સૉલ્ટપીટર (Saltpetre) : ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : KNO3. તેને નાઇટર નામથી પણ ઓળખાય છે. રસાયણશાસ્ત્રીઓ તેને પોટૅશિયમ નાઇટ્રેટ કહે છે. સામાન્ય રીતે તે ચૂનાખડક ગુફાઓમાં મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૉલ્ટપીટરનો ઉપયોગ દીવાસળીઓ, ગનપાઉડર, સ્ફોટકો અને કૃત્રિમ ખાતર બનાવવા થાય છે. વિશ્ર્લેષિક રસાયણશાસ્ત્રમાં તે અભિકારક (reagent) તરીકે વપરાય છે. પ્રવાહી રૉકેટ ઇંધન નોદકો(liquid rocket fuel propellants)માં તે ઉપચાયક (oxidizer) તરીકે ઉપયોગમાં લેવાય છે. તે પાણીમાં દ્રાવ્ય હોય છે અને આશરે 337° સે. તાપમાને પીગળે છે. પોટૅશિયમ ક્લોરાઇડ સાથે સોડિયમ નાઇટ્રેટ અથવા નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા તે બનાવી શકાય છે.

સૉલ્ટપીટર નામ અન્ય ખનિજોને માટે પણ વપરાય છે. આ પૈકી ચીલી સૉલ્ટપીટર ઘણું અગત્યનું છે, તેનું રાસાયણિક બંધારણ NaNO3 છે. તેનો ઉપયોગ પણ કૃત્રિમ ખાતર, નાઇટ્રિક ઍસિડ અને પોટૅશિયમ નાઇટ્રેટ બનાવવામાં થાય છે. લાઇમ સૉલ્ટપીટર અથવા કૅલ્શિયમ નાઇટ્રેટ [Ca(NO3)2×4H2O] તે ચૂનાખડકમાંથી બનાવાય છે અને તેનો ઉપયોગ કૃત્રિમ ખાતર, દીવાસળી, સ્ફોટક અને અમુક રસાયણો બનાવવામાં થાય છે. બેરિયમ નાઇટ્રેટ [Ba(NO3)2] ક્યારેક બેરિયમ સૉલ્ટપીટર તરીકે પણ ઓળખાય છે. તેનો ઉપયોગ બેરિયમ ઑક્સાઇડ (BaO) તથા લીલા રંગના ફટાકડા બનાવવામાં થાય છે.

ગિરીશભાઈ પંડ્યા