સૉધબી લિલામઘર : પુરાવસ્તુ (antique) કલાકૃતિઓનું વિશ્વભરનું સૌથી મોટું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું લિલામઘર. તે લંડનની ન્યૂ બૉન્ડ સ્ટ્રીટમાં આવેલું છે. કૉવેન્ટ ગાર્ડન બુકસેલર સેમ્યુઅલ બેકરે 1744માં તેની સ્થાપના કરી અને 1778 સુધી ફક્ત પુસ્તકો, હસ્તપ્રતો અને ચિત્રોનું લિલામ ચાલુ રાખ્યું. ત્યાર પછી તેનો ભત્રીજો જોન સૉધબી 1780માં તે પેઢીનો નિયામક બન્યો ત્યારથી તે પેઢી લી ઍન્ડ સૉધબી કંપની તરીકે ઓળખાવા લાગી. હવે તે સૉધબી પાર્ક બર્નેટ ઍન્ડ કંપની તરીકે ખ્યાતનામ છે.

તેનું મુખ્ય મથક લંડન ખાતે આવેલું છે. સમગ્ર વિશ્વનાં 25 શહેરોમાં તેના લિલામખંડો આવેલા છે. 1964માં સૉધબીએ ન્યૂયૉર્કમાં પાર્ક બર્નેટ ખાતે અમેરિકાનો સૌથી મોટો લિલામખંડ ખરીદ્યો; 1974માં ઍમસ્ટરડેમના માક વાન વાય ખાતે હોલૅન્ડની મોટી લિલામ-પેઢી ખરીદી. હવે કલાકૃતિઓ વગેરેનું પદ્ધતિસર વેચાણ લંડનમાં ન્યૂ બૉન્ડ સ્ટ્રીટમાં; ન્યૂયૉર્કમાં બેલ્ગ્રેવિયા અને ચેન્સરી લેન; લૉસ એન્જેલસમાં મેડિસોન એવન્યૂ અને 84th સ્ટ્રીટ, ટોરેન્ટો, ઝુરિક, ફ્લોરેન્સ, મોન્ટે કાર્લો, હૉંગકૉંગ, જોહાનિસબર્ગ, માડ્રિડ અને સ્કૉટલૅન્ડમાં એડિનબરા, ગ્લાસગો અને ગ્લેનેંજલ્સ હોટેલ, પર્થશાયર ખાતે કરવામાં આવે છે. આવા લિલામખંડોની તમામ શાખાઓમાં સૉધબીના 200 કલાપારખુઓ અને નિષ્ણાતો વિશ્વના બધા ભાગોનો પ્રવાસ ખેડે છે અને કલાકૃતિઓની ચકાસણી કરી તટસ્થ અને પ્રામાણિક મૂલ્યાંકન કરે છે.

લંડન ખાતે એનો લિલામખંડ ભવ્ય કલાગૃહ જેવો અનેક કલાવીથિઓથી જોડાયેલો છે. તેમાં ગ્રાહકોની પસંદગી માટે અનેકવિધ સામગ્રી જેવી કે મધ્યયુગનાં બખ્તરો, શસ્ત્રાસ્ત્રો, જાપાની યશબ(જેઈડ પથ્થર)ની કલાકૃતિઓ, ચીનના મિંગ કાળના પૉર્સલીનના રૂપાળા નમૂના, 17મી સદીની વિકન્ડેલ શૈલીની ખુરશીઓ, કોતરણીવાળાં સૈકા જૂનાં રાચરચીલાં, પ્રાચીન હસ્તપ્રતો, હાથઘડતરનાં પ્રાચીન પાત્રો, પુરાણા સિક્કાઓ, ચંદ્રકો, વ્યક્તિવિશેષના હસ્તાક્ષરો અને પત્રો, મૂર્તિઓ, પ્રાગૈતિહાસિક માટીકામના નમૂના, વૈભવી સોના-ચાંદીની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને કીમતી ઝવેરાત તેમજ મૂલ્યવાન ચિત્રકૃતિઓને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે.

દર અઠવાડિયે બપોરના સમયે આવી લગભગ 2000 કલાકૃતિઓ ભંડારમાંથી કાઢીને આ લિલામખંડમાં ગોઠવવામાં આવે છે. 60થી વધુ દેશોના શોખીન ખરીદારો લિલામ વખતે હાજર રહે છે. અહીં દરેક ચીજની ઊંચી કિંમત અંકાય છે. તેથી આ પેઢીએ દુનિયાભરના કલાસંગ્રાહકોનું ધ્યાન લંડન તરફ દોર્યું છે.

1958માં ન્યૂયૉર્કના જૅકબ ગૉલ્ડસ્મીટ નામના એક જર્મન ધનવાનના ‘ઇમ્પ્રેશનિસ્ટ’ ચિત્રોના સંગ્રહે વેચાણમાં વિક્રમ સર્જ્યો હતો. સેઝૉના રંગસુંદર ચિત્ર ‘બૉય ઇન એ રેડ વેઇસ્ટકોટ’ની અહીં હરાજીમાં 2,20,000 પાઉન્ડ (લગભગ રૂ. 33 લાખ) જેટલી કિંમત ઊપજેલી. એ જ રીતે માનેતનાં 3 ચિત્રોના 2,67,000 પાઉન્ડ (રૂ. 40 લાખ); વાનઘોઘની એક ચિત્રકૃતિના 1,32,000 પાઉન્ડ (રૂ. 19.50 લાખ) ઊપજ્યા હતા.

ત્યાર બાદ ડ્યૂક ઑવ્ વેસ્ટમિન્સ્ટરના સંગ્રહમાંથી રૂબેન્સનું 11´ × 8´ના કદનું જગવિખ્યાત ચિત્ર ‘એડોરેશન ઑવ્ ધ મૅગી’ 2,75,000 પાઉન્ડ (રૂ. 41 લાખ) કિંમતમાં વેચાયું હતું. ડ્યૂકના સંગ્રહમાંના એક હીરાજડિત તાજની કિંમત 1,10,000 પાઉન્ડ જેટલી ઊપજી હતી. વૅનિસના ખજાનાનો એક પ્યાલો લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમે 4600 પાઉન્ડ ચૂકવી ખરીદ્યો હતો.

એક ક્રાઉનમાં એક બાઈએ ખરીદેલ ચિત્ર પેઢીના નિષ્ણાતોના મતે કૉર્નેલિયસ ક્રિશ્ર્ચૉફની વર્ષોથી લાપતા બનેલી મોંઘી કલાકૃતિ હતી; જે આ પેઢીમાં 2100 પાઉન્ડમાં વેચાઈ હતી. પોતાના મિત્રના નિવાસે બારણાના ટેકણરૂપ પથ્થર, આ પેઢીના નિષ્ણાત જેમ્સ કિડેલના મતે ચીનની મિંગ સલ્તનત કાળનો યશબ(જેઈડ પથ્થર)નો કોતરેલો ભરાવદાર પાડો હતો. તે અહીં 6000 પાઉન્ડમાં વેચાયો હતો. એક બાઈએ રજૂ કરેલ નકામો જૂનો પુરાણો પ્યાલો વાસ્તવમાં ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ પહેલાનું સુરાપાત્ર હોવાનું જણાયું હતું અને હરાજીમાં તેના 700 પાઉન્ડ ઊપજ્યા હતા.

1964ના નવેમ્બરમાં વેચાયેલી પુરાણી ચીજોમાં ઈ. પૂ. 2500 વર્ષ પહેલાંની એન્ટોલિયન માતૃકા-મૂર્તિઓ; ઈ. પૂ. 5મી સદીની સાઇબેરિયન કાંસ્ય પ્રતિમાઓ અને ગ્રીક મૂર્તિઓ તથા 5000 વર્ષ પહેલાંની મિસરની એક માનવમૂર્તિ નોંધપાત્ર હતી.

1983માં 1852ના કીમતી કામળાના અહીં 1,15,500 પાઉન્ડ; 1984માં કોતરકામ કરેલી ચાંદીની મૂત્રદાનીના 9500 પાઉન્ડ ઊપજ્યા હતા. 1985માં 1902ના વિયેના એક્ઝિબિશન માટેનું પોસ્ટર 62,000 પાઉન્ડમાં વેચાયું હતું.

1989માં સૉધબીનો વાર્ષિક વકરો 2.9 અબજ પાઉન્ડનો હતો જ્યારે 1990માં ન્યૂયૉર્ક શાખાનો વાર્ષિક વકરો 3604 લાખ પાઉન્ડનો હતો. પર્શિયાના ટેબ્રિઝમાં બનેલી વિશાળ જાજમ 3,84,200 પાઉન્ડમાં અહીં વેચાઈ હતી, જ્યારે હૉંગકૉંગમાંથી ચોરાયેલ એક સિરેમિક ઘોડાની કિંમત 37.4 લાખ પાઉન્ડ ઊપજી હતી.

1991માં એક સિગારેટ કાર્ડ 4,51,000 પાઉન્ડમાં; 20મી સદીનું પાબ્લો પિકાસોનું એક સેલ્ફ પોર્ટ્રેટ 478 લાખ પાઉન્ડમાં અહીં વેચાયું હતું. પુરાણા કાગળોનું અહીં રજૂ કરાયેલ એક બંડલ નિષ્ણાતની નજરે વિખ્યાત સંગીતકાર હૅન્ડેલના ‘કેન્ટાના નં. 13’ની સ્વરલિપિની હસ્તપ્રત જણાઈ, જે 3800 પાઉન્ડમાં વેચાઈ હતી.

નસીબજોગે અહીં આવી ચડતી ચીજવસ્તુઓ ઘણી અજ્ઞાત અને દુષ્પ્રાપ્ય હોય છે અને સૉધબી ઍન્ડ કંપનીના કલાપારખુઓની સૂઝ અને વિશેષજ્ઞતાને પરિણામે તે મોંઘા મૂલે વેચાય છે; એટલું જ નહિ, પરંતુ વેચનાર અને લેનાર બંનેને અહીં પોતાની ચીજની ખરી કિંમત અંકાયાની પ્રતીતિ થાય છે.

બળદેવભાઈ કનીજિયા