સૉનેટ : અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં આવેલો ઊર્મિકાવ્યનો યુરોપીય પ્રકાર. ગુજરાતી સાહિત્યમાં સૉનેટનું આગમન છેક 19મી સદીના અંતભાગ(1888)માં થાય છે; પશ્ચિમના સંપર્કે એ ગુજરાતી સાહિત્યમાં સાક્ષરયુગમાં આરંભાયું છે ને ગાંધીયુગ–અનુગાંધીયુગમાં તે ખૂબ ફાલ્યુંફૂલ્યું છે. મૂળે તે પશ્ચિમી કાવ્યસ્વરૂપ છે; પશ્ચિમમાં તેની ઉત્પત્તિ માટે ઘણી ચર્ચા થઈ છે. તે આ પ્રમાણે છે : (1) ઇટાલિયન શબ્દ ‘Suono’નો અર્થ સંસ્કૃત ‘स्वन्’ જેવો એટલે કે ‘અવાજ’ એવો થાય છે. તેનું અલ્પતાવાચક રૂપ તે ‘Sonnetto’ (જરીક અવાજ). (2) સર આર્થર ક્વિલરકૂચે ‘Sonare’ (વાદ્ય વગાડવું) ઉપરથી ‘Sonnetto’ વાદ્યની સાથે ગવાતું કાવ્ય એમ જણાવ્યું છે. (3) સિસિલીમાં દ્રાક્ષ-ઉછેરની સાથે ‘stornelli’ ગાવાનો રિવાજ હતો. તેમાંથી સૉનેટનો જન્મ થયો હોય એવી પણ માન્યતા છે. અને (4) પ્રોવેન્સ પ્રાન્તમાં તે વખત ઘેટાંને ગળે બાંધવામાં આવતી ઘંટડીઓ ઉપરથી ફ્રેન્ચ ‘Sonnette’ શબ્દ થયો. તેમાંથી સૉનેટ શબ્દ જન્મ્યો હોય. પણ ગુજરાતીમાં તે અંગ્રેજી કાવ્યસ્વરૂપ સૉનેટ ઉપરથી આવ્યો છે.

તેનાં ઉત્પત્તિ ને વિકાસની સાલવારી કંઈક આ પ્રમાણે છે : (1) ઇટાલીમાં ગ્વીતોનીએ ઈ. સ. 1234 (?)માં સૉનેટ લખ્યાં છે. (2) મહાકવિ દાન્તેએ 1265–1321માં સૉનેટ લખ્યાં છે. (3) ઇટાલીમાં પૅટ્રાર્કે (1304–1374) ગ્વીતોનીના સ્વરૂપબંધ પ્રમાણે આગળ કામ કર્યું છે. પરિણામે પૅટ્રાર્કશાઈ સૉનેટ-પ્રકાર રૂઢ થયો.

ઇંગ્લૅન્ડમાં તેનો વિકાસક્રમ આ પ્રમાણે છે : (1) અંગ્રેજીના આદિ કવિ ચૉસરે પૅટ્રાર્ક જેવી રચના કરી છે (ઈ. સ. 1386 પૂર્વે). (2) સર ટૉમસ વ્યાટે (1503–1542) સૉનેટ રચ્યાં છે. (3) આદિ સૉનેટકવિ અર્લ ઑવ્ સરેએ (1516 –1547) સૉનેટ રચ્યાં છે. વ્યાટની રચના બરાબર પૅટ્રાર્કશાઈ ન હતી, સરેએ પણ ઘણી છૂટો લીધી છે. (4) વ્યાટસરેને આધારે શેક્સપિયરે સૉનેટો લખ્યાં તે લોકપ્રિય થયાં તેથી નવો પ્રકાર રૂઢ થયો. તેને શેક્સપિયરશાઈ સૉનેટ કહે છે. વળી સર ફિલિપ સિડનીએ ‘એસ્ટ્રોફેલ ઍન્ડ સ્ટેલા’ (1582ની આસપાસ) નામની સૉનેટમાળામાં 108 સૉનેટ રચ્યાં છે. ઈ. બી. બ્રાઉનિંગે ‘સૉનેટ્સ ફ્રૉમ ધ પોર્ટુગીઝ’ નામની સૉનેટમાળા રચી છે. (5) શેક્સપિયર પછી સૉનેટ થોડો વખત ભુલાયું લાગે છે. માત્ર મિલ્ટને વચગાળામાં સૉનેટ લખ્યાં છે. (6) ત્યાર બાદ તેનો ઉદ્ધાર વર્ડ્ઝવર્થે કર્યો. આ યુગમાં બીજા સૉનેટ-કવિઓ છે : પીટ્સ, રોઝેટી, મિસિસ બ્રાઉનિંગ (19મી સદીમાં). મુંબઈ યુનિવર્સિટીના પ્રભાવે આ 19મી સદીના સૉનેટનો જ સંપર્ક કરીને ગુજરાતી સૉનેટ જન્મ્યું છે 1888માં. ગુજરાતી પ્રથમ સૉનેટ લખનાર પ્રો. ઠાકોર છે. ‘ભણકારા’ તે ગુજરાતીમાં પ્રથમ સૉનેટ. સાક્ષરયુગમાં પ્રો. ઠાકોર ઉપરાંત કાન્ત, ન્હાનાલાલ, નરસિંહરાવ ને ખબરદારે સૉનેટો લખ્યાં છે. ગાંધીયુગમાં પ્રો. ઠાકોરના પ્રભાવથી સૉનેટ ખૂબ ખેડાયું છે; આવા સૉનેટકારોમાં ચંદ્રવદન મહેતા, સુન્દરમ્, ઉમાશંકર, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, પૂજાલાલ, પતીલ, શ્રીધરાણી, રામનારાયણ પાઠક વગેરે છે. અનુગાંધીયુગમાં તે એવી જ લોકપ્રિયતાથી ચાલુ રહ્યું છે. આ યુગના સૉનેટકાર છે : રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુંદ દવે, ઉશનસ્, જયંત પાઠક, પ્રજારામ, મકરંદ દવે, વેણીભાઈ પુરોહિત, પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે વગેરે. આ પછી સૉનેટસ્વરૂપ કંઈક ભુલાયું લાગે છે. ‘આધુનિક’ યુગમાં સુરેશ જોષી, વિનોદ જોષી, ચિનુ મોદી, લાભશંકર વગેરેએ સૉનેટ લખ્યાં છે.

ગુજરાતીમાં આપણે ‘સૉનેટ’ નામ જ સ્વીકારી લીધું છે; છતાં ખબરદારે એને ‘ધ્વનિત’ કહ્યું છે. કોકે એને માત્ર ‘ચૌદક’ પણ કહ્યું છે. બીજાં નામ પણ જાણવા મળ્યાં છે : ‘સ્વનિત’, ‘સુનિત’ વગેરે.

ભારતીય ભાષાઓમાં સૌથી પહેલું સૉનેટ ગુજરાતી ભાષામાં જન્મ્યું છે અને લોકપ્રિય પણ બન્યું છે. તે ઊર્મિકાવ્યનું એક સ્વરૂપ છે. પ્રો. ઠાકોરમાં તે વિચારપ્રધાન કવિતાનું વાહન બન્યું છે.

સૉનેટ તત્વવિચાર : સૉનેટના કુલ ત્રણ પ્રકારો છે : (1) પૅટ્રાર્કશાઈ, (2) શેક્સપિયરશાઈ અને (3) ત્રીજો પ્રકાર તે અનિયમિત. સૉનેટનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે કુલ ચૌદ પંક્તિનું જ હોય; તેથી ઓછી કે વત્તી સંખ્યા હોય તો તે સૉનેટ બનતું નથી. સૉનેટ બનવા માટે કૃતિમાં બે લક્ષણો આવશ્યક છે : (1) સૉનેટમાં ચૌદ પંક્તિઓ હોય, નહિ વધારે કે ઓછી; (2) કથયિતવ્યમાં વળાંક, પલટો કે ઊથલો અવશ્ય ક્યાંક આવવો જોઈએ. આ બે લક્ષણો સાર્વભૌમ છે. બીજાં લક્ષણો જે તે પ્રકારગત છે; જેવાં કે ખંડકો ને પ્રાસરચના.

(1) પૅટ્રાર્કશાઈ સૉનેટમાં બે ખંડક હોય છે : (અ) અષ્ટક ને (બ) ષટ્ક. (2) શેક્સપિયરશાઈ સૉનેટમાં ત્રણ ચતુષ્કો અને છેલ્લે એક ક્રાઉનિંગ કપ્લેટ એટલે કે યુગ્મક હોય છે. (3) ત્રીજા અનિયમિત પ્રકારમાં આવી કોઈ ચુસ્ત ખંડકની વ્યવસ્થા નથી. ‘ગ/8, 4, 2 / 12 ને 2 / 6, 6, 2 – એમ અનેક રીતે પંક્તિખંડકો આવી શકે છે; તે કવિની મરજીને અધીન પ્રવર્તે છે; પણ 14 લીટીથી તે રચના વધવી ન જોઈએ ને ક્યાંક પલટા જેવી અસર ઉપજાવતી હોવી જોઈએ. તેર કે પંદર પંક્તિમાંય સૉનેટનો આત્મા તો હોય, પણ દેહ ચુસ્ત રીતે ચૌદ પંક્તિનો ન હોય તો તે ‘સૉનેટ’ નામને યોગ્ય ગણાશે નહિ; આ ચૌદ પંક્તિઓમાં સામાન્ય રીતે સૉનેટરચના પોતાનો ત્રિભંગ સાધતી હોય છે. આ ત્રણ ભંગિઓ તે : (1) સ્થાપના, (2) વળાંક કે ઉત્થાપનાને અંતે જતાં યુગ્મક જે સૌથી વધુ ચોટદાર હોવું જોઈએ. પૅટ્રાર્કશાઈમાં અષ્ટકમાં સ્થાપના, નવમી પંક્તિએ ઊથલો કે વળાંકવાળું ષટ્ક. આ અષ્ટક કરતાં ષટ્ક વધુ ને વધુ ચોટદાર બનતું જાય તે જરૂરી છે. શેક્સપિયરપદ્ધતિમાં આ ભાવભરતીનાં ત્રણ મોજાં છે. ત્રણ ચતુષ્કો જે એક એકથી ઉત્તરોત્તર ચઢિયાતા પ્રભાવવાળાં હોવાં જોઈએ, જે ક્રાઉનિંગ કપ્લેટમાં તે સૌથી વધુ ચોટદાર બની આટોપાઈ જાય છે. ઉપાડના ખંડથી પલટાનો ખંડ વધુ પ્રભાવશાળી ને ચોટદાર બનવો જરૂરી છે. એથી ઊલટું થાય તો રસક્ષતિ થાય છે; શેક્સપિયરશાઈ સૉનેટમાં જો ક્રાઉનિંગ કપ્લેટ નબળું પડી જાય તો કાવ્યરસને હાનિ પહોંચે છે. અષ્ટક ને ષટ્કમાં કે ત્રણ ચતુષ્કો ને કપ્લેટમાં જો રચના નરી સમથળ બની જાય તો સૉનેટ આસ્વાદ્યતા ગુમાવી દે છે.

હવે એ પણ જાણવું જરૂરી છે કે પૅટ્રાર્કશાઈ પ્રકારના અષ્ટક ષટ્કમાં જે પ્રાસરચના આવશ્યક છે તે આમ છે : અબબઅ કખખક / ગઘચ ગઘચ. શેક્સપિયરશાઈ સૉનેટમાં જે પ્રાસરચના આવશ્યક છે તે આમ છે :

અબબઅ, કખખક, ગઘઘગ, ચચ;

અનિયમિત પ્રકારમાં ચુસ્ત રીતની પ્રાસરચનાનો નિયમ નથી; પણ અંતિમ યુગ્મકમાં કવિઓ અવશ્ય પ્રાસ જાળવે છે.

ગુજરાતી સૉનેટમાં એકંદરે તો આ ખંડકોનું ને પ્રાસનું શિસ્ત છે; પણ મોટે ભાગે કવિઓ શિથિલ પ્રાસથીયે ચલાવી લે છે. પણ તે અંતિમ યુગ્મકમાં પ્રાય: પ્રાસને ચુસ્ત રીતે અજમાવે છે.

હવે બીજી મહત્વની વાત સૉનેટના છંદ વિશે છે; પ્રો. ઠાકોરે સૉનેટના છંદ વિશે પૂરી ચર્ચા કર્યા પછી તે સાવ ટૂંકી પંક્તિના છંદને પ્રતિકૂળ ગણે છે; વળી તેઓ રૂપમેળ એટલે કે અક્ષરમેળ છંદોને જ સૉનેટ માટે યોગ્ય ગણે છે. 11 અક્ષરના રૂપમેળ છંદથી તે 21 અક્ષરના સ્રગ્ધરા સુધીનાં વૃત્તો સૉનેટ-યોગ્ય ગણે છે, પણ પછીથી ગુજરાતી સૉનેટોમાં વિવિધ પ્રયોગો થયા છે, તે આ પ્રમાણે છે : (1) છંદોમિશ્રણ : 12 પંક્તિમાં અમુક એક છંદ ને યુગ્મક બીજા છંદમાં હોય છે. (2) બંગાળી પયાર અને વનવેલીમાં સૉનેટો છે, જે સંખ્યામેળ છંદો છે. (3) અછાંદસ કે ગદ્ય-સૉનેટ પણ લખાયાં છે. (4) ખબરદાર તો તોટકનું બીજ લઈ સૉનેટ રચે છે; જેમાં તે સ્વરભારનું તત્વ ઉમેરે છે. દા. ત., તેમના ‘નંદનિકા’ કાવ્યસંગ્રહનાં સૉનેટો.

આમ તો ‘સૉનેટ’ એ ચૌદ પંક્તિનો સંપૂર્ણ અને સ્વાયત્ત કાવ્ય-પ્રકાર છે; પણ કેટલાક સૉનેટ-કવિઓએ સૉનેટયુગ્મ, સૉનેટત્રયી, સૉનેટચતુષ્ક કે સૉનેટપંચક લખ્યાં છે. આમ બેથી પાંચ સૉનેટોની રચનાને સૉનેટગુચ્છ કહેવામાં આવે છે. આ કાવ્ય કલગી છે, જેમાં બધા જ એકમો સમકક્ષ છે ને સંપૂર્ણ છે. આથી વધારે સૉનેટોની રચના – જો તેમાં ક્રમિક વિકાસ હોય તો તે સૉનેટમાળા કહેવાય છે. કલગી અને માળામાં જે ભેદ તે સૉનેટગુચ્છ ને સૉનેટમાળાનો પાયાનો ભેદ છે. સૉનેટમાળામાં પ્રત્યેક સૉનેટ પોતાને સ્થાને સ્વાયત્ત છે ને વળી સમગ્રમાં એકબીજાંના અનુસંધાનમાં પણ ગોઠવાયેલું હોય છે. ગુજરાતીમાં ઉત્તમ સૉનેટો, ઉત્તમ સૉનેટગુચ્છો ને ઉત્તમ સૉનેટમાળા પણ રચાયેલ છે. ઉત્તમ સૉનેટકારોમાં પ્રો. ઠાકોર, કાન્ત, ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, સુન્દરમ્, પૂજાલાલ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્, બાલમુકુંદ દવે ને જયંત પાઠક જેવાં નામ છે. ઉત્તમ સૉનેટમાળામાં (1) પ્રો. ઠાકોરનાં ‘પ્રેમનો દિવસ’, સુખદુ:ખવિષયક; (2) ચંદ્રવદન મહેતાનું ‘યમલ’; (3) સુન્દરમનું ‘તોડી પડાતા જૂના કિલ્લાને’; (4) ઉમાશંકરનું ‘આત્માનાં ખંડેર’; (5) રાજેન્દ્ર શાહનું ‘આયુષ્યને અવશેષે’; (6) ઉશનસનું ‘અનહદની સરહદે’ વગેરે છે.

અંતમાં, એકબે મહત્વની વાત ઉલ્લેખનીય છે : (1) સૉનેટ પશ્ચિમમાં બ્લૅન્ક વર્સમાં બહુધા આયંબિક પેન્ટામીટરમાં હોય છે; ગુજરાતીમાં તે પ્રો. ઠાકોરના શુદ્ધ અગેય પ્રવાહી છંદોરચનાના ગાળામાં પ્રભવ્યું છે; તેથી તે સુપાઠ્ય ને અગેય રચના છે, જેથી પ્રાસની ચુસ્તી કેટલી ઉપયોગી તે પ્રશ્ન છે; કારણ કે સાધારણ રીતે પ્રાસ ગેયતાનો પોષક હોય છે. (2) બીજી વાત એ છે કે મંજુલાલ મજમુદાર જેવા વિદ્વાનો ધીરાની કાફી જેવી પદરચનાઓમાં સૉનેટનું તત્વ જુએ છે તે યોગ્ય નથી; પદો ગેય છે ને તેમાં સૉનેટનો ત્રિભંગ હોતો નથી તેથી તે સૉનેટ બની શકે જ નહિ તે નોંધવું જોઈએ. એ જ પ્રમાણે ગઝલો જે શેરોમાં હોય છે તે 7 શેરોની હોય તોપણ તે સૉનેટ બની શકે નહિ, કારણ કે ગઝલ ગેય હોય છે. આજે સૉનેટ ઓછાં લખાય છે, પણ એની શક્તિ હજી એની એ જ છે. ઉમાશંકરે સૉનેટમાં વિરાટને વામનરૂપે પ્રવર્તતો જોયો છે.

ઉશનસ્