સેવા (Self-Employed Womens’ Association – SEWA)
February, 2008
સેવા (Self-Employed Womens’ Association – SEWA) : અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ, સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન, જે મુખ્યત્વે ગાંધીવાદી શૈલીથી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે.
1947માં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય તેવી રાજકીય આઝાદી પ્રાપ્ત કર્યા પછી વર્ષો સુધી દેશની અગણિત ગરીબ મહિલાઓ માટે ખાસ કોઈ કામ થયું નહોતું. આર્થિક સ્વાવલંબન દ્વારા ગરીબી-નાબૂદીને બીજા ક્રમે મૂકી ‘દૂસરી આઝાદી’ મેળવવાની નેમ સાથે ‘સેવા’ સંસ્થા મહિલા સશક્તીકરણના કામમાં ખૂંપેલી છે.
ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતાં આર્થિક સંગઠનો સારા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. અમદાવાદ ખાતેનું ‘મજૂર મહાજન’ આવું એક સંગઠન હતું. મહિલા-મજૂરોની વિટંબણાઓ અને તેની સમસ્યાઓને ‘મજૂર મહાજન’ના ઘટકરૂપે વાચા આપી શકાતી ન હોવાથી મહિલા-મજૂરો માટે વિશેષ સંગઠન જરૂરી હતું. મિલમજૂર સિવાયની સ્વયંરોજગારી કરતી મહિલાઓના પણ અનેક પ્રશ્ર્નો હતા. આ સંદર્ભમાં એક અલગ સંસ્થાએ આકાર લીધો તે ‘સેવા’ હતી.
‘મજૂર મહાજન’ની મહિલા-પાંખનાં વડાં ઇલાબહેન ભટ્ટે અનુભવ્યું કે મહિલા-મજૂરો કે મહિલા-રોજગારોને ભારે અન્યાય થાય છે. તેમનું શોષણ થાય છે, જેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી છે. આથી અન્યાય અને શોષણ-વિરુદ્ધ ‘સ્વાશ્રયી મહિલા સેવા સંઘ’ 12 એપ્રિલ, 1972માં સ્થપાયો. પૂર્ણ રોજગાર અને આર્થિક સ્વાવલંબનની ‘દૂસરી આઝાદી’ ‘સેવા’નું લક્ષ્યાંક બની. જુલાઈ, 2006 સુધીમાં 7,96,000 બહેનોની સભ્યસંખ્યા ધરાવતી અને ગુજરાત તેમજ ભારતનાં બીજાં સાત રાજ્યોમાં પ્રસરેલી આ સંસ્થા વિશાળ વટવૃક્ષ બની છે. ‘સેવા’ની ભારે નામનાને કારણે તે અફઘાનિસ્તાન અને આફ્રિકાના દેશોમાં પણ વિશેષ શાખાઓ ધરાવે છે. જાહેર પણ નહિ અને ખાનગી પણ નહિ એવા ‘લોકસંગઠન’ માટે ‘સેવા’ કામ કરે છે. ગરીબ, મજૂર, બીડી-કામદાર વગેરેની તેમજ ભરતકામ, મોચીકામ, વણાટકામ જેવા અન્ય વ્યવસાયોમાં રોકાયેલી મહિલા-શ્રમજીવીઓના પ્રશ્ર્નો હાથ ધરી તેમને રચનાત્મક માર્ગે આગળ વધવાની હિંમત પૂરી પાડી તેમની અનન્ય ઓળખ ઊભી કરવામાં ‘સેવા’નું મહત્વનું પ્રદાન છે.
પ્રારંભે મજૂર મહાજનના મહિલા-વિભાગ સમક્ષ વિવિધ પ્રશ્ર્નો આવ્યા. તેમાં જણાયું કે મહિલાઓની કામ કરવાની સ્થિતિ દારુણ હતી તેમજ ભારે દુર્દશા અને અપમાનિત સ્થિતિમાં કામનો બોજ વેંઢારી આ મહિલાઓ જીવવાની મથામણ કરતી હતી. આ સંદર્ભમાં બે બાબતો સ્પષ્ટ હતી : એક તો સ્વાશ્રયથી આર્થિક ઉપાર્જન દ્વારા તેઓ સૌ ગરીબીના વિષચક્રને તોડવા પ્રયત્નશીલ હતાં. બીજું તેમનું કોઈ જ સંગઠન ન હોવાથી તેમનું ભારે શોષણ થતું હતું અને તેમની સમસ્યાઓને વાચા આપી જરૂરી ઉકેલ શોધી શકાતા નહોતા.
આ પાયાના પ્રશ્ર્નોને પરિણામે અમદાવાદના દિલ્હી દરવાજા પાસેના ત્રણખૂણિયા બગીચામાં સ્વાશ્રયી મહિલાઓની સૌપ્રથમ સભા મળી અને યુનિયન/સંગઠન સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો જેનો પાંચ રૂપિયા જેવા નજેવા લવાજમથી 1969માં પ્રારંભ થયો. કશાય આગોતરા નકશા વિના, નરી આંતરિક સમજથી પગલાં મંડાયાં અને ઠીક ઠીક સંઘર્ષને અંતે વિશ્વનું એક અનોખું સંગઠન 12 એપ્રિલ, 1972ના રોજ સરકારી ચોપડે નોંધાયું – ‘સેવા’. તે દિવસે દુનિયાની મજૂર-આલમમાં ‘કામદાર મંડળ’ અને ‘કામદાર’ની વ્યાખ્યાને મૂળભૂત પડકાર ફેંકાયો હતો; પરંતુ લાંબી મજલની આ તો માત્ર શરૂઆત હતી. ઘરઆંગણે કામદાર-સંગઠન તરીકેની માન્યતાના પ્રશ્ર્નો ચાલતા રહ્યા. એ દરમિયાન 1988માં ઇન્ટરનૅશનલ કોન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયનની વિશ્વપરિષદ ઑસ્ટ્રેલિયાના મેલબૉર્ન ખાતે મળેલી; જેમાં ‘સેવા’ના મહિલા-કામદારો જેવા અસંગઠિત વર્ગના કામદારોના પ્રશ્ર્નો ચર્ચાયા અને ઘરખાતા(ઘરે રહી સ્વ-ઉપાર્જન દ્વારા કામ કરતી મહિલાઓને આ શબ્દપ્રયોગ દ્વારા વિશેષ ઓળખ સાંપડી)ના કામદાર તરીકે મહિલાઓને માન્યતા સાંપડી. આ તબક્કે જ ‘સેવા’ને માલૂમ થયું કે આંતરરાષ્ટ્રીય મજૂર-સંસ્થા(ILO)માં ઘરખાતાના કામદારો તરીકેનો કાયદો (ક્ન્વેન્શન) પસાર થાય તો જ દુનિયાના તમામ દેશોની સરકારોને આ અંગેનો કાયદો ઘડવાની ફરજ પડે. વિવિધ દેશોની સરકારો આ માટે ખાસ ઉત્સાહી ન હતી; આમ છતાં 20 જૂન, 1996ના રોજ 177 નંબર ધરાવતી એક કલમ ત્યાં મંજૂરી પામી. તે અનુસાર 1996થી વિશ્વભરના 29 કરોડ ઘરખાતાના કામદારોના કામને કાયદેસરનું રક્ષણ આપવાની જે તે સરકારોને ફરજ પડી. ‘સેવા’ની આ ભારે મોટી હરણફાળ હતી. આથી અમદાવાદની સ્વાશ્રયી મહિલાઓ અને તેના થકી વિશ્વભરના સ્વાશ્રયી કામદારો કાયદેસરની માન્યતા પામ્યા. ‘સેવા’ને વિજયત્રયીની સિદ્ધિ સાંપડી : (1) સૌપ્રથમ વાર આ પ્રકારના અસંગઠિત વર્ગના અત્યંત નિર્બળ ગણાતા શ્રમિકો માટે આંતરરાષ્ટ્રીય નિયમ ઘડાયો. (2) સૌપ્રથમ વાર આંતરરાષ્ટ્રીય મજૂર-સંસ્થાના ક્ધવેન્શનનો બહુમતી ગરીબ દેશોના કામદારોને લાભ મળ્યો, અને (3) સૌપ્રથમ વાર માત્ર મહિલા-કામદારો એટલે કે ‘સેવા’ની સભ્ય બહેનો દ્વારા આ આંદોલનનો પ્રારંભ થયો હતો અને તેમણે જ તેનું નેતૃત્વ કર્યું હતું. 1982થી ‘સેવા’ના મુખપત્ર ‘અનસૂયા’ પાક્ષિકનો પ્રારંભ થયો, જેના થકી સભ્યો વચ્ચે વિચારોનું સરળ અને મુક્ત આદાન-પ્રદાન થતું રહે છે. ‘અનસૂયા’ની ઉપપેદાશ જેવા ‘આકાશગંગા’ માસિક દ્વારા બાલિકાઓને આનંદ-મનોરંજનની સાથે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માન્યતા પછી લડતનો બીજો અધ્યાય શરૂ થયો. પ્રત્યેક દેશે ઘરઆંગણે આ માટેના કાયદા ઘડવાનો સમય પાક્યો. ભારતમાં ઘરખાતા કામદાર રોજગાર અધિકારનો ખરડો 1988માં ખાનગી સભ્યના ખરડા તરીકે ઇલાબહેન ભટ્ટ દ્વારા રાજ્યસભામાં રજૂઆત પામ્યો.
સ્વાશ્રયી અને અનુભવે ઘડાયેલી આ બહેનો પાસે જ્ઞાન, માહિતી અને શાણપણનો અખૂટ ભંડાર છે તેવી પાયાની માન્યતાથી પ્રેરાઈને ‘સેવા અકાદમી’ની 1990માં સ્થાપના કરવામાં આવી. અનુભવ અને નિષ્ઠાની મૂડી સાથે તેમાં સર્વોચ્ચતા આપવામાં આવી ‘સેવા’ આંદોલનના સૈનિકો(‘કાડર’)ને તૈયાર કરવાની બાબતને. અકાદમીનો હેતુ સ્થાનિક બહેનો સામર્થ્ય કેળવી પોતે રચેલાં મહિલા-સંગઠનોનું સારી રીતે સંચાલન કરી, સ્વતંત્ર નિર્ણયશક્તિથી આગળ વધે અને દેશના મુખ્ય પ્રવાહમાં ભળે તે છે. ટૂંકમાં, ‘સેવા’ આંદોલનનું નેતૃત્વ આ બહેનો થકી કાર્યક્ષમતાપૂર્વક ચાલ્યાં જ કરે અને રુકાવટ ન ઊભી થાય તેવો ઇરાદો છે. અકાદમીની તાલીમ દ્વારા બહેનોને નિરક્ષરતામાંથી બહાર લાવી, છેલ્લી પંક્તિમાંથી બેઠાં કરી અગ્રિમ સ્થાને લાવવાનો પ્રયાસ છે. આ માટે સાક્ષરતા ઊભી કરવાની બાબતને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. એ માટે ‘ત્રણ દિવસની શાળા’ની તાલીમ આપી તેમને ખપજોગું જ્ઞાન આપવામાં આવે છે.
‘સેવા અકાદમી’ની પ્રવૃત્તિમાંથી સેવા બૅંકની દિશા ખૂલી. શ્રમિક, સ્વયં ધંધો કરતી, માથોડા મજૂરી કરતી, ઘરે સિલાઈકામ કરતી, પાપડ કે નાસ્તા બનાવી તે વેચતી – આ તમામ બહેનો રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બૅંકોની પરિભાષામાં પીઠબળ વિનાની (unbackable) હતી; પણ તેમની પડખે હતી ‘સેવા’; જેણે આ બહેનોને પીઠબળવાળી (backable) માની, ગણી અને સ્વીકારી. આ બહેનો માટે નાની-શી શરૂઆત તરીકે ‘સેવા બૅંક’ રચાઈ. સ્વાશ્રયી મહિલાઓને નાની નાની રકમ ઉધાર આપી તેમને પગભર કરવામાં આવી. નાનકડી શરૂઆત રૂપે આરંભાયેલી આ બૅંક ઑડિટમાં ‘એ’ ગ્રેડ મેળવી રિઝર્વ બૅંકનાં ધોરણો મુજબની ‘સ્થિર અને સધ્ધર બૅંક’ બની છે. નફાની વહેંચણીમાં 15 ટકા ડિવિડન્ડ આપે છે. ખેતમજૂર અને અર્ધભૂખમરામાં જીવતી બહેનો નાનું ધિરાણ લે, પાછું વાળે, ફરી ધિરાણ લે અને એમ કરતાં કરતાં બે પાંદડે થઈ, હાશ અનુભવી સ્વમાનભેર ખુમારીપૂર્વક ‘દૂસરી આઝાદી’નાં ફળ લણી રહી છે. ‘દૂસરી આઝાદી’નાં બે નક્કર ધ્યેય – પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન – પ્રાપ્ત કરી આ બહેનો ગજબની સ્વાયત્તતા અને આઝાદીનો અનુભવ કરી અન્યને માર્ગ ચીંધે છે. માર્ગમાં આવતા નાનામોટા અવરોધોને પારખે છે અને સમજપૂર્વક પાર કરે છે. યુનોની હેબિટાટ કૉન્ફરન્સમાં સેવા બક્ધો હાઉસિંગનું પ્રથમ ઇનામ મળે એવી ગૌરવભરી ઘણી ઘટનાઓ સેવા બૅંકે સર્જી છે. સૌપ્રથમ વાર સેવા બૅંકે ગરીબ અને શ્રમજીવી બહેનો માટે પેન્શન-યોજના શરૂ કરી છે, જેમાં 2005ના અંત સુધીમાં 28,000 બહેનો જોડાઈ હતી. વધુમાં બૅંકે વીમા-સેવા ચાલુ કરી છે, જેમાં 2006માં 1,16,386 બહેનો; 50,334 પુરુષો અને 30,046 બાળકો જોડાયાં હતાં.
ગરીબ, સ્વાશ્રયી બહેનોને આર્થિક તાકાત સાંપડે એટલે મહિલા સશક્તીકરણની સીડી ચઢાય. આ ક્ષેત્રે સેવા અકાદમી અને સેવા બૅન્ક ઉઘાડપગી સંચાલક બહેનો દ્વારા કામમાં પ્રવૃત્ત છે. ગ્રામીણ વિસ્તારોમાં પહોંચીને સેવા બૅંક તેમને નાણાકીય સેવા પૂરી પાડી આમદાની અને બચતની પદ્ધતિઓ શીખવે છે. નાની નાની બચતો એકત્ર કરવાનું માળખું રચી તેમને ઘરઆંગણે સગવડ પૂરી પાડે છે. આમાંથી મળેલા અનુભવોમાંથી 1994માં ગુજરાત રાજ્ય મહિલા સેવા સહકારી સંઘની પ્રવૃત્તિઓ વિકસી. બૅંકની સફળતા અને આનુષંગિક પ્રશ્ર્નો ઉકેલવાની મથામણમાંથી 2005 સુધીમાં 190 મંડળી ‘સેવા’ સાથે જોડાઈ છે. ધીમે ધીમે દૂધમંડળી, વણાટમંડળી, સૌંદર્યસફાઈમંડળી, વીડિયોમંડળી, બાલસેવામંડળી, દાયણમંડળી, આરોગ્યમંડળી જેવી અનેક શાખાઓમાં સેવા વિસ્તરી છે. એથી સ્વાશ્રયી મહિલાઓનું શોષણ અટક્યું છે અને તેમના જીવનમાં સુખનો સૂરજ ઊગ્યો છે. સમર્થ કેળવણીકાર સ્વ. મનુભાઈ પંચોળીએ આ સંદર્ભમાં કહ્યું કે ‘‘ઇલાબહેને હોલા જેવી બહેનોને બાજ જેવી બનાવી છે’’. આ મહિલાઓ વિવિધ મંડળીઓ દ્વારા આર્થિક રીતે પગભર બનીને ગજબનાક આત્મવિશ્વાસ અને ખુમારીથી નવાં ચઢાણ ચઢી રહી છે.
‘સેવા’એ ‘કાર્મિકા’ શાળા ઊભી કરી છે, જેમાં બહેનોને કડિયા-મજૂરીની તાલીમ આપવામાં આવે છે. એથી શ્રમજીવી મહિલાઓના વિકાસ માટે વધુ એક નવું દ્વાર ખૂલ્યું છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (CIDC), દિલ્હી અને ઇન્દિરા ગાંધી નૅશનલ ઑપન યુનિવર્સિટી જેવી સંસ્થાઓની પરીક્ષા પૂર્ણ કરી સર્ટિફિકેટ મેળવી તેઓ હવે તાલીમ પામેલા કામદાર તરીકે બાંધકામના વ્યવસાયમાં સારી રીતે કામ કરી શકે છે તેમજ સ્વતંત્ર રીતે નાનાં કામો હાથ ધરી શકે છે. એ સાથે પ્લમ્બર-કામ, સાઇકલ-રોજગારી જેવાં ક્ષેત્રોમાં તેઓ યોગદાન કરી રહ્યાં છે.
‘સેવા’એ ડિસેમ્બર, 2006માં પંજાબ સરકારના મોહાલી ખાતેના 700 કરોડના ફૅશન ટૅક્નૉલૉજી પાર્ક સાથે જોડાણ કરીને ફૅશન અને ડિઝાઇનનું રિસૉર્સ કેંદ્ર ઊભું કરવાનો કરાર કર્યો છે. સેવા વતી વિલૂ મિર્ઝા આ પ્રૉજેક્ટનું નેતૃત્વ કરશે. એથી ગ્રામીણ ગુજરાતના 25,000 હાથકળાના કારીગરો વાંશિક અને પરંપરાગત શૈલીની ડિઝાઇનો દેશ-વિદેશોનાં બજારોમાં મૂકી સ્વાશ્રયના પ્રયાસોને નવાં પરિમાણ પૂરાં પાડશે.
‘સેવા’ મહિલાઓની અંદર રહેલાં કૌવત અને ખુમારીને સતેજ બનાવી તેમને ગૌરવનો રાહ ચીંધે છે. સેવાના મહિલા-સભ્યોમાંના થોડાક સભ્યો અને સંલગ્ન મંડળીઓએ ઉન્નત ભાગીદારી દ્વારા પ્રથમ ક્રમાંકે સારા પ્રમાણમાં ઍવૉર્ડ અને માનચાંદ મેળવ્યાં છે. ગુજરાત ઉપરાંત અન્ય સાત રાજ્યોમાં ‘સેવા’ સંસ્થા પ્રસરી છે. પાંચ વર્ષના અથાગ પ્રયાસોને અંતે ‘સેવા’ દ્વારા 22 મે, 2006માં વૉશિંગ્ટનમાં દુનિયાભરના કારીગરોનું વેચાણ-કેંદ્ર ‘પેન્જિયા’(વિશાળ જગત)નું ઉદઘાટન થયું. ‘પેન્જિયા’માં અન્ય કારીગરોનાં ઉત્પાદનો સાથે કચ્છક્રાફ્ટ અને બનાસક્રાફ્ટના કારીગરોનાં ઉત્પાદનો વેચાય છે. દૂર-સુદૂર એક ખૂણે કામ કરતા કારીગરના કસબને વિશ્વબજાર સાંપડે છે તેમાં નિ:શંક રીતે ‘સેવા’ની નિષ્ઠા ધરબાયેલી છે. નવેમ્બર, 2006માં ‘સેવા’ કાબુલની મુલાકાતે ગયું. ‘બાગે ઝનાના’માં એક રિસૉર્સ સેન્ટર વિકસાવવાનું આયોજન કરી તે ત્યાંની મુસ્લિમ મહિલાઓને સ્વયં શક્તિશાળી બનાવવા કમર કસી રહ્યું છે. બીજી બાજુ જરૂરી સંસાધનો ઊભાં કરી તેના સભ્યોનાં ઉત્પાદનોને બજારલક્ષી દિશામાં વાળવા ‘સેવા’ ઉત્સુક છે. આમ ‘સેવા’ મહિલા સ્વાવલંબન અને આર્થિક આઝાદીનું આંદોલન બની ચૂક્યું છે. શાંતિ, નિષ્ઠા અને ગંભીરતા સાથે તે ધીમાં પણ નક્કર પગલાં દ્વારા ગરીબોના આવાસોમાં સંતોષનો ઉજાસ પાથરી રહ્યું છે.
રક્ષા મ. વ્યાસ