સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
February, 2008
સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : કુદરતમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતો કાર્બનિક પદાર્થ. તે ગ્લુકોઝ એકમોનો બનેલો હોઈ તેના એક અણુમાં 2000થી 15,000 જેટલા ગ્લુકોઝના એકમો હોય છે. તેનો અણુભાર 2 લાખથી 24 લાખ ડાલ્ટન જેટલો હોય છે.
સામાન્ય રીતે સેલ્યુલોઝ પર સૂક્ષ્મજીવો કે ઉત્સેચકોની અસર થતી નથી; તેમ છતાં એવા સૂક્ષ્મજીવો અને ઉત્સેચકો પણ છે જેઓ સેલ્યુલોઝનું સાદા પદાર્થોમાં વિઘટન કરી શકે છે. આવા સૂક્ષ્મજીવોના ઊંડા અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું છે કે તેઓ વિવિધ તાપમાને વિઘટન કરી શકે છે અને તેમની અસરકારકતા ઠારબિંદુથી માંડીને 60°થી પણ ઊંચા તાપમાન સુધીની હોય છે. આવા સૂક્ષ્મજીવો પૈકી જારક પ્રકારના હવાની હાજરીમાં અને અજારક પ્રકારના હવાની ગેરહાજરીમાં અથવા ખૂબ ઓછા ઑક્સિજનની હાજરીમાં વિઘટન કરે છે. એક કરતાં વધારે જીવાણુઓ એક સાથે હોય ત્યારે સેલ્યુલોઝનું વિઘટન ઝડપથી થાય છે.
સેલ્યુલોઝ વિઘટન કરતા સૂક્ષ્મજીવોમાં બાહ્યકોષીય ઉત્સેચક હોય છે, જેને સેલ્યુલેઝ કહેવામાં આવે છે. આ ઉત્સેચક સેલ્યુલોઝનું ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહૉલ અને કાર્બનિક ઍસિડ જેવા કે બ્યુટિક ઍસિડ, લૅક્ટિક ઍસિડ, એસેટિક ઍસિડ, ફૉર્મિક ઍસિડ, સક્સિનિક ઍસિડ વગેરેમાં રૂપાંતર કરે છે.
સેલ્યુલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવો ખાતરવાળી જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જમીનના pH મૂલ્યમાં થતા ફેરફાર મુજબ સૂક્ષ્મજીવોમાં ફેરફાર જોવા મળે છે.
સેલ્યુલોઝનું વિઘટન કરતા સૂક્ષ્મજીવોની યાદી :
(1) | સાયટોફેગા (cytophaga) | ||
(2) | સ્પોરોસાયટોફેગા (sporocytophaga) | ||
(3) | સેલ્યુલોમોનાસ (cellulomonas) | ||
(4) | માયક્ઝોબૅક્ટેરિયા – એન્જિયોકોકસ (angiococcus) | ||
(5) | એક્ટિનોમાયસિટ્સ – સ્ટ્રેપ્ટોમાયસીસ (streptomyces) | ||
માઇક્રોમૉનોસ્પોરા (micromonospora) | |||
સ્ટ્રેપ્ટોસ્પોરેન્જિયમ (streptosporangium) | |||
(6) | ક્લોસ્ટ્રિડિયમ થરમૉસેલમ (Clostridium thermocelum) | ||
આ જીવાણુઓ ઉષ્મા-સહિષ્ણુતા દર્શાવે છે અને 55°થી 65° તાપમાને સંવર્ધન પામે છે. | |||
(7) | સુડોમોનાસ (pseudomonas) | ||
(8) | વિબ્રિયો (vibrio) ક્યારેક વિઘટન પામે છે. | ક્યારેક વિઘટન પામે છે. | |
(9) | બેસિલસ (bacillus) | ||
ફૂગ | મેર્યુલિયસ (Merulius) | ||
ફોમ્સ (Fomes) | |||
ઍસ્પરજિલસ (Aspergillus) | |||
ચીટોમિયમ (Chaetomium) | |||
કર્વ્યુલેરિયા (Curvularia) | |||
ફ્યુઝેરિયમ (Fusarium) |
નીલા ઉપાધ્યાય