સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી)

January, 2008

સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી) : ઈસવી સનની સાતમી સદીમાં દક્ષિણ ગુજરાતમાં રાજસત્તા ભોગવતો ગૌણ રાજવંશ. આશરે ઈ. સ. 620માં કટચ્યુરિ રાજ્યની સત્તા દક્ષિણના ચાલુક્ય રાજા પુલકેશી 2જાને હાથે નાશ પામી. તે પછી ઉત્તર લાટમાં ગુર્જરોની સત્તા પ્રવર્તી અને દક્ષિણ લાટમાં સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ. સેન્દ્રકો ભુજગેન્દ્ર અથવા ફણીન્દ્ર વંશના, અર્થાત્ નાગ જાતિના હતા. હાલમાં તેઓ શિંદે તરીકે ઓળખાય છે. તેમના મસ્તક ઉપર નાગનું પ્રતીક હોય છે. આરંભમાં તેઓ દક્ષિણના કદંબોના તથા ત્યારબાદ ચાલુક્યોની સર્વોપરિતા હેઠળ શાસન કરતા હતા. દક્ષિણ લાટના સેન્દ્રક વંશનો સ્થાપક ભાનુશક્તિ હતો. તે દક્ષિણ લાટ તથા ખાનદેશમાં પણ સત્તા ભોગવતો હતો. તેણે પોતાનાં પરાક્રમો દ્વારા રાજસત્તા મેળવી હતી. તેના પુત્ર આદિત્યશક્તિએ રાજસત્તાનો વિકાસ કર્યો. તેનો પુત્ર અલ્લશક્તિ મહાસામંતાદિ પંચ મહાબિરુદ ધરાવતો હતો. વળી તે ‘પૃથ્વીવલ્લભ’ અને ‘નિકુમ્ભ’ ખિતાબો પણ ધરાવતો હતો. તે પરમ માહેશ્વર હતો. તેણે ત્રેયણ્ણ (તેન) આહાર(વિભાગ)નું બલિસ (વનેસ) ગામ બપ્પસ્વામી નામના બ્રાહ્મણને ઈ. સ. 656માં દાનમાં આપ્યું હતું. ત્યારબાદ થોડાં વર્ષમાં તાપી પ્રદેશમાં નવસારીના ચાલુક્યોની સત્તા ફેલાઈ અને સેન્દ્રકોની સત્તા માત્ર ખાનદેશ પૂરતી સીમિત થઈ ગઈ હતી.

જયકુમાર ર. શુક્લ