સોદોમા જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma Giovanni Antonio Bazzi)

January, 2009

સોદોમા, જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma, Giovanni Antonio Bazzi) (. 1477, વેર્ચેલી, ઇટાલી; . 1549, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. એમના કલાશિક્ષણ વિશે માહિતી મળતી નથી. પિયેન્ઝા ખાતે સાન્તા આના ચૅપલમાં અને મૉન્તેઓલિવેતો મૅગ્યોરે કૉન્વેન્ટ(Monteoliveto Maggiore Convent)માં એમણે 1503થી 1508 સુધી ભીંતચિત્રો આલેખેલાં.

તેમાં ઇટાલિયન રેનેસાં-ચિત્રકારો લિયૉનાર્દો દ વિન્ચી, પિન્તુરિકિયો (Pinturicchio) અને લુચા સિન્યોરેલી(Luca Signorelli)ની અસર સ્પષ્ટ છે.

સોદોમાનાં શ્રેષ્ઠ ભીંતચિત્રો રોમમાં 1516ની આસપાસ આલેખેલાં છે. તેમાં ઍલેક્ઝાન્ડર અને રોક્સાનાની પ્રેમકથાના પ્રસંગોનું નિરૂપણ છે. આ ચિત્રોમાં ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર રફાયેલનો પ્રભાવ છે. એ પછી 1526માં સિયેનામાં સેંટ ડૉમેનિકો ચૅપલમાં તેમણે સેંટ કૅથેરિનના જીવનપ્રસંગોનું નિરૂપણ કરતી ભીંતચિત્ર-શ્રેણી આલેખી. આ શ્રેણીમાંથી અત્યાચાર ઝીલી રહેલ સેંટ કૅથેરિનનું ચિત્ર ‘Stigmata’ ઘણું જ વખણાયું છે. તેમાં પશ્ચાદભૂમાં રહેલ નિસર્ગ ખૂબ આહલાદક છે.

અમિતાભ મડિયા