સે સભુ સંધિયમ્ સહાસેન (1987)

February, 2008

સે સભુ સંધિયમ્ સહાસેન (1987) : સિંધી લેખક મોતીપ્રકાશ (જ. 1931) રચિત પ્રવાસકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. દેશના વિભાજનમાં 37 વર્ષ પછી 1984માં લેખક, તેમનાં પત્ની અને તેમના મિત્ર મોહન ગેહાની માતૃભૂમિ સિંધની મુલાકાતે જાય છે. તેમાંથી આ પ્રવાસકથા સર્જાઈ છે.

આ કૃતિમાં તત્કાલીન સિંધની મહત્ત્વની સાંસ્કૃતિક કટોકટી તથા રાજકીય ઊથલપાથલનું સમભાવપૂર્વક આલેખન કરાયું છે. વળી તેમના મિત્રવર્ગ તથા સહલેખકો સાથેની મુલાકાતો સંવેદનાપૂર્વક આલેખાઈ છે. માતૃભાષા સિંધીના સ્થાને ઉર્દૂને પ્રોત્સાહન આપવા બદલ તેઓ રંજ અનુભવે છે. સિંધી સૂફી સંત કવિ શાહ લતીફના નામની ‘શાહ લતીફ સ્કૂલ’નું પાટિયું જોઈને તેમને આનંદ થાય છે, પણ તેમાં શિક્ષણનું માધ્યમ સિંધી નહિ પણ ઉર્દૂ હતું એ જાણીને તેમને ભારે સંતાપ થાય છે.

અલબત્ત, માનવજીવનને સ્પર્શતા કેટલાય રસપ્રદ પ્રસંગો તેમાં આલેખાયા છે. તેમનાં પત્ની કલાપ્રકાશ કરાંચીમાં પોતાની શૈશવાસ્થાનું જૂનું રહેઠાણ જોવા જાય છે ત્યારે વર્ષો અગાઉ ત્યાં રહેતી વૃદ્ધાને જોઈ તેમને ખૂબ આનંદ થાય છે, પણ એ વૃદ્ધા પોતે દિલ્હી ખાતેનું પોતાના માદરે વતનનું ઘર જોવા પામતી નથી એનો સંતાપ અનુભવે છે; આ આખી પ્રસંગશ્રેણી ખૂબ હૃદયસ્પર્શી છે. સાંપ્રત સિંધનાં પાત્રો અને પ્રસંગોના આવા રસપ્રદ અને માર્મિક ચિત્રાલેખન માટે આ કૃતિ પુરસ્કારપાત્ર નીવડી હતી.

મહેશ ચોકસી