલી છે, વળી આ વિસ્તારના ઉગ્ર સમુત્પ્રપાત અનેક ઊંડાં નાળાંથી છેદાયેલા છે, તે પૈકી કેટલાક તો કોતર પ્રકારના પણ છે. તેમના રચનાત્મક છેદોમાં સ્તરોનાં આંતરિક લક્ષણો તેમજ સ્તરવિદ્યાત્મક માહિતી સ્પષ્ટપણે મળી રહે છે. આ રચનાછેદોને ઢાંકી દેતું વનસ્પતિનું કે વિઘટન પામેલા ખડકોનું કે જમીનનું આવરણ આછું છે. આ ઉપરાંત, આ હારમાળાની દક્ષિણ તળેટીની ધારે ખુલ્લી થયેલી ભેખડોની નજીકમાં ઢાળનિક્ષેપના ખૂબ જ મોટા ઢગલા પણ જોવા મળે છે.

આ હારમાળા તેની સળંગ લંબાઈમાં ખૂબ જ વિશિષ્ટપણે અનેક અનુપ્રસ્થ નમન સ્તરભંગોથી ખંડવિભાગોમાં વહેંચાયેલી છે. મેદાનોમાંથી આ હારમાળા તરફ જોતાં, ખંડિત વિભાગો સ્પષ્ટપણે જુદા પાડી શકાય છે; ઘણે દૂરથી પણ તેનું ખડક-બંધારણ પારખી શકાય છે. મોટા ભાગના સ્તરભંગ વિપરીત પ્રકારના છે, ક્યાંક ક્યાંક તે ધસારા-સપાટીઓમાં પણ પરિણમેલા છે, આ કારણે અહીંનાં સ્તરવિદ્યાત્મક-રચનાત્મક લક્ષણો વધુ જટિલ બન્યાં છે.

હારમાળાની સળંગ લંબાઈમાં, સૌથી નીચેના વિવૃત ખડકોમાં સિંધવ(શુદ્ધ મીઠા)ના સ્તર/વીક્ષાકાર જથ્થા રહેલા હોવાને કારણે જ આ હારમાળાનું નામ ‘સૉલ્ટ-રેન્જ’ અપાયું છે. અહીંથી સિંધવના જથ્થાઓનું મોટા પાયા પર ખનનકાર્ય થાય છે.

વ્રિજવિહારી દી. દવે

ગિરીશભાઈ પંડ્યા