સેન, તાપસ (જ. 1924; અ. 28 જૂન 2006) : રંગભૂમિના વિખ્યાત રંગકર્મી, પ્રકાશઆયોજનના પ્રયોગશીલ નિષ્ણાત. મૂળ બંગાળી; પરંતુ દેશના વિવિધ પ્રદેશોના નાટ્યપ્રયોગો સાથે પ્રકાશઆયોજનના દિગ્દર્શક તરીકે ખ્યાતિ પામેલા. અંગત વર્તુળમાં તાપસદા તરીકે ઓળખાતા. કૉલેજકાળથી જ ‘ઇપ્ટા’ અર્થાત્ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના દિલ્હી એકમ સાથે સંકળાયેલા જ્યાં તેમણે નાટકોમાં પ્રકાશ અને કટઆઉટથી છાયાનાટકોનું સર્જન કરેલું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન બંગાળમાં પડેલા કારમા દુષ્કાળ(1944)નાં દારુણ ચિત્રો તેમણે પ્રકાશઆયોજનની તેમની કસબની મદદથી રંગભૂમિ પર આબેહૂબ પ્રસ્તુત કરવામાં સફળતા મેળવેલી અને તે પણ એવા જમાનામાં જ્યારે તખ્તા પરની પ્રસ્તુતીકરણની તકનીકો આજની જેમ વિકાસ પામી ન હતી અને તેથી મોટાભાગનું પ્રસ્તુતીકરણ સંકેતો દ્વારા (suggestions) તદ્દન સાદાં સાધનોની મદદથી કરવું પડતું હતું. ત્યારબાદ તેમણે બંગાળની રંગભૂમિના વિખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શંભુ મિત્ર(1915-92)ની નાટ્યસંસ્થાઓમાં પ્રકાશઆયોજન કર્યું. વર્ષ 1954થી તેઓ ઉત્પલ દત્તના ‘લિટલ થિયેટર ગ્રૂપ’માં જોડાયા અને ત્યારથી તેમની કારકિર્દીનો સુવર્ણકાળ શરૂ થયો એમ કહેવાય. તેમના પ્રકાશઆયોજનની મુખ્ય લાક્ષણિકતા તો એ હતી કે તેઓ તેના દ્વારા સમગ્ર નાટ્યકૃતિનો અભિપ્રેત અર્થ પ્રેક્ષકો સુધી પહોંચાડી શકતા, આટલે સુધી કે તેઓ ‘પ્રકાશઆયોજનના જાદુગર’ તરીકે ખ્યાતિ પામ્યા.
તાપસ સેન
તેમના પહેલાં રંગભૂમિનું પ્રકાશઆયોજન એ એક સર્વસામાન્ય બાબત હતી જેને તાપસ સેને ઉચ્ચસ્થાને બેસાડવામાં સફળતા મેળવી. દા.ત., ઉત્પલ દત્ત દ્વારા નિર્મિત ‘અંગાર’ (1959) નાટકમાં તેમણે કોલસાની ખાણમાં ધસી આવેલા પૂરના દૃશ્યને એવી રીતે પ્રસ્તુત કર્યું કે નાટ્યગૃહની પ્રથમ હરોળમાં બેઠેલા પ્રેક્ષકોને એવો આભાસ થતો કે જાણે કે ખાણમાં આવેલ પૂરનું પાણી તેમના પર ધસી આવી રહ્યું છે. નાટકમાં મર્યાદિત આકારના રંગમંચ પર રેલગાડીઓની અવરજવર, તેમના અકસ્માતો, અતિ ભયંકર આગનાં દૃશ્યો વગેરે આબેહૂબ રજૂ કરવાની કલા તેમણે આત્મસાત કરેલી; જે જોઈને પ્રેક્ષકો અવાક્ થઈ જતા. જે નાટ્યપ્રયોગોના પ્રકાશઆયોજન દ્વારા તેમને વિશેષ ખ્યાતિ મળી તેમાં ‘લિટલ થિયેટર ગ્રૂપ’ના ‘અંગાર’ ઉપરાંત રવીન્દ્રનાથ ઠાકુરની નાટ્યકૃતિ ‘રક્તકરબી’; ફિરોઝખાન દ્વારા પ્રસ્તુત ‘ધ રૉયલ હન્ટ ઑવ્ ધ સન’; ‘એવા મુંબઈમાં ચાલ થઈએ’; ‘મહાત્મા વર્સિસ ગાંધી’ અને ‘સેલ્સમૅન રામલાલ’; શેખર સેનની પ્રસ્તુતિ ‘ગોસ્વામી તુલસીદાસ’ જેવાં નાટકો વિશેષ ઉલ્લેખનીય છે. ‘ગોસ્વામી તુલસીદાસ’ના નાટ્યપ્રયોગોમાં વૃક્ષો પરથી ફૂલ ખરતાં તેમણે રંગમંચ પર દેખાડ્યાં હતાં.
અમદાવાદના ગાંધી આશ્રમમાં ખુલ્લા પ્રાંગણમાં મુલાકાતીઓ માટે સાંજના રજૂ થતા બી. વી. કારંથ દ્વારા દિગ્દર્શિત ‘ધ્વનિ અને પ્રકાશ’(sound and light)નું પ્રકાશઆયોજન પણ તાપસ સેને કર્યું હતું. તે ઉપરાંત દિલ્હી ખાતેના પુરાણા કિલ્લા, આગ્રા ખાતેના લાલ કિલ્લા, ગ્વાલિયરના કિલ્લા, હૈદરાબાદ નજીકના ગોલકુંડા, ઉદયપુર ખાતેના મહારાણા પ્રતાપ સ્મારક પરના ઇતિહાસને સજીવન કરતા આવા કાર્યક્રમોનું પ્રકાશઆયોજન પણ તાપસ સેનની જ કરામત હતી.
તેમણે ઘણા શિખાઉ રંગકર્મીઓને પ્રકાશઆયોજનની તાલીમ આપી છે અને તે દ્વારા આ કલાને ગૌરવ અપાવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે