સેલિસિલેટ : વિવિધ પ્રકારના ચામડીના વિકારો તથા દુખાવો ઘટાડતાં સંયોજનોનું જૂથ. સેલિસિલિક ઍસિડ (જુઓ આકૃતિ) ‘સેલિક્સ’ નામના વૃક્ષની છાલમાંથી મેળવાય છે. તેના પરથી તેનું નામ પડ્યું છે. તે એક રંગવિહીન, સ્ફટિકી સેન્દ્રિય અમ્લ (acid) છે અને વૃક્ષોમાં અંત:સ્રાવ(hormone)નું કામ કરે છે. તે ‘ઍસ્પિરિન’ના સક્રિય ઉપ-ઘટક (component) જેવું બંધારણ ધરાવે છે. હિપૉક્રેટસે સૌપ્રથમ તેનો પીડાનાશક ગુણધર્મ નોંધ્યો હતો. સોડિયમ સેલિસિલેટ, કોલિન સેલિસિલેટ અને એસિટાઇલ એસેટિક ઍસિડ (ઍસ્પિરિન) તેનાં મુખ્ય 3 સંયોજનો છે, જેમનો ઔષધીય ઉપયોગ થાય છે.
સોડિયમ ફિનૉક્સાઇડ અને કાર્બનડાયૉક્સાઇડને ઊંચા તાપમાન અને દબાણે કોલ્બે-શ્મિટ પ્રતિક્રિયા દ્વારા સંયોજિત કરીને તથા તેને અમ્લીકૃત (acidified) કરીને સેલિસિલિક ઍસિડ મેળવાય છે. તેના સોડિયમવાળા ક્ષારને સોડિયમ સેલિસિલેટ કહે છે. તેને 2-હાડ્રૉક્સિ-બેન્ઝોઇક ઍસિડ (બીટા હાઇડ્રૉક્સિ ઍસિડનો એક પ્રકાર) પણ કહે છે. તે અથવા સેલિસિલિક ઍસિડ, ખીલ, કંડુરિકા (psoriasis), ત્વકમસા (warts), ત્વક્-કાઠિન્ય (callus) અથવા કઠણ થઈ ગયેલી ચામડીનો ભાગ, કણી (corn), કિરેટોસિસ પિલારિસ વગેરે વિવિધ ચામડીના વિકારો કે રોગોમાં વપરાય છે. ખોડો ઘટાડવા માટે તે શેમ્પૂમાં પણ વપરાય છે. તેની અલ્પ માત્રા અન્નપરિરક્ષણ અને દંતમંજન માટે પણ વપરાય છે.
ઍસ્પિરિન(જુઓ આકૃતિ)ને એસિટાયલ સેલિસિલિક ઍસિડ પણ કહે છે. ઍસ્પિરિનની જર્મન કંપની વાપરતી અને વેચાણ માટેની ઔષધીય બનાવટ છે. તે તાવ, દુખાવો તથા પીડાકારક સોજો (શોથ, inflammation) ઘટાડે છે. તે લોહીમાંના ગંઠનકોષો(platelets)ને એકત્ર થતા અટકાવીને લોહીની નસની અંદર ગંઠાઈ જવાની સંભાવનાને ઘટાડે છે, તેથી તે હૃદયરોગનો હુમલો કે લકવો થતો અટકાવવામાં વપરાય છે. તેનું કૅન્સર થતું અટકાવવાની ક્ષમતા પ્રયોગાધીન છે.
થોડી માત્રામાં પરંતુ લાંબા સમય માટે અપાતું ઍસ્પિરિન ગંઠનકોષોમાંના થ્રૉમ્બોક્સેન-એ નામના દ્રવ્યને કાયમી અને અનિવર્તનીય (irreversible) રીતે કાર્ય કરતાં રોકે છે. તેને કારણે ગંઠનકોષો એકબીજા સાથે ભેગા થઈને લોહીનો ગઠ્ઠો બનાવી શકતા નથી.
તેની આડઅસરોમાં જઠરમાં ચાંદું પડવું અને લોહી વહેવું તથા વારે ઘડીએ સંડાસ જવાની હાજત થઈ આવવી (tinitus) જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક દર્દીઓમાં સેલિસિલેટો તરફ દુ:સંવેદિતા (sensitivity) ઉદભવેલી હોય છે. તેમને ખૂજલી, ચામડી પર સ્ફોટ, પેટમાં દુખાવો, શ્વાસ ચડવો કે દમનો હુમલો થવો, માથું દુખવું, હાથ-પગ કે ચહેરા પર સોજા આવવા, આંખ કે હોઠની આસપાસ સૂજી જવું, મોંમાં ચાંદું પડવું, સતત ખાંસી થવી, ચામડીમાં ડાઘા પડવા, થાક લાગવો, ખૂજલી સાથે આંખ આવવી, નાકમાં મસા, પાતળા ઝાડા, ઊબકા, સ્મૃતિ ઘટવી, ખિન્નતા તથા તીવ્ર અતિ-પ્રતિગ્રાહ્યતા (anaphylaxis) થવી વગેરે વિવિધ તકલીફો થઈ આવે છે. ઍસ્પિરિનનો લાંબા ગાળાનો ઉપયોગ મૂત્રપિંડમાં વિકાર સર્જે છે.
16 વર્ષથી નાનાં બાળકોમાં ‘રાય’(Reye)નું સંલક્ષણ સર્જે છે. રાયનું સંલક્ષણ મગજ અને યકૃતસહિત અનેક અવયવો પર નુકસાનકારક અસર ઉપજાવીને જીવલેણ રોગ બને છે. ફ્લૂ કે અછબડાના રોગવાળા બાળદર્દીઓને ઍસ્પિરિન કે અન્ય સેલિસિલેટસ આપવાથી તે થાય છે તેવું મનાય છે. જોકે ઍસ્પિરિન અને રાયના સંલક્ષણ વચ્ચે કારણ-પરિણામ જેવો સંબંધ પ્રસ્થાપિત તેમજ સાબિત થયેલો નથી. ઍસ્પિરિન દ્વારા કોષમાંનાં કણાભસૂત્રો-(mitochondria)ને નુકસાન થવાથી તે થાય છે તેવું મનાય છે. રાયના સંલક્ષણને 5 તબક્કામાં વહેંચવામાં આવે છે (સારણી). વહેલું નિદાન જરૂરી છે, જેથી મગજને થતું નુકસાન અને મૃત્યુ અટકાવી શકાય. તેને વિષાણુજ મસ્તિષ્કશોથ (viral hepatitis), કોઈ દવાની ઝેરી અસર, માથાને ઈજા, અન્ય કારણસર યકૃતની નિષ્ફળતા, મૂત્રપિંડની નિષ્ફળતા તથા તાનિકાશોથ(meningitis)થી અલગ પાડીને નિદાન કરાય છે. તેની સારવાર સહાયદાયી (supportive) અને લક્ષણલક્ષી (symptomatic) હોય છે. હાલ તેનાથી થતા મૃત્યુનો દર 20 %થી 30 % જેટલો રહે છે.
સારણી : ‘રાય’ના સંલક્ષણના તબક્કા
તબક્કો | લક્ષણો અને ચિહનો |
I | સતત અને ભારે ઊલટીઓ, જે કશું ખાવાથી ઘટે નહિ, અતિશય થાક તથા માનસિક ગૂંચવણ (confusion). |
II | મગજને થયેલા નુકસાનને કારણે ઘેન (stupor), અતિશ્વસન (શ્વાસ ઝડપથી ચાલવો, hyperventilation), યકૃતમાં મેદ જમા થવો (યકૃતમેદત્વ, liver steatosis), અતિપ્રતિક્રિયક ચેતાપરાવર્તી ક્રિયાઓ (hyperreactive reflexes). |
III | બેભાનાવસ્થા, મગજ પર સોજો, ક્યારેક શ્વસન-સ્તંભન (respiratory arrest). |
IV | ગાઢ બેભાનાવસ્થા, પહોળી થતી કીકી (કનિનિકા, pupil), જે પ્રકાશથી નહિવત્ સંકોચાય, યકૃતની થોડી દુષ્ક્રિયાશીલતા (liver dysfunction). |
V | ઝડપથી વધતી ગાઢ બેભાનાવસ્થા, આંચકી (seizure), શ્વસન-નિષ્ફળતા, સ્નાયુનું ઢીલા પડી જવું (flaccidity), લોહીમાં એમૉનિયાનું વધવું, મૃત્યુ સમીપની સ્થિતિ. |
ઉપયોગનિષેધ (contraindications) : આઇબુપ્રૉફેન જેવી અન્ય નૉન-સ્ટીરૉઇડ ઍન્ટિઇન્ફેલમેટરી ડ્રગ્સ(NSAIDs)ની ઍલર્જી હોય, તેનાથી દમનો હુમલો થઈ આવતો હોય કે શ્વાસ ચડે, 16 વર્ષથી નાની વય હોય, જઠરમાં ચાંદું હોય, મૂત્રપિંડની બીમારી હોય, ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય વધેલું હોય કે હિમોફિલિયા નામનો લોહી વહેવાનો રોગ થયેલો હોય તો એસિટાયલ સેલિસિલિક ઍસિડ લેવાથી જોખમ ઉદ્ભવે છે.
ઔષધીય આંતરક્રિયા : ઍસ્પિરિનને મધુપ્રમેહનું નિયંત્રણ કરતી મુખમાર્ગી દવાઓ કે પ્રતિગંઠનકારક (anticoagulant) દવાઓ સાથે આપવામાં આવે તો તે તેમની ક્રિયાશીલતા વધારે છે અને તેથી અનુક્રમે લોહીમાં ગ્લુકોઝ ઘટે કે લોહી વહેવાનો વિકાર થઈ આવે છે.
ઍસ્પિરિનની ઔષધીય અતિમાત્રાની સારવાર : જઠરમાંના વધારાના ઍસ્પિરિનને દૂર કરવા સક્રિયકૃત કોલસો (activated charcoal) વપરાય છે. તેના વડે જઠરશોધન (stomach wash) કરાય છે. ઍસ્પિરિનનું કોઈ ચોક્કસ વિષતાહર (antidote) નથી. તેથી તેની ઝેરી અસરની સારવાર લક્ષણો અને ચિહનો પ્રમાણેની તથા જીવનને રક્ષક અને સહાયક પ્રકારની હોય છે.
હર્ષા પંચાલ