સેહગલ અમરનાથ

February, 2008

સેહગલ, અમરનાથ [. 5 ફેબ્રુઆરી 1922, કૅમ્પ્બેલપુર, જિલ્લો ઍટોક, ભારત (હવે પાકિસ્તાન)] : આધુનિક ભારતીય શિલ્પી.

શાલેય અભ્યાસ પછી લાહોર ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરીને 1941માં તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા. એ જ વર્ષે પિતાનું મૃત્યુ થતાં લાહોર ખાતેની એક ફૅક્ટરીમાં મૅનેજરની નોકરી શરૂ કરી. નાણાકીય સગવડ થતાં એક જ વરસમાં એ નોકરી છોડી બનારસ યુનિવર્સિટી ખાતે ઔદ્યોગિક રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો; પણ આ અભ્યાસમાં રસ નહિ પડવાથી એક જ વરસમાં તે પડતો મૂકી તેઓ લાહોર પાછા આવી ગયા. લાહોરમાં દિવસ દરમિયાન નોકરી શરૂ કરી, ‘મૅયો સ્કૂલ ઑવ્ આર્ટ’માં સાંધ્ય વર્ગોમાં દાખલ થઈ કલાનો અભ્યાસ શરૂ કર્યો અને પછી ‘સાન્યાલ્સ સ્ટુડિયો’ નામે ઓળખાતી લાહોર સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટમાં ભાબેશચંદ્ર સાન્યાલ પાસે કલા-અભ્યાસ કર્યો. 1947માં ભારતના ભાગલા પડતાં દુર્ભાગ્યે, આ અભ્યાસ પણ અધૂરો રહ્યો અને સેહગલ દિલ્હી આવી ગયા. બે વરસ ફુટકળ કામો કરીને દિલ્હીમાં ગુજરાન ચલાવ્યું.

1949માં અમેરિકા જઈ સેહગલે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં કલા-અભ્યાસ કરીને કલાની અનુસ્નાતક-ઉપાધિ પ્રાપ્ત કરી. અહીં તેઓ જાણીતા ચિત્રકારો માર્ક રૉથ્કો, ટોની સ્મિથ, બાર્નેટ ન્યૂમૅન અને જૅક્સન પૉલોકના સંપર્કમાં આવ્યા. 1951માં તેમણે ન્યૂયૉર્ક નગરમાં મૌલિક શિલ્પોનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન કર્યું. ન્યૂયૉર્કમાં ભારતીય નર્તક અને કૉરિયૉગ્રાફર ઉદયશંકરની નૃત્યરચનાઓ જોઈ તેઓ પ્રભાવિત થયા અને એ એમાંની નૃત્યમુદ્રાઓને તેમણે શિલ્પોમાં કંડારી. આ શિલ્પોના ન્યૂયૉર્ક નગરમાંના પ્રદર્શનને ત્યાંના વિવેચકો અને જનતાએ વધાવી લીધું. ત્યાર બાદ આ જ પ્રદર્શન પૅરિસમાં ગોઠવાયું. ત્યાં સેહગલ એક વરસ સુધી રહ્યા. ત્યાંથી ભારત આવીને દિલ્હીની ન્યૂ મૉડર્ન સ્કૂલમાં કલાશિક્ષક તરીકેની કામગીરી આરંભી. 1954માં આ સ્કૂલના પટાંગણમાં તેમનાં શિલ્પોનું પ્રદર્શન થયું. અખબાર ‘ધ સ્ટેટ્સમૅન’ના કલાવિવેચક ચાર્લ્સ ફૅબ્રીએ તેમના આ શિલ્પ-પ્રદર્શનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું. સેહગલે આ શાળામાંથી રાજીનામું આપ્યું. 1955માં તેમણે ભારત સરકાર વતી હરિયાણાના ગુરગાંવ જિલ્લામાં લોકકલા અંગે સર્વેક્ષણ કર્યું. આ કાર્યની સફળતાથી પ્રેરાઈને યુનેસ્કોએ (UNESCO) તેમને સમગ્ર ભારત દેશની લોકકલાઓના અભ્યાસ અને સર્વેક્ષણનું કામ આપ્યું.

1957માં સેહગલના શિલ્પ ‘ઑન્વર્ડ માર્ચ’ને ધ્યાનમાં લઈને કેન્દ્રની રાષ્ટ્રીય લલિત કલા અકાદમીએ તેમને રાષ્ટ્રીય ખિતાબ વડે નવાજ્યા.

બીજે જ વર્ષે 1958માં તેમના શિલ્પ ‘ક્રાઇઝ અન્હર્ડ’ને ધ્યાનમાં લઈને ભારતના રાષ્ટ્રપતિએ ‘ગોલ્ડ પ્લેક’ વડે તેમને સંમાનિત કર્યા. 1957થી 1962ના પાંચ વરસ દરમિયાન સેહગલે દિલ્હીના ‘વિજ્ઞાન ભવન’માં 2000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતું વિશાળ મ્યુરલ ચિત્ર કર્યું, જે દુર્ભાગ્યે, 1979માં નષ્ટ થયું.

1964માં યુગોસ્લાવિયાની સરકારે સેહગલને બેલ્ગ્રેડ ખાતે તેમનાં શિલ્પોના વૈયક્તિક પ્રદર્શન માટે આમંત્ર્યા. બીજે જ વર્ષે 1965માં ફ્રેન્ચ સંસ્કૃતિ-મંત્રી અને પ્રસિદ્ધ કલા-ઇતિહાસકાર આન્દ્રે માલરો(Malraux)એ તેમને ફ્રાંસમાં પૅરિસ ખાતે વૈયક્તિક પ્રદર્શન માટે આમંત્ર્યા. ત્યાર બાદ અબુ ધાબી જિદ્દાહ (મ્યૂનિક), બ્રસેલ્સ, ઘેન્ટ (Ghent), વિયેના અને અમેરિકાનાં કેટલાંક શહેરોમાં તેમનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં.

સેહગલનાં શિલ્પો ઉપર ઘનવાદી, અભિવ્યક્તિવાદી અને પરાવાસ્તવવાદી શૈલીઓમાં કામ કરનાર પશ્ચિમ યુરોપના શિલ્પકારો પિકાસો, આર્પ, જિયાકોમેતી તથા મૅક્સ અર્ન્સ્ટનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. એમણે જળરંગો વડે ચિત્રો પણ આલેખ્યાં છે.

સેહગલનાં શિલ્પો નીચેનાં મ્યુઝિયમોમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે : (1) નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, દિલ્હી; (2) મૂઝી સ્ટાટ, લક્ઝમ્બર્ગ; (3) ટ્વેન્ટીએથ સેન્ચુરી મ્યુઝિયમ, બર્લિન, જર્મની; (4) ડાલેમ મ્યુઝિયમ, બર્લિન, જર્મની; (5) ઍલ્ડ્વીખ ગૅલરી, મેન્હીમ, જર્મની; (6) કનેક્ટિકટ મ્યુઝિયમ, કનેક્ટિકટ, અમેરિકા.

સેહગલે હિંદીમાં કવિતા પણ લખી છે, જે અરબી, જર્મન, ઇંગ્લિશ અને ફ્રેંચ ભાષાઓમાં અનૂદિત થઈને પ્રકાશિત થઈ છે.

અમિતાભ મડિયા