સૅલિનેન, ટાયકો (Sallinen, Tyko) (. 1879, નાર્મેસ, કારેલિયા, ફિનલૅન્ડ; . 1955) : આધુનિક ફિનિશ ચિત્રકાર. હિહુલિટ (Hehhulit) સંપ્રદાયના એક દરજીને ત્યાં ટાયકો સૅલિનેનનો જન્મ થયો હતો. તેમનું બાળપણ કારમી તંગી અને ગરીબીમાં વીત્યું હતું. ચૌદ વરસની ઉંમરે ગૃહત્યાગ કરીને તેઓ સ્વીડન ભાગ્યા. ત્યાં ઘણાં વર્ષો સુધી તેમણે દરજી તરીકે કામ કર્યું અને તે પછી ફિનલૅન્ડ પાછા ફરી હેલ્સિન્કીમાં કળાશાળામાં કલાનો અભ્યાસ આદર્યો. એ પૂરો કરીને 1909માં તેઓ પૅરિસ ગયા. ત્યાં ફૉવ (Fauve) ચિત્રકારો અને ખાસ તો તેમાંથી વાન ડૉન્જન(Van Dongen)થી સૅલિનેન પ્રભાવિત થયા. ફિનલૅન્ડ પાછા ફરીને તેમણે માદરે વતન કારેલિયાનાં નિસર્ગ- દૃશ્યોનું અને ખેડૂતોના જીવનનું ફૉવ ચિત્રશૈલી અનુસાર ભડક તેજસ્વી રંગો વડે કૅન્વાસ પર આલેખન કર્યું.

ટાયકો સૅલિનેને દોરેલું એક ચિત્ર

એમાંથી એક ચિત્ર ‘વૉશરવીમૅન’ને વિવેચકોએ ‘જંગાલિયતની પરાકાષ્ઠા’ કહી વખોડ્યું. 1917માં ફિનલૅન્ડ સ્વતંત્ર થતાં સૅલિનેને ‘નવેમ્બર ગ્રૂપ’ નામ હેઠળ ફિનલૅન્ડના ચિત્રકારો અને શિલ્પકારોનું જૂથ રચ્યું. એમાંના મોટાભાગના કલાકારો અભિવ્યક્તિવાદી શૈલીને અનુસરતા હતા. થોડા જ વખતમાં ફિનલૅન્ડના એક શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે સૅલિનેનને આંતરરાષ્ટ્રીય નામના મળી. 1920 પછી સૅલિનેને ઘણાં નિસર્ગશ્યો આલેખ્યાં. પણ તેમાં ફ્રેન્ચ ચિત્રકાર પૉલ સેઝાંનો પ્રભાવ જોવા મળે છે અને તેથી તેમાં તેમનાં અગાઉનાં ચિત્રો જેવા તેજસ્વી ભડક રંગો દેખાતા નથી.

સૅલિનેનની એક જાણીતી ચિત્રકૃતિ ‘હિહુલિટ’(1918)માં તેમના દુ:ખદ બાળપણની કડવી યાદદાસ્તોનું નિરૂપણ જોવા મળે છે. તેમાં યુરોપિયન મધ્યયુગીન ભેંકાર ઓથાર ભરેલો  ભારઝલ્લો/ભારેખમ માહોલ જોવા મળે છે.

અમિતાભ મડિયા