સેલિબિસ : ટાપુઓ : ઇન્ડોનેશિયાના ચાર બૃહદ સુન્દા ટાપુઓ પૈકીનો એક. તે ‘સુલાવેસી’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 121° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,27,654 ચોકિમી. (નજીકના ટાપુઓ સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની કિનારાની લંબાઈ 5478 કિમી. જેટલી છે. તે ચાર દ્વીપકલ્પીય વિભાગોમાં વહેંચાયેલો હોઈ તેનો આકાર ફાંટાઓ રૂપે વિભાજિત બની રહેલો છે. આ ચાર દ્વીપકલ્પો વચ્ચે ત્રણ અખાતો આવેલા છે. ઈશાનમાં આવેલો તોમિનીનો અખાત મોટો છે, જ્યારે પૂર્વ તરફનો તોલો અને દક્ષિણ તરફનો બોન અખાત પ્રમાણમાં નાના છે.

સેલિબિસ

ભૂપૃષ્ઠ : સેલિબિસ ટાપુનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી છે, તેમાં સક્રિય જ્વાળામુખીઓ પણ છે; પરંતુ દક્ષિણ દ્વીપકલ્પ પર મોટાં મેદાનો છે. ટાપુના દક્ષિણ-મધ્યભાગમાંનાં મેદાનો પર ડાંગરની ખેતી થાય છે. ‘મારીઓ’ નામથી ઓળખાતું રેન્ટેકૉમ્બોલા પર્વત-શિખર ટાપુનું સૌથી ઊંચું (3455 મીટર) સ્થળ છે. તોવુતી, પોસો અને મતાના અહીંનાં મુખ્ય સરોવરો છે. આ સરોવરો ઊંડાં છે, મતાના સરોવરની ઊંડાઈ આશરે 581 મીટર જેટલી છે.

ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં, સેલિબિસ ટાપુ એશિયા અને ઑસ્ટ્રેલિયા ખંડોની બે ખંડીય છાજલીઓ વચ્ચે આવેલો છે. બે છાજલીઓ વચ્ચેનો આ પહોળો ભાગ જટિલ આગ્નેય ખડકોથી બનેલો છે. તેના અગ્નિકોણમાં 6.5 કરોડ વર્ષ કે તેથી થોડી વધુ વય ધરાવતો જ્વાળામુખી કંકરખડક(ટફ)નો પહોળો પટ પથરાયેલો છે, બે બાજુની ધારો પ્રવાળયુક્ત ચૂનાખડકથી બનેલી છે. સેલિબિસ ટાપુની દક્ષિણ ડુંગરધારનો મધ્ય અક્ષ શિસ્ટ અને ક્વાટર્ઝાઇટ ખડકોવાળો છે, જ્યારે જ્વાળામુખીજન્ય મિનાહાસા વિસ્તાર ટાપુના અન્ય કોઈ પણ ભાગ કરતાં રચનાત્મક દૃષ્ટિએ અલગ પડી જાય છે.

આબોહવા : સેલિબિસ ટાપુ વિષુવવૃત્તની તદ્દન નજીક આવેલો હોવાથી તેની આબોહવા ગરમ ભેજવાળી રહે છે. દરિયાઈ પવનો લગભગ બારે માસ ફૂંકાતા રહે છે. નૈર્ઋત્ય તરફના મધ્ય વિભાગમાં રેન્ટેપાઓ ખાતે સરેરાશ વાર્ષિક વરસાદ 4000 મિમી. તથા પશ્ચિમ કાંઠા નજીકની ફાટખીણના પાલુ ખાતે માત્ર 525 મિમી. જેટલો વરસાદ પડે છે.

પ્રાણીજીવન-વનસ્પતિજીવન : સામાન્ય રીતે અહીંનાં પ્રાણીઓ ઑસ્ટ્રેલિયા કરતાં એશિયાઈ જાતિઓને વધુ મળતાં આવે છે. અહીંની વિશિષ્ટ જાતિઓમાં ડુક્કર, કાળી શિખાવાળું બબૂન અને ઠીંગણી ભેંસનો સમાવેશ થાય છે. વળી સેલિબિસની અને બૉર્નિયોની સ્વચ્છ જળની માછલીમાં પણ સ્પષ્ટ તફાવત જોવા મળે છે.

સેલિબિસનો ઘણોખરો ભાગ હજી પણ ગીચ જંગલોથી આચ્છાદિત છે. તેના વનસ્પતિ-પ્રકારોનું સામ્ય ફિલિપાઇન્સને મળતું આવે છે, પરંતુ પશ્ચિમ તરફ તે એશિયાઈ, જ્યારે પૂર્વ તરફ તે ઑસ્ટ્રેલિયન સામ્ય ધરાવે છે.

પેદાશો : સેલિબિસના દક્ષિણ ભાગમાં ડાંગર, મકાઈ, કસાવા, સૂરણ અને વાલની ખેતી થાય છે. થોડા પ્રમાણમાં તમાકુ અને કાંઠાના ભાગોમાં મીઠાનું ઉત્પાદન લેવાય છે. તેમ્પે અને સિદેનરેંગ સરોવરોની આજુબાજુના કાંપના મેદાની વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે. પારેપરની પૂર્વમાં સુંગેઈ નદી પર જળવિદ્યુત મથક આવેલું છે. ટાપુના ઈશાન ભાગમાંથી કોપરાં, જંગલની પેદાશો તથા થોડા પ્રમાણમાં ગંધક મેળવાય છે. અહીં મત્સ્યપ્રવૃત્તિનો પણ વિકાસ થયો છે.

વસ્તી-લોકો : 2000 મુજબ સેલિબિસ ટાપુઓની વસ્તી 1,49,46,488 જેટલી છે. પૂર્વ દ્વીપકલ્પ મોટેભાગે અવિકસિત છે, વસ્તી ઓછી છે અને ખેતી પણ ઓછા પ્રમાણમાં થાય છે. નૈર્ઋત્ય દ્વીપકલ્પ તથા ટાપુના મધ્ય ભાગમાં લોકોને વસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાલી અને જાવાની વધુ વસ્તીને ઘટાડવા માટે લેવાયો છે.

નૈર્ઋત્ય દ્વીપકલ્પનાં શહેરો માર્ગો દ્વારા જોડાયેલાં છે. અન્ય ભાગોમાં માત્ર દરિયાકાંઠા નજીકમાં જ માર્ગો જોવા મળે છે. અહીંનાં મકાસર, મેનાડો, ગોરોન્તાલો, કેન્દારી, પોસો અને થાલુ ખાતે હવાઈ મથકો આવેલાં છે.

જાતિજૂથો-ઇતિહાસ : સેલિબિસમાં તોઆલા, તોરાદજા, બુગિનીઝ, મૅકાસરીઝ, મિનાહસન, મોરી અને ગોરોન્તલીઝ નામનાં સાત જાતિ-જૂથો વસે છે. સેલિબિસમાં માનવ-વસવાટ શરૂ થયાનાં સર્વપ્રથમ ચિહનો તોઆલી સંસ્કૃતિનાં પાષાણ ઓજારોના રૂપમાં મળે છે.

ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, એમ કહી શકાય કે અહીં યુરોપિયનો આવ્યા તે પહેલાં દક્ષિણ તરફના ભાગોમાં મુસ્લિમ સલ્તનતો સ્થપાઈ ચૂકી હતી. 1512માં મસાલાના વેપારની ઇજારાશાહીના વ્યવસાય અર્થે પોર્ટુગીઝો આવ્યા. 1607માં ડચ લોકોએ અહીં મકાસર ખાતે વસાહત સ્થાપેલી. બોન (Bone) અને ગોવા(Gowa)નાં રાજ્યોએ અનુક્રમે 1905 અને 1911માં તેમની સ્વતંત્રતા ગુમાવી ત્યાં સુધી ડચ લોકોએ તેમનો અહીંનો કાબૂ રાખેલો અને વિસ્તારેલો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને આ ટાપુ પર કબજો મેળવેલો; પરંતુ તે પછી 1950માં આ ટાપુ ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકમાં ભળી ગયો. રાજકીય વિક્ષેપો, બળવાખોરોની શિરજોરી અને સામ્યવાદી બળવાઓ ચાલુ રહેલાં; પરંતુ ત્યાંની મધ્યસ્થ સરકારને તેઓ નમાવી કે ઉથલાવી શક્યા નહિ.

સેલિબિસ અને નજીકના ટાપુઓ ચાર પ્રાંતોમાં વહેંચાયેલા છે : સુલાવેસી ઉતરા (ઉત્તર સેલિબિસ), સુલાવેસી તેંગાહ (મધ્ય સેલિબિસ), સુલાવેસી તેંગ્ગાસ (અગ્નિ સેલિબિસ) અને સુલાવેસી સેલાતન (દક્ષિણ સેલિબિસ). દક્ષિણ દ્વીપકલ્પ અને ઈશાન દ્વીપકલ્પનો છેડો આર્થિક ષ્ટિએ ખૂબ વિકસિત વિસ્તારો છે.

ગિરીશભાઈ પંડ્યા