સૈની, અજીત (. 23 જુલાઈ 1922, બોલવાલ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી લેખક અને પત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.; ગ્યાનીની પદવી મેળવી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા; 1943માં ઇન્ડિયન નૅશનલ આર્મી, મલાયામાં અધિકારી; ‘આઝાદ હિંદ’ના સંપાદક; 1945માં ઇન્ડિયન નૅશનલ આર્મીના મુખ્ય મથક હાલના મ્યાનમાર દેશના રંગુન (યાન્ગોંગ) શહેરના પ્રેસ અને રેડિયો સંપર્ક અધિકારી; ઉર્દૂ ‘મિલાપ’ના સમાચાર-સંપાદક ઉપરાંત 1956-79 સુધી ભારત સરકારના કેન્દ્રીય માહિતીસેવામાં અને ઇન્ડિયન નૅશનલ આર્મી સ્વાતંત્ર્યસૈનિક ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી રહ્યા.

તેમણે કુલ 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મિટ્ટી દી પુકાર’ (1964); ‘લહુ બોલ પિયા’ (1980); ‘ટૂટદે રિશ્તે’ (1992); ‘સુંદરવાણી’ (1995) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘ઔરત ફાલતુ નહીં’ (1990) નવલિકાસંગ્રહ છે. ‘યહ માનસ કી જાત’ (1992) નવલકથા છે. ‘મેરી સાહિતક સ્વૈ જીવની’ (1993) ચરિત્રગ્રંથ છે. ‘આઝાદ હિંદ ફોજ દા ઇતિહાસ’ (1994) ખાસ ઉલ્લેખનીય છે. ઉર્દૂમાં : ‘જબ વતનને પુકારા’ (1997) વાર્તાસંગ્રહ છે.

તેમને 1985માં પંજાબ સામિખ્ય બોર્ડ તરફથી બેસ્ટ શૉર્ટ સ્ટોરી રાઇટર ઍવૉર્ડ; 1989માં ટોરૉન્ટો, કૅનેડા તરફથી કુલવંત સિંઘ વિર્ક યાદગાર પુરસ્કાર; લિટરરી ફોરમ, કપૂરથલા તરફથી 1989માં બેસ્ટ શૉર્ટ સ્ટોરી રાઇટર ઍવૉર્ડ; જગજીત સિંઘ ટ્રસ્ટ દ્વારા 1990માં ‘બેસ્ટ જર્નાલિસ્ટ ઑવ્ ધ યર’ ખિતાબ પ્રાપ્ત થયા હતા. 1972માં ભારત સરકાર તરફથી તેમને સ્વાતંત્ર્યસૈનિક તરીકે ‘તામ્રપત્ર’ એનાયત કરાયું હતું.

બળદેવભાઈ કનીજિયા