સેબેતિયે પૉલ (Sabatier Paul)
January, 2008
સેબેતિયે, પૉલ (Sabatier, Paul) [જ. 5 નવેમ્બર 1854, કારકાન્સોન, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1941, ટૂલોઝ (Toulouse), ફ્રાન્સ] : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ અને 1912ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. પૅરિસ ખાતે ઈકોલે નૉર્મલે સુપિરિયોર(Ecole Normale Superieure)માં અભ્યાસ કર્યા બાદ તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં માર્સેલિન બર્થોલોટના મદદનીશ બન્યા અને ત્યાંથી 1880માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એકાદ વર્ષ માટે યુનિવર્સિટી ઑવ્ બોર્ડો(Bordeaux)માં રહ્યા બાદ તેઓ 1882માં યુનિવર્સિટી ઑવ્ ટૂલોઝમાં જોડાયા અને 1884માં ત્યાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1905માં તેઓ ડીન બન્યા અને 1930માં નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં જ કાર્ય કર્યું. તેઓ એક ઉત્તમ શિક્ષક હતા અને જીવનના અંત સુધી તેમણે વ્યાખ્યાનો આપવાનું ચાલુ રાખેલું.
તેમનું શરૂઆતનું સંશોધન અકાર્બનિક રસાયણના ક્ષેત્રે હતું અને હાઇડ્રોજન સલ્ફાઇડ, ધાત્વિક નાઇટ્રાઇડો તથા પ્રક્રિયાની ઉષ્મા (heats of reaction) ઉપર કાર્ય કરેલું. ત્યારબાદ તેમણે અકાર્બનિક સંયોજનો, ખાસ કરીને બારીક ભૂકારૂપ ધાતુઓને વાયુ-પ્રાવસ્થામાં થતી કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપકો તરીકે વાપરવા અંગે સંશોધન કર્યું. આ સંશોધન તેમણે ટૂલોઝમાંની કૅથલિક કૉલેજમાંના અધ્યાપક એવા એબે સેન્ડરન્સ સાથે કરેલું. 1897માં તેમણે વિવિધ કાર્બનિક સંયોજનો કેવી રીતે હાઇડ્રોજનીકરણ પામી શકે છે તે દર્શાવ્યું; દા.ત., ઇથિલીન (C2H4) સામાન્ય રીતે હાઇડ્રોજન સાથે સંયોજાતું નથી, પરંતુ જ્યારે આ બે વાયુઓનું મિશ્રણ બારીક ભૂકારૂપ નિકલ પરથી પસાર કરવામાં આવે ત્યારે ઇથેન (C2H6) ઉત્પન્ન થાય છે. આ જ રીતે બેન્ઝિનનું સાઇક્લોહેકઝિમાં પરિવર્તન થાય છે. તેમનું આ સંશોધન ઔદ્યોગિક રસાયણમાં નૂતન ઉત્થાન લાવનારું નીવડ્યું. ઉદ્દીપકો અંગેના તેમના સંશોધનમાં ઉદ્દીપકોની વિશિષ્ટતા (specificity), ‘ઉદ્દીપકોનું વિષાક્તન’ (catalyst poisoning) તેમજ જલાન્વીકરણ-વિજલાન્વીકરણ(hydration-dehydration)માં ભારે ધાતુઓના ઑક્સાઇડોના ઉપયોગનો સમાવેશ થાય છે. આ અંગે તેમણે 1912માં La Catalyse On Chemie Organique નામનું પુસ્તક લખેલું જેના સૈદ્ધાંતિક ખ્યાલો આજે પણ સ્વીકાર્ય રહ્યા છે.
પૉલ સેબેતિયે
સેબેતિયેની વિવિધ શોધો માર્ગેરિન (margarine), તેલનું હાઇડ્રોજનીકરણ અને સંશ્લેષિત મિથેનૉલના ઉદ્યોગમાં પાયારૂપ બની છે. તેમની શોધોને કારણે પ્રયોગશાળામાં અનેક સંશ્લેષણો શક્ય બન્યાં છે. એમ કહી શકાય કે કાર્બનિક રસાયણમાં ઉદ્દીપકીય (catalytic) સંશ્લેષણના સમગ્ર ક્ષેત્રનું તેમણે અન્વેષણ કર્યું છે. આ માટે તેમણે જાતે સેંકડો હાઇડ્રોજનીકરણ અને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ તપાસી હતી અને જણાવ્યું કે નિકલ ઉપરાંત અન્ય ધાતુઓ પણ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે પણ નિકલ કરતાં ઓછી.
બારીક ભૂકારૂપ ધાતુઓની હાજરીમાં કાર્બનિક સંયોજનોના હાઇડ્રોજનીકરણની પદ્ધતિની શોધ તેમજ તેને લીધે કાર્બનિક રસાયણમાં થયેલી પ્રગતિ બદલ સેબેતિયેને 1912ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એફ. એ. વી. ગ્રિગ્નાર્ડ (ગ્રિન્યાર્ડ) સાથે સંયુક્તરૂપે એનાયત કરવામાં આવેલો. 1913માં તેઓ એકૅડેમી દ સાયન્સીઝના પ્રથમ બિનનિવાસી સભ્ય ચૂંટાયા હતા.
જ. પો. ત્રિવેદી