સેન સુરેન્દ્રનાથ

January, 2008

સેન, સુરેન્દ્રનાથ (. જુલાઈ 1890, બારિસાલ, બાંગ્લાદેશ; . જુલાઈ 1962) : ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ઈ. સ. 1906માં મૅટ્રિકની અને 1908માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કર્યા બાદ, નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડીને પ્રાથમિક શાળાના શિક્ષક થયા. તે પછી ઢાકા કૉલેજમાં ભણીને 1913માં બી.એ. અને 1915માં કોલકાતા યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. 1917માં કોલકાતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં અધ્યાપક બન્યા. ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઑવ્ ધ મરાઠાઝ’ વિષય પર થીસિસ લખીને તેઓ કોલકાતા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. ત્યારબાદ ઑક્સફર્ડ(ઇંગ્લૅન્ડ)માં ભણીને ‘મિલિટરી સિસ્ટમ ઑવ્ ધ મરાઠાઝ’ વિષય પર થીસિસ લખીને તેમણે ડી.લિટ્.ની ડિગ્રી મેળવી. સ્વદેશ પાછા ફર્યા બાદ તેઓ કોલકાતા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર નિમાયા.

ઈ. સ. 1939માં શાહી રેકર્ડ ખાતાના વડા તરીકે તથા ભારત સ્વતંત્ર થયા બાદ નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર નિમાયા. ત્યાંથી દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તથા તે પછી તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. આખરે અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં અતિથિ અધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી.

તેમના ઇતિહાસલેખન-કાર્યને ચાર વિભાગમાં વહેંચી શકાય : (1) મોટા ગ્રંથો, (2) ગૌણ ગ્રંથો, (3) સંપાદિત તથા અનુવાદિત ગ્રંથો અને (4) બંગાળી ભાષામાં લખેલા ઇતિહાસના ગ્રંથો. તેમના ત્રણ મોટા ગ્રંથો આ પ્રમાણે છે : (1) ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઑવ્ ધ મરાઠાઝ’ (1923); (2) ‘મિલિટરી સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’ (1958) અને (3) ‘એઇટીન ફિફ્ટીસેવન’ (1957). મૂળ સ્રોતોના આધારે લખેલ, ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’, મરાઠાઓના ઇતિહાસમાં, આ પ્રકારનો પ્રથમ ગ્રંથ છે અને તેની બરાબરીનો ગ્રંથ હજી સુધી લખાયો નથી. તેનું ચાર ખંડોમાં વિભાજન કર્યું છે. ખંડ 1માં શિવાજીના ઉદયથી શાહુના રાજ્યારોહણ સુધીની મરાઠા વહીવટી તંત્રની માહિતીમાં કેન્દ્ર-સરકાર, અષ્ટપ્રધાનમંડળ, મહેસૂલી અને નાણાકીય નીતિ, લશ્કર, નૌકાદળ, ન્યાય તથા શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખંડ 2માં પેશવાઓ હેઠળના 1818 સુધીના વહીવટી તંત્રમાં પ્રાંત, જિલ્લો તથા ગામનું વહીવટી તંત્ર, શાહી સચિવાલય, મહેસૂલી તંત્ર, સામાજિક રિવાજો વગેરે માહિતી આપી છે. ખંડ 3માં મરાઠા સંસ્થાઓનાં પ્રાચીન મૂળ શોધીને, પ્રાચીન હિંદુ રાજકીય ચિંતકોએ આપેલા સિદ્ધાંતો તથા મરાઠાઓના આચરણ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. ખંડ 4માં મરાઠા પદ્ધતિના વિકાસમાં ઇસ્લામ તથા મુસ્લિમ વહીવટી તંત્રના પ્રદાનની સમીક્ષા કરવામાં આવી છે. આમ છતાં, શિવાજીએ મુઘલોના શાસનતંત્રના સિદ્ધાંતો ધ્યાનમાં લઈને, પોતાની આગવી પદ્ધતિ ઉપસાવી હતી. છેવટે તેઓ જણાવે છે કે મરાઠા શાસનતંત્ર હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓનો સુમેળભર્યો સંયોગ હતો. ઘણા યુરોપીય લેખકોએ મરાઠાઓને લૂંટારા, ધાડપાડુ અને દુષ્ટ ગણાવ્યા છે. સેને તેઓને ખોટા સાબિત કરી, પ્રતિપાદિત કર્યું છે કે મરાઠાઓ માત્ર લૂંટારા અને ધાડપાડુ ન હતા; પરંતુ એક સારી સરકારના સ્થાપક હતા.

સુરેન્દ્રનાથનો ‘મિલિટરી સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’ આ પ્રકારનો પ્રથમ અને હજી અદ્વિતીય તથા ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’નો પૂરક ગ્રંથ છે. તેમાં તેમનો હેતુ મરાઠા સામ્રાજ્યના પતન તરફ દોરી જતાં પરિબળો સમજાવવાનો છે. તેમાં શિવાજી અને તેની લશ્કરી પદ્ધતિ, તેના પછી સામંતશાહીનું પુનર્જીવન, પાયદળ અને અશ્વદળ, કિલ્લા, તોપખાનું, પાણિપતનું ત્રીજું યુદ્ધ અને મરાઠા નૌકાદળનું વિવરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં સેનનો થીસિસ છે કે તેના લશ્કરનું પતન થવાથી મરાઠા સામ્રાજ્યનું પતન થયું હતું. શિવાજીની કેન્દ્રીય રાજાશાહીને બદલીને સામંતોની વિકેન્દ્રિત આપખુદશાહી સ્થાપવાની ખરાબ અસર મરાઠા લશ્કર ઉપર પડી. કેન્દ્રીય લશ્કર રહ્યું નહિ. પશ્ચિમની વૈજ્ઞાનિક શોધો વડે લશ્કરને આધુનિક કરવામાં મરાઠાઓ નિષ્ફળ જવાથી, તેમના સામ્રાજ્યનું પતન થયું.

ભારત સરકારે 1857ની શતાબ્દીને ધ્યાનમાં રાખીને સેન પાસે ‘એઇટીન ફિફ્ટીસેવન’ નામનો ગ્રંથ લખાવ્યો છે. તેમણે આ ગ્રંથ દોઢ વર્ષથી પણ ઓછા સમયમાં લખવા છતાં, આ મહાન ઘટના વિશેની અનેક હસ્તપ્રતો તથા પ્રકાશિત ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. આ બનાવના સ્રોતો એકતરફી હોવાથી તેમણે દેશી સ્રોતો શોધીને તેને સમતોલ કરવાનો પ્રયાસ કર્યો છે. બળવા વિશે તેમણે વિદેશ, ગૃહ અને લશ્કર ખાતાની ફાઇલો, ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ઉર્દૂ, ફારસી અને હિંદી લેખપત્રો(પેપર્સ)નો અભ્યાસ કર્યો હતો. તેમણે 1857ના વિપ્લવનાં મુખ્ય કેન્દ્રોના સર્વેક્ષણ સાથે તેનાં કારણો, લક્ષણો તથા પરિણામોનું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. તેમાં પણ લોકઆંદોલનોનો ભવ્ય ઘટનાક્રમ લેખકના ધ્યાન બહાર ગયો છે. સેનના મતાનુસાર, આ ચળવળની શરૂઆત લશ્કરના બંડ તરીકે થઈ હતી; પરંતુ બધે સ્થળે તે લશ્કર પૂરતી મર્યાદિત રહી નહોતી.

ડૉ. સેનના ગૌણ ગ્રંથોમાં ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન હિસ્ટરી’ (1930), ‘અર્લી કૅરિયર ઑવ્ કાન્હોજી આંગ્રિયા ઍન્ડ અધર પેપર્સ’ (1941), ‘ઇન્ડિયા થ્રૂ ચાઇનીઝ આઇઝ’ (1956), ‘દિલ્હી ઍન્ડ ઇટ્સ મૉન્યુમેન્ટ્સ’ (1948), ‘ધ પોર્ટુગીઝ ઇન બૅંગાલ’ અને ‘રાઇટિંગ્સ ઑન ધ મ્યુટિની’ નામના બે સંશોધનલેખો તથા ઇન્ડિયન હિસ્ટૉરિકલ રેકર્ડ્ઝ કમિશનમાં લખેલા છૂટક લેખોનો સમાવેશ થાય છે. ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન હિસ્ટરી’માં હિસ્ટૉરિકલ રેકર્ડ્ઝ ઍટ ગોવા’, ‘ધ કર્ણાટક એક્સપીડિશન’, ‘હૈદરઅલીઝ ફ્લીટ’ વગેરે વિષયોને લગતા, મૂળ સ્રોતો પર આધારિત સંશોધનલેખો છે. ‘અર્લી કૅરિયર ઑવ્ કાન્હોજી આંગ્રિયા ઍન્ડ અધર પેપર્સ’માં નવ લેખો (પેપર્સ) આંગ્રિયાઓ વિશે, પ્રમુખ તરીકેનાં બે સંબોધનો વગેરેનો સમાવેશ કર્યો છે. આ લેખો અપ્રકટ સાધનો પર આધારિત છે.

‘ઇન્ડિયા થ્રૂ ચાઇનીઝ આઇઝ’માં ભારતના પ્રવાસે આવેલા ચીની યાત્રીઓએ જોયેલો ભારત દેશ, તેના લોકો, તેઓ મળ્યા હતા તે વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ, તે સમયના રાજાઓ, શિક્ષણની પ્રથા વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ માહિતીસભર તથા રસપ્રદ છે. ‘દિલ્હી ઍન્ડ ઇટ્સ મૉન્યુમેન્ટ્સ’માં દિલ્હીની જૂની ઇમારતોનું લોકભોગ્ય વર્ણન કર્યું છે. તે વિદ્વાનો માટેનો ગ્રંથ નથી. ‘ધ પોર્ટુગીઝ ઇન બૅંગાલ’ પુસ્તકમાં વેપાર તથા જોડાણ દ્વારા પોર્ટુગીઝો બંગાળમાં પ્રવેશ્યા તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

ડૉ. સેને સંપાદિત તથા અનુવાદિત કરેલા ગ્રંથોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે લાંબી પ્રસ્તાવના સહિત ‘ઇન્ડિયન ટ્રાવેલ્સ ઑવ્ થેવેનો ઍન્ડ કારેરી’ (1949)નું સંપાદન કર્યું. તેમાં પ્રવાસની ઐતિહાસિક ભૂમિકા, પ્રવાસીઓનું જીવન, તેમણે શું જોયું-તેનું વર્ણન કર્યું છે. શિવાજીના મરાઠી જીવનચરિત્ર ‘શિવા છત્રપતિ’નો તેમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. તેમણે બંગાળીમાં ઇતિહાસનાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘અશોક’માં, તે મહાન સમ્રાટની કારકિર્દી તથા સિદ્ધિઓનો વૃત્તાંત છે. તેમણે લખેલ ‘અશ્ર્વિનીકુમાર દત્ત’(1923)ના જીવનચરિત્રમાં બંગાળમાં થયેલી સ્વેદશીની ચળવળના નેતા તથા રાષ્ટ્રભક્તને શ્રદ્ધાંજલિ આપી છે.

સુરેન્દ્રનાથ મરાઠી, ફારસી, પોર્ટુગીઝ, બંગાળી અને અંગ્રેજી ભાષાઓ જાણતા હતા. તેમણે તેમના પુરાવાઓને કુશળતા અને ચતુરાઈથી ગોઠવ્યા હતા અને વાચકો સમક્ષ ઘણા સારા ઐતિહાસિક દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે લંડન, પૅરિસ, લિસ્બન અને ગોવામાંની હસ્તપ્રતોનો ઉપયોગ પણ કર્યો છે. સેન માનતા હતા કે ઇતિહાસના અભ્યાસ અને સંશોધન માટે બૌદ્ધિક પ્રામાણિકતા તથા સત્ય પ્રત્યેની વફાદારી હોવાં જોઈએ. ઇતિહાસ લખતી વેળાએ ઇતિહાસકારે પોતાના વિચારોનું તેમાં આરોપણ કરવું જોઈએ નહિ. સેને પોતાના ઇતિહાસનાં સાધનોનું નિષ્પક્ષ અને પ્રામાણિક રહીને અર્થઘટન કર્યું હતું. તેઓ સહેલી, સાદી અને સમ જાય એવી શૈલીમાં લખતા. તેમનું લખાણ પ્રભાવક તથા રસપ્રદ બન્યું છે. તેઓ માનતા હતા કે માહિતીના સ્રોતને સ્વીકારતાં અગાઉ તેની સખત કસોટી કરીને, તેની સચ્ચાઈની ખાતરી કરવી જોઈએ.

સેનનાં લખાણોમાં કેટલીક ઊણપો પણ છે. ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટિમ’ના ગ્રંથમાં તેમણે રાનડેનાં લખાણો પર ઘણો આધાર રાખ્યો છે અને તેને માત્ર આધારભૂત ગ્રંથ માનીને તેમાંથી ઉતારા આપ્યા છે. તેમના મતાનુસાર ઇતિહાસ એ માનવીની સર્વે પ્રવૃત્તિઓનો હેવાલ છે. તેમ છતાં તેમણે આર્થિક અને સામાજિક બાબતો પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું નથી. તેમના ગ્રંથોમાં રાજકીય, લશ્કરી અને વહીવટી બાબતોને વધુ મહત્વ અપાયું છે.

રાજકીય સંસ્થાઓના ઇતિહાસ-લેખનમાં સેન અગ્રેસર છે. રાજકીય ઇતિહાસ લખવાનો ચીલાચાલુ માર્ગ લેવાને બદલે તેમણે રાજકીય સંસ્થાઓનો ઇતિહાસ લખવાનો અઘરો અને અજાણ્યો માર્ગ અપનાવ્યો. રાજકીય સંસ્થાઓના ઇતિહાસ-લેખનમાં સેન પ્રથમ અને શ્રેષ્ઠ છે. તેમના ‘એડ્મિનિસ્ટ્રેટિવ સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’, ‘મિલિટરી સિસ્ટિમ ઑવ્ ધ મરાઠાઝ’ અને ‘એઇટીન ફિફ્ટીસેવન’ – આ ત્રણેય ગ્રંથો તેમને આધુનિક ભારતના નામાંકિત ઇતિહાસકાર અને વિદ્વાન તરીકેનું નિશ્ચિત સ્થાન અપાવે છે.

જયકુમાર ર. શુક્લ