સેબાસ્તિનો, પિયોમ્બો (Sebastino, Piombo) (. આશરે 1485, વેનિસ, ઇટાલી; . 21 જુલાઈ 1547, રોમ, ઇટાલી) : પ્રસિદ્ધ ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. તેમણે વેનિસમાં ચિત્રકાર જોર્જોને (Giorgione) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. વેનિસ નિવાસ દરમિયાનનાં તેમનાં ચિત્રોમાંથી શ્રેષ્ઠ ગણાયું છે : ‘સાલોમે’ (Salome). 1511માં રોમમાં એગૉસ્તિનો ચીગી નામના શરાફે તેમને આશ્રય આપ્યો. રોમમાં જ પ્રસિદ્ધ મહાન કલાકાર માઇકેલૅન્જેલોના સહાયક તરીકે કામ શરૂ કર્યું. તેમના કામથી માઇકેલૅન્જેલો ખૂબ પ્રભાવિત થયા અને તેથી માઇકેલૅન્જેલોએ પોતાનાં મૌલિક સ્કૅચિઝ ઉપરથી સેબાસ્તિનોને મૌલિક ચિત્રકૃતિઓ રચવાની છૂટ આપી. પરિણામે, સેબાસ્તિનોએ બે સુંદર ચિત્રો ચીતર્યાં : ‘પિયેતા’ (1517) અને ‘ફ્લેજલેશન’ [(flagellation) 1516-24]. હૂંફાળા, ઊઘડતા રંગો વડે ચિત્રોમાં લાગણીશીલ વાતાવરણ ઊભું કરવાની એમની આવડત એમાં દેખાઈ આવી અને એમની મોટી નામના થઈ. 1519 સુધીમાં તો એમની ખ્યાતિ સમગ્ર ઇટાલીમાં પ્રસરી ચૂકી હતી.

પિયોમ્બો સેબાસ્તિનોએ દોરેલું ચિત્ર : ‘ક્રાઇસ્ટ બેરિંગ ક્રૉસ’

તૈલરંગો વડે ભીંતો ઉપર અને પથ્થર ઉપર ફ્રેસ્કો ભીંતચિત્ર આલેખવાની પદ્ધતિ (technique) સેબાસ્તિનોએ શોધેલી. વૅટિકનમાં સિસ્ટાઇન ચૅપલની ભીંત ઉપર ‘લાસ્ટ જજમેન્ટ’ ચીતરવાનું કામ પોપે જ્યારે માઇકેલૅન્જેલોને સોંપ્યું ત્યારે તેને માટેનું તૈલરંગોને લાયક પ્લાસ્ટર સેબાસ્તિનોએ તૈયાર કર્યું. તૈલરંગોને ધિક્કારનાર માઇકેલૅન્જેલો આથી ક્રોધિત થયો અને માઇકેલૅન્જેલોએ આ પ્લાસ્ટર ઉતરાવી લીધું. આ પ્રસંગને કારણે બંને કલાકારો વચ્ચેની મિત્રતામાં ઓટ આવી ગઈ, જે ફરીથી કદી હૂંફાળી બની નહિ. જીવનનાં છેલ્લાં સત્તર વરસ દરમિયાન સેબાસ્તિનોએ નજેવું કલાસર્જન કરેલું.

અમિતાભ મડિયા