સેન, સુદીપ (જ. 9 ઑગસ્ટ 1964, નવી દિલ્હી) : અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક. વર્જિનિયાની હૉલિન્સ કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને ન્યૂયૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ.ની ડિગ્રી મેળવી. ‘આર્ક આર્ટ્સ બુક્સ’ના સાહિત્યિક તંત્રી તથા લેખનની કારકિર્દી મળી.
સુદીપ સેન
તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : સર્જનાત્મક લખાણ માટે વેરેન બેલ રનર્સ-અપ ઍવૉર્ડ (યુ.એસ.), 1987; બ્રેડ લોફ રાઇટર્સ કૉન્ફરન્સ વર્કિંગ સ્કૉલર (યુ.એસ.); રનર્સઅપ પ્રાઇઝ, બ્રિટિશ કાઉન્સિલ/પોએટ્રી સોસાયટી ઑવ્ ઇન્ડિયા, નૅશનલ પોએટ્રી કૉમ્પિટિશન, 1991; ઍવૉર્ન ફાઉન્ડેશન (યુ.કે.) તરફથી ફૅબર ઍન્ડ ફૅબર પોએટ્રી ગ્રાન્ટ, 1992; હૉથોર્નડન ફેલોશિપ, યુ.કે. 1998.
તેમની માતૃભાષા બંગાળી છે પણ અંગ્રેજીમાં લખે છે. તેમનાં મુખ્ય પ્રકાશનો આ પ્રમાણે છે : ‘લિનિંગ અગેન્સ્ટ ધ લૅમ્પ-પૉસ્ટ’ (1983), ‘ધ લ્યુનર વિઝિટેશન્સ’ (1990), ‘કલી ઇન ઑટાવા રિમા’ (1992), ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ (1993), ‘પૅરલલ’ (1993), ‘સાઉથ આફ્રિકન વૂડકટ’ (1994), ‘માઉન્ટ વિસુવિયસ ઇન એઇટ ફ્રૅમ્સ’ (1994), ‘દલિઝ ટ્વિસ્ટેડ હૅન્ડ્ઝ’ (1995) (એ તમામ કાવ્યસંગ્રહો) તથા ‘વિસુવિયસ’ (1997) (નાટક).
સંપાદન અને સહ-સંપાદન : ‘વસાફિરી કૉન્ટેમ્પરરી રાઇટિંગ્ઝ ફ્રૉમ ઇન્ડિયા’, ‘સાઉથ ઍશિયા ઍન્ડ ધ ડાયસ્પૉરા’ (1995), ‘ઇન્ડેક્સ ઑન સેન્સરશિપ સાગ્ઝ (પોએટ્રી) ઑવ્ પાર્ટિશન’ (1997) વગેરે.
નિવાસી લેખક-કવિ તરીકે મુલાકાત : એડિનબર્ગ, 1992, 93; યુનિવર્સિટી ઑવ્ સાઉથ કૅરોલિના, 1994; યુનિવર્સિટી ઑવ્ યૉર્ક/ઑપન યુનિવર્સિટી, 1994, 95, 96; હાર્વર્ડ યુનિવર્સિટી, 1995; અમેરિકન કૉલેજ, ઍથેન્સ તથા યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ભારતની ઘણી યુનિવર્સિટીઓ. એડિનબર્ગ ફેસ્ટિવલ (1997) તથા અન્ય મહોત્સવોમાં હાજરી આપી. ચલચિત્રો તથા ટેલિ-ડૉક્યુમૅન્ટરીનું નિર્દેશન અને સહનિર્દેશન કર્યું.
મહેશ ચોકસી