સેન, પરિતોષ (. 18 ઑક્ટોબર 1918, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. એ પછી ફ્રાંસમાં આન્દ્રે લ્હોતે’ઝ સ્કૂલમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1962થી 1963 સુધી ફ્રેંચ ગવર્નમેન્ટની ફેલોશિપની મદદથી તેમણે પૅરિસની અકાદમી ગ્રા શોમિમાં બંગાળી ટાઇપોગ્રાફી પર સંશોધન કર્યું. રૉકફૅલર ગ્રાંટની મદદથી 1970થી 1971 સુધી તેમણે પૅરિસની કળાશાળા ઈકોલે દ લૂવ્રમાં ચિત્રકલાનો વધુ અભ્યાસ કર્યો.

પરિતોષ સેને દોરેલું ચિત્ર

સેન માનવ-આકૃતિઓ ધરાવતા અભિવ્યક્તિવાદી તેમજ અમૂર્ત ચિત્રો આલેખવા માટે જાણીતા છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા ઉપરાંત પૅરિસ, લંડન, ન્યૂયૉર્ક આદિ વિદેશી શહેરોમાં તેમની ચિત્રકલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. દિલ્હી ખાતેની કેન્દ્રીય લલિતકલા અકાદમીમાં તથા નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંઘરાયાં છે. કલા અંગે તેમણે મહત્વનાં કેટલાંક લખાણો પણ કર્યાં છે; દા.ત., ‘વૉટ ઇઝ મૉડર્ન આર્ટ’ (1960); ‘ઇન્ડિયન આર્ટિસ્ટ્સ નિગ્લેક્ટ ધેર રિસ્પૉન્સિબિલિટીઝ’ (‘સ્ટેટ્સમૅન’, 4 માર્ચ, 1967); ‘તાંત્રિક આર્ટ – ઍન ઇટર્નલ ક્વેસ્ટ’ (‘સ્ટેટ્સમૅન, 4 સપ્ટેમ્બર, 1968); ‘ધ ફિગર ઇન ઇન્ડિયન આર્ટ’ (‘લલિતકલા કૉન્ટેમ્પરરી આર્ટસ’, 1964); અને ‘ધ વિઝન અરાઇઝિઝ’ (‘સ્પાન’, ફેબ્રુઆરી, 1978).

અમિતાભ મડિયા