સેન પ્રફુલ્લચંદ્ર

January, 2008

સેન, પ્રફુલ્લચંદ્ર (. 1897; . 1990) : ગાંધીવાદી કૉંગ્રેસી નેતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં રહ્યા હતા. તેમનાં માતાપિતા વિશે માહિતી મળતી નથી. તેઓ ગરીબ કુટુંબમાંથી આવ્યા હતા અને શરૂના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો એમ માનવામાં આવે છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. તેમણે શિક્ષણની શરૂઆત બિહારમાં કરી અને દેવધર સ્કૂલમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. કોલકાતાની સ્કૉટિશ ચર્ચીઝ કૉલેજમાં અભ્યાસ કરીને યુનિવર્સિટી ઑવ્ કોલકાતાની બી.એસસી.ની પરીક્ષા પાસ કરી. વિદ્યાર્થી હતા ત્યારે પણ રાષ્ટ્રવાદી ચળવળથી પ્રભાવિત થયા અને લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલનાં ભાષણોથી આકર્ષાયા હતા. ત્યારબાદ તેઓ ગાંધીજી અને તેમના અહિંસાના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા. મહાત્મા ગાંધીના નિકટ સંપર્કમાં આવવાની તેમને તક મળી હતી. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના બોધથી તેઓ પ્રભાવિત થયા હતા. રવીન્દ્રનાથ ટાગોરના તેઓ પ્રશંસક હતા. રાજકારણમાં તેઓ ડૉ. ભૂપેન્દ્રનાથ દત્ત, ડૉ. બિધાનચંદ્ર રૉય, જવાહરલાલ નહેરુ અને બીજા કૉંગ્રેસી નેતાઓના પ્રભાવ હેઠળ હતા.

પ્રફુલ્લચંદ્ર ઈ. સ. 1921માં અસહકારની ચળવળમાં જોડાયા અને જેલની સજા ભોગવી. સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન 1930, 1932 અને 1934માં તેમની ધરપકડ થઈ હતી. 1942ની ‘હિંદ છોડો’ લડત દરમિયાન પણ તેમની ધરપકડ થઈ હતી. બધી મળીને તેમણે અગિયાર વર્ષની કેદ ભોગવી હતી; તેમ છતાં, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તેઓ ખાસ કરીને આરામબાગમાં રચનાત્મક કાર્યો કરતા. આમ-જનતાનાં કલ્યાણનાં કાર્યોમાં તેઓ વધુ રસ લેતા. તેઓ દલિતોના ઉદ્ધારની પ્રવૃત્તિઓમાં પોતાનો વધુ સમય આપતા.

પશ્ચિમ બંગાળમાં 1948માં ડૉ. બી. સી. રૉયે પોતાના મંત્રીમંડળની રચના કરી ત્યારે પ્રફુલ્લચંદ્રને ખોરાક ખાતાના મંત્રી નીમ્યા. તેઓ બી. સી. રૉયના જમણા હાથ સમાન હતા અને મંત્રીમંડળમાં બી. સી. રૉય પછીનું સ્થાન ભોગવતા હતા. જુલાઈ, 1962માં બી. સી. રૉયના અવસાન પછી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા અને 1967ની સામાન્ય ચૂંટણીઓ સુધી તે હોદ્દો સંભાળ્યો.

ઈ. સ. 1969માં કૉંગ્રેસમાં ભંગાણ થયું ત્યારે તેઓ ઇન્દિરા જૂથના વિરોધી જૂના કૉંગ્રેસીઓની સાથે રહ્યા. 1972ની ચૂંટણીઓમાં જૂની કૉંગ્રેસનો નબળો દેખાવ રહ્યો. તે પછી તેઓ રચનાત્મક કાર્યોમાં સમય આપવા લાગ્યા. 1972થી સક્રિય રાજકારણથી તેઓ અલગ પડી ગયા હતા.

ગાંધીજીના અનુયાયી તરીકે તેઓ અસ્પૃશ્યતા તથા જ્ઞાતિપ્રથાના વિરોધી હતા. આમજનતા વાસ્તે ગાંધીજીની નઈ તાલીમની યોજના માટે તેઓ કામ કરતા રહ્યા. એક દેશભક્ત તરીકે ભારતમાં બ્રિટિશ રાજના તેઓ વિરોધી હતા. ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ અને તે અહિંસક સત્યાગ્રહ દ્વારા મળવી જોઈએ, એમ તેઓ માનતા હતા. તેઓ કોમવાદ તથા અન્ય વિભાજિત પરિબળોનાં વિરોધી હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ રાજકારણથી અલિપ્ત રહેલા; છતાં રાષ્ટ્રની ઉન્નતિ વાસ્તે તેમણે કરેલ પ્રદાન ભવિષ્યની પેઢીઓ યાદ કરે એવું છે.

જયકુમાર ર. શુક્લ