સૈનિક શાળા બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી ખાતે ખસેડવામાં આવી હતી. આ સ્થળ મૂળ જામનગરના જામસાહેબની જાગીર હતી. નવા સ્થળે ખસેડવામાં આવેલી આ શાળાનો શુભારંભ 1965માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી દ્વારા થયેલો.
શાળાનું મુખ્ય પ્રયોજન કુમારોને રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીમાં તથા જીવનમાં અન્ય ક્ષેત્રોમાં પ્રવેશવા માટે શૈક્ષણિક અને શારીરિક રીતે તૈયાર કરવાનું છે. રાષ્ટ્રીય ભાવના, ઉચ્ચ ચારિત્ર્ય, સમૂહ ભાવના, ધ્યેયનિષ્ઠા જેવા ગુણો યુવાનોમાં વિકસે એ પ્રકારનું શિક્ષણ તેમને અપાય છે.
આ શાળામાં ધોરણ 6થી 12 સુધીના વર્ગોમાં શિક્ષણ અપાય છે. આ નિવાસી શાળા છે, જ્યાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે. શાળાની પ્રવેશક્ષમતા 575 વિદ્યાર્થીઓ જેટલી છે.
શાળામાં દાખલ થયેલા કુમારોને વિવિધ પ્રકારની બૌદ્ધિક તાલીમ, શારીરિક કસરતો, રમતગમત, મનોરંજન વગેરે પૂરાં પાડવામાં આવે છે. ઑલ ઇન્ડિયા સેકંડરી સ્કૂલ, સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષાઓ તથા નૅશનલ ડિફેન્સ અકાદમીમાં પ્રવેશ માટે બાળકોને તાલીમ આપવામાં આવે છે. શાળામાં અદ્યતન સગવડો ઉપલબ્ધ છે; જેવી કે વાચનાલય, પુસ્તકાલય, નાટ્યગૃહ, સભાગૃહ, રમતગમતનાં મેદાનો, સ્વિમિંગ પુલ વગેરે.
મનોજ જોશી