સૉફિસ્ટ-ચિન્તકો (sophists)

January, 2009

સૉફિસ્ટ-ચિન્તકો (sophists) : પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદ્વિદો. ‘સૉફિસ્ટ’ શબ્દ ‘સૉફિયા’ પરથી આવેલો છે. ‘Sophia’ એ ગ્રીક શબ્દનો અર્થ છે – ‘wisdom’ (‘વિઝ્ડમ’ – ડહાપણ, શાણપણ, પ્રજ્ઞા, વિદ્વત્તા). સૉક્રેટિસે (470–399 B.C.) પૂર્વના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા (rhetoric) ફી લઈને, કોઈ સંસ્થા સ્થાપ્યા વગર, જુદે જુદે સ્થળે શીખવતા, તેમને ‘સૉફિસ્ટ-ચિન્તકો’ તરીકે ઓળખવામાં આવતા. સૉફિસ્ટ-ચિન્તકોએ તત્વજ્ઞાનનો કોઈ સંપ્રદાય (મત – school) સ્થાપ્યો નથી; તેમ છતાં, સૉફિસ્ટ-ચિન્તકોની એક જ મહત્ત્વની સમાન માન્યતા એ હતી કે સત્યના કે નૈતિકતાનાં કોઈ સર્વદેશી અફર અને વસ્તુલક્ષી ધોરણો હોતાં જ નથી. જ્ઞાન અને નૈતિકતા તદ્દન વ્યક્તિ-સાપેક્ષ (relative) છે. જેને જે સાચું લાગે તે તેને માટે સાચું છે; જેને જે આદર્શરૂપ લાગે તે તેને માટે ઉચિત છે. જ્ઞાન કે સદાચારનાં સર્વલોકસંમત કોઈ ધોરણો જ નથી. જેમાં માનવું હોય તેમાં વ્યક્તિ માની શકે છે.

સૉફિસ્ટ શિક્ષકો ખાસ તો વક્તૃત્વકળામાં વિદ્યાર્થીઓને પારંગત બનાવતા. તેઓ દલીલોની વિવિધ યુક્તિઓ પણ શીખવતા. નબળી દલીલને કેવી રીતે સબળ બનાવીને મૂકવી તેની યુક્તિઓ તેઓ સમજાવતા હતા.

સૉક્રેટિસ, પ્લૅટો અને ઍરિસ્ટોટલે તેમનો સાપેક્ષવાદ અને તેમની મત-સ્થાપન માટેની શબ્દછળ અને વાક્યછળવાળી રીતોનો અસ્વીકાર કર્યો.

ઍથેન્સની રાજકીય લોકશાહી માટે તે સમયે સહુની અસરકારક ભાગીદારી આવશ્યક હતી. સાર્વજનિક હિતના નિર્ણયો લેવા માટે દલીલો કરવાની જરૂર પડતી. તેથી, વાદ-વિવાદમાં કુશળ વક્તાઓની તાલીમ તે સમયે અનિવાર્ય બની ગઈ હતી. જાહેર વ્યાખ્યાનો દ્વારા સૉફિસ્ટ શિક્ષકો યુવાનોને વક્તૃત્વકળા શીખવતા. એ રીતે અસરકારક અને પ્રભાવક દલીલો કરવાની અને સામા પક્ષની દલીલનું યુક્તિપૂર્વક ખંડન કરવાની તેમને આવા સૉફિસ્ટો પાસેથી તાલીમ મળતી. જોકે તે દલીલો હમેશાં વાજબી તાર્કિક-નિષ્પક્ષ દલીલો ન હતી, છતાં શ્રોતાને તેવો આભાસ જરૂર થતો. આવી છળમુક્ત દલીલને ‘sophism’ કહેવાય છે.

કેટલીક વાર સૉક્રેટિસ અને સૉફિસ્ટોની દલીલ કરવાની શૈલી વચ્ચે સામ્ય જણાતું; તેથી કેટલાક સૉક્રેટિસને પણ સૉફિસ્ટ ગણવા લાગ્યા. ‘Clouds’  એ શીર્ષકના ઍરિસ્ટોફેઇન્સના નાટકમાં સૉક્રેટિસનું સૉફિસ્ટ તરીકેનું હાસ્યજનક ચિત્ર રજૂ થયું છે.

દલીલો કરીને જેને પક્ષે સત્ય હોય તેને બહાર લાવવું એવું સત્યશોધક અને તત્ત્વનિશ્ર્ચયાત્મક વલણ સૉક્રેટિસનું હતું. ગમે તે ભોગે વિપક્ષીને શબ્દછળ કે વાક્યછળ પ્રયોજીને હરાવવો તે પ્રકારનું લક્ષ્ય સૉફિસ્ટોનું હતું. આમ સૉક્રેટિસની દલીલોનું લક્ષ્ય સૉફિસ્ટો કરતાં ઘણું જુદું હતું. આ બાબત ધ્યાનમાં રાખવાથી સૉક્રેટિસ અને સૉફિસ્ટ વચ્ચેનો ભેદ સમજી શકાય છે.

સૉક્રેટિસ, પ્લૅટો અને ઍરિસ્ટોટલે સૉફિસ્ટ-ચિન્તકોના સાપેક્ષવાદનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કર્યો. પ્રતિપક્ષીને કોઈ પણ દલીલયુક્તિથી પરાજિત કરીને વક્તૃત્વકળાની સફળતા સિદ્ધ કરવી એવો સૉફિસ્ટોનો દૃષ્ટિકોણ પણ તેમણે સ્વીકાર્યો નહિ. સૉક્રેટિસની દલીલપદ્ધતિ નિરૂપતા પ્લૅટોના ઘણા સંવાદો છે. તેમાં કેટલીક વાર પ્રશ્નોનો ઉકેલ લાવ્યા વગર સંવાદો પૂરા થતા દર્શાવાયા છે; તેમ છતાં, કેટલાક ગંભીર તાત્ત્વિક પ્રશ્નો તે સમયે ચર્ચાયા હતા; દા.ત., અમુક કાર્યો દેવોને પસંદ છે માટે સારાં છે કે તે સારાં છે માટે ખુદ દેવોને પસંદ કરવાં પડે છે ? જો સારાં કાર્યો ઈશ્વરની પસંદગી કે મંજૂરી ઉપર આધારિત હોય તો કોઈ કાર્ય સ્વાયત્ત રીતે નૈતિક કાર્ય બનતું નથી. બીજી બાજુ, સારાં કાર્યો સ્વત: સારાં હોય અને તેથી ઈશ્વર તેને માન્ય કરતા હોય તો સારાં કાર્યોનું મૂલ્ય ઈશ્વરથી પણ સ્વતંત્ર છે તેમ માનવું પડે. સૉક્રેટિસે આવી તર્કાશ્રિત આપત્તિઓ રજૂ કરી ત્યારે તેમનો હેતુ આ વિષયમાં ઊંડું ચિન્તન કરીને લોકોને વધુ વિચાર માટે પ્રેરવાનો હતો. કોઈ ‘ડિબેટિંગ ક્લબ’ના સભ્ય તરીકે હરીફાઈના મૂડમાં બીજાંને હરાવીને પોતાનાં ‘પૉઇન્ટ્સ’ વધારવાનો સૉક્રેટિસનો હેતુ ન હતો. જોકે, પ્લૅટોએ રચેલા સૉક્રેટિસ-નિરૂપક સંવાદોમાં ક્યારેક તેવું જણાય; તેથી જ કંઈ સૉક્રેટિસને સૉફિસ્ટ ન ગણાય.

હવે કેટલાક સૉફિસ્ટ-ચિન્તકોની મુખ્ય રજૂઆત નોંધીએ :

1. પ્રોટાગોરાસ (Protagoras : . પૂ. લગભગ 480થી 411) : સહુથી પહેલા સૉફિસ્ટ તરીકે પ્રોટાગોરાસ જાણીતા છે. દેવવિષયક એક લખાણમાં તેમણે કહ્યું હતું કે, ‘હું દેવોનું સન્માન કરું છું, પણ તેઓ અસ્તિત્વમાં છે કે કેમ તેને વિશે હું કશું જાણતો નથી.’ તેમનું આવું મંતવ્ય કેટલાકને માન્ય ન થયું અને કેટલાક વિવેચકો માને છે કે તેમને ઍથેન્સ છોડવાની જે ફરજ પડી તેનાં કેટલાંક કારણોમાં આ ઘટના પણ સમાવેશ પામે છે.

જે કંઈ છે તેને માટે અને જે કંઈ નથી તેને માટે એટલે કે સર્વ બાબતો માટે કેવળ મનુષ્ય જ પ્રમાણ છે. તેમનું પ્રખ્યાત કથન છે : ‘Man is the measure of things’. સત્ય કે નૈતિક મૂલ્યો બધું મનુષ્યસાપેક્ષ છે; એટલું જ નહિ, પણ તે વ્યક્તિસાપેક્ષ પણ છે. સત્ય, નૈતિકતા કે સૌંદર્યનાં ધોરણો અને તે ધોરણોના વાજબીપણાનો નિર્ણય કેવળ મનુષ્યો જ કરે છે તે જોતાં, જેને જે સાચું લાગે તે તેને માટે સાચું અને જેને જે સારું લાગે તે તેને માટે સારું છે. આવા સંપૂર્ણ વ્યક્તિસાપેક્ષવાદને ઘણા સંશયવાદ (scepticism) તરીકે પણ ઘટાવે છે. સત્ય/નૈતિકતાનાં કોઈ વસ્તુલક્ષી ધોરણો જ નથી.

જો જેને જે લાગે તે સારું તેમ ખરેખર હોય તો પ્રોટાગોરાસને નિષ્ણાત શિક્ષક કેવી રીતે ગણવા ? જો સત્ય વ્યક્તિને આશ્રિત હોય તો ખરેખર મતભેદને પણ અવકાશ ન રહે, કારણ કે કોઈનો અભિપ્રાય ખોટો જ ન મનાય. જો બધી માન્યતાઓ સાપેક્ષ હોય તો પ્રોટાગોરાસની વિરુદ્ધની માન્યતા પણ એટલી જ સાચી હોય. તેવી સ્થિતિમાં ‘પ્રોટાગોરાસનો મત અસત્ય છે’ તેવી કોઈ એક વ્યક્તિની માન્યતાને પણ સત્ય માનવી જ પડે. આવી આપત્તિઓ પ્રોટોગોરાસના સાપેક્ષવાદને નડે છે તે સ્પષ્ટ છે. તેમનો મત સ્વ-વ્યાઘાતયુક્ત છે.

2. ગૉર્જિયાસ (Gorgias : 485–380C.) : ગૉર્જિયાસે ભાષાના ઉપયોગો વિશે ચિન્તન કર્યું હતું. પોતાને માટે ‘Sophist’ શબ્દ પ્રયોજાય તે તેમને પસંદ ન હતું. તેઓ પોતાને ‘rhetorician’ ગણાવતા. વક્તૃત્વકળાથી લોકોને અમુક માન્યતા તરફ વાળવાની યુક્તિઓ વિશે તેમણે વિચાર કર્યો હતો. વિષયના જ્ઞાનથી સ્વતંત્ર રીતે બોલીને પણ શ્રોતાગણને કેવી રીતે પ્રભાવિત કરી શકાય તે ગૉર્જિયાસ પ્રમાણે વક્તાએ શીખવું જોઈએ. ગૉર્જિયાસનું ચિન્તન નીચેનાં તેમનાં ત્રણ ખૂબ જાણીતાં થયેલાં વિધાનોમાં રજૂ થાય છે :

(1) કશું અસ્તિત્વમાં નથી; (2) જો કશું અસ્તિત્વમાં હોય તો તેને જાણી શકાય નહિ; અને (3) જો તેને જાણી શકાય તો તેને સમજાવી શકાય નહિ.

ગૉર્જિયાસ તો એમ માનતા કે શબ્દોમાં દેવો જેવી શક્તિ છે. ઔષધો(drugs)ની જેવી શરીર ઉપર અસર થાય છે તેવી જ શબ્દોની બુદ્ધિ ઉપર અસર થાય છે. ગૉર્જિયાસે ભાષા સ્વરૂપ અને કાર્યો વિશે ચિન્તન કર્યું હતું.

ગ્રીસ અને ટ્રૉય વચ્ચે જે યુદ્ધ થયું તે ‘ટ્રોજન યુદ્ધ’ તરીકે ઓળખાય છે. સ્પાર્ટાની સહુથી સુંદર પરિણીત સ્ત્રી હેલનનું ટ્રોજન-પ્રિન્સે અપહરણ કર્યું. એફ્રોડાઇટ નામની દેવીની અસર હેઠળ હેલને પ્રિન્સની વાત માની લીધી હતી. હેલન ટ્રૉય છોડીને તેની સાથે ચાલી ગઈ, તેને વિશે તર્ક રજૂ કરતાં ગૉર્જિયાસે કહ્યું કે તેમાં કાં તો દેવોનો પ્રભાવ હોય અથવા બળજબરી થઈ હોય અથવા ખરેખર પ્રેમથી હેલન દોરવાઈ ગઈ હોય અથવા પ્રિન્સની વાણીના પ્રભાવથી તે મોહિત થઈ ગઈ હોય તેમ બને.  આ ચારેયમાંથી કોઈ એક કે બધાં કારણો જો પ્રવર્તતાં હોય તો હેલનને તેને માટે જવાબદાર ગણાય નહિ તેવું ‘Encomium’ નામની કૃતિમાં ગૉર્જિયાસ કહે છે. (Answers.com)

પ્લૅટોએ તેમના સંવાદ ‘Gorgias’માં સ્પષ્ટ રીતે વક્તૃત્વ-કૌશલ અને સત્યશોધક વાજબી દલીલોનો ભેદ પાડ્યો છે. ગૉર્જિયાસ પ્રમાણે આમ પણ ન તો કશું જ્ઞેય કે ન તો કશું કહી શકાય છે તે જોતાં વક્તવ્યથી તો શ્રોતાને ગમે તે દિશામાં વાળવાની જ વ્યર્થ પ્રવૃત્તિ થાય. ઍરિસ્ટોટલને પણ ગૉર્જિયાસ માન્ય ન હતા.

ફી લઈને વક્તૃત્વકળા શીખવવાની પ્રોટાગોરાસની પદ્ધતિની પ્લૅટોએ ટીકા કરી છે. ‘History of Western Philosophy’ ગ્રંથમાં બર્ટ્રાન્ડ રસેલે તેમની લાક્ષણિક શૈલીમાં લખ્યું છે કે તેમને એ આશ્ચર્ય છે કે અત્યારના જમાનામાં નિયમિત વેતન લેવાનું ન ચૂકતા શિક્ષકો–અધ્યાપકો પ્લૅટોએ પ્રોટાગોરાસની આ મુદ્દે જે ટીકા કરી છે તેનું સમર્થન કરે છે. (રસેલ, 2005, નવી આવૃત્તિ, પૃ. 83) રસેલ પ્રમાણે સૉફિસ્ટોને ક્યાંક વકીલો સાથે પણ સરખાવી શકાય છે : જેનો કેસ લીધો હોય તેના પક્ષે વફાદારીપૂર્વક દલીલ કરીને તેમાં સફળ થવું એ તેમને માટે સ્વાભાવિક રીતે જ મહત્વનું છે. કેટલીક વાર દલીલ જ્યાં લઈ જાય ત્યાં જવું એવું સૉફિસ્ટો માનતા હોવાથી પરંપરાઓથી સમર્થિત માન્યતાઓથી વિરુદ્ધની દલીલ તેઓ કરતા હતા. સૉફિસ્ટોની નબળાઈ દર્શાવતા પ્લૅટોના સંવાદોમાં પ્લૅટોનાં પોતાનાં મંતવ્યો પણ ઘણી વાર એટલાં જ નબળાં જણાતાં હતાં તેવું રસેલે નોંધ્યું છે.

પ્રોટાગોરાસ, ગૉર્જિયાસ, ઉપરાંત પ્રોડિકસ હિપ્પિયાસ, યુક્લાઇડસ (Euclides) વગેરે પણ સૉફિસ્ટ-ચિન્તકો હતા.

યુક્લાઇડસને દેવો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘હું દેવો વિશે કશું જાણતો નથી, પરંતુ એટલું તો જરૂર જાણું છું કે બહુ પ્રશ્નો પૂછતા લોકોને દેવો ધિક્કારે છે.’

મધુસૂદન બક્ષી