સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ

February, 2008

સૈયદ, અબ્દુલ્લાહ ઇદ્રસ : ઇદ્રસિયા ફિરકાના સ્થાપક, અરબીના વિદ્વાન અને લેખક. તેમનું આખું નામ સૈયદ હજરત શમ્સ શેખબીન અબ્દુલ્લા અલ ઇદ્રસ હતું; પરંતુ આમજનતા તેમને ‘સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ’ તરીકે ઓળખે છે. એમના વડવા સૈયદ અબુબકાર ઇદ્રસ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત હતું. સૂરતમાં તેમની દરગાહ આવેલી છે. હાલ એમના વંશજો સૂરત જ રહે છે.

તેમના ધર્મ સંબંધી ગ્રંથોમાં ‘હફતુલ્ મુરીદ’ (શિષ્યોને ભેટ), ‘સિરાજતૂત તૌહીદ’ (અદ્વૈતવાદનો દીપક), ‘હકાઈકુત્ તૌહીદ’ (અદ્વૈતવાદની હકીકત) વગેરે મહત્ત્વના છે. એમના પુત્ર સૈયદ શેખે પણ આ વારસો જાળવી રાખ્યો છે. તેઓ પણ અરબી શાયર હતા અને તેમણે એક દીવાનની રચના કરી હતી.

એમનો મકબરો અમદાવાદના ઝવેરીવાડમાં આવેલો છે, જે પથ્થરથી બાંધેલો નાનો પણ નમૂનેદાર છે. એના સ્તંભો વચ્ચેના ભાગને સુંદર જાળીદાર પડદીઓથી જોડી ખંડ બનાવ્યો છે. સમકાલીન મકબરાઓમાં વચ્ચેના ખંડને ફરતો રવેશ રખાય છે તેવો રવેશ આમાં રખાયો નથી. એના છાવણ પરની અગાશીની મધ્યમાં અલંકૃત પીઠ રાખી એના પર અર્ધવૃત્ત ઘુમ્મટ કરેલો છે. અગાસીને કાંગરા કરેલા છે. આ ઇમારત સત્તરમી સદીમાં બંધાઈ હોય તેમ લાગે છે.

ઈશ્વરલાલ ઓઝા