સેવેરિની જિનો (Severini Gino)
February, 2008
સેવેરિની, જિનો (Severini, Gino) (જ. 7 એપ્રિલ 1883; અ. 26 ફેબ્રુઆરી 1966) : ઇટાલિયન ફ્યુચુરિસ્ટિક ચિત્રકાર. આરંભમાં તે ઘનવાદી શૈલીએ કામ કરતા હતા. પૅરિસ નિવાસ દરમિયાન તેમણે ફ્યુચુરિસ્ટિક સિદ્ધાંતો અપનાવીને પૅરિસની રાત્રિઓનું રંગીન જીવન
જિનો સેવેરિનીએ દોરેલું એક ચિત્ર
એવી રીતે આલેખવું શરૂ કર્યું કે તે ચિત્રિત આકૃતિઓ ખરેખર ગતિમાન જણાય. આ માટે તેમણે ઘનવાદી શૈલીના ભૌમિતિક આકારો તેમજ કાપીને ચોંટાડવાની કોલાજ (collage) પ્રક્રિયાનો પોતાનાં ચિત્રોમાં વિનિયોગ કર્યો. 1912થી 1914 સુધી તેમણે પૅરિસની ભૂમિગત રેલવેને આલેખી તેની ધસમસતી ગતિને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે છે : ‘રેડ ક્રૉસ ટ્રેન’ (1914), ‘ડાયનેમિક હાયરોગ્લિફિક ઑવ્ ધ બૅલ ટેબેરિન’ (Dynamic Hireoglyphic of the Bal Tabarin) (1912) અને ‘સ્ફેરિકલ એક્સપૅન્શન ઑવ્ લાઇટ’ (Spherical Expansion of Light).
અમિતાભ મડિયા