સેહરાઈ, પિઆરા સિંઘ (જ. 16 સપ્ટેમ્બર 1915, છપિયાં વાલી, જિ. મંસા, પંજાબ) : પંજાબી કવિ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તેઓ ‘સોવિયેત લૅન્ડ’ (પંજાબી), નવી દિલ્હીમાં જોડાયા અને સંયુક્ત સંપાદક તરીકે સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત બન્યા.
તેમણે 19 ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહોમાં ‘લગ્રન’ (1955), ‘વન-ત્રિન’ (1970), ‘ગુઝર્ગાહ’ (1979), ‘બતન વકત દિઆન’ (1985), ‘ગીત મર્યા નહિં કરદે’ (1988), ‘સંગીત દે ખામ્બ’ (1992) અને ‘મેરી કવિતા દા સફર’(1992)નો સમાવેશ થાય છે. ‘જ્યોતિ ઈક, સરૂપ દસ’(1995)માં તેમનાં રેખાચિત્રો છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1972માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1979માં બાવા બલવંત યાદગાર ટ્રસ્ટ તરફથી સન્માન; 1994-95માં રઘુવીર ધન્ડ ઍવૉર્ડ અને શિરોમણિ પંજાબી સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યા. 1991-92માં દિલ્હી પંજાબી અકાદમી તરફથી તેમને બાબા ફરીદ સન્માન અને નવી દિલ્હીની પંજાબી સાહિત્ય સભા તરફથી ફેલોશિપ મળ્યાં.
બળદેવભાઈ કનીજિયા