સેન્યા, બોનાવેન્ચુરા (Segna, Bonaventura) (જ. આશરે 1280ની આસપાસ, ઇટાલી; અ. 1326થી 1331, ઇટાલી) : રેનેસાંના આરંભિક તબક્કાનો ઇટાલિયન ચિત્રકાર. રેનેસાંના આરંભિક તબક્કાના ચિત્રકાર દુચિયો(Duccio)ના તે અનુયાયી હતા.

બોનાવેન્ચુરા સેન્યાએ દોરેલું ચિત્ર

સિયેના નગરમાં તેમણે ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરેલી. 1317માં તેમણે લેન્ચેટો કૉન્વેટ મઠમાં ભીંતચિત્રો સર્જેલાં. તેમાંથી આજે એક ચિત્ર ‘ક્રુસિફિક્સ’ બચ્યું છે. તેમણે ચીતરેલું એક બીજું ચિત્ર ‘ક્રુસિફિક્સ’ (1315) આજે રશિયાના પુશ્કિન મ્યુઝિયમમાં છે. આ ઉપરાંત, તેમનું એક ચિત્ર ‘માએસ્તા’ (Maesta) પણ આજે મોજૂદ છે. તેની પર પણ દુચિયોનો ભારોભાર પ્રભાવ જોવા મળે છે. સેન્યાનાં ચિત્રોમાં પ્રકાશછાયા અત્યંત સ્પષ્ટ તથા મુખભાવ અત્યંત ગમગીન જોવા મળે છે. એમનો પુત્ર નિકોલો પણ ચિત્રકાર હતો.

અમિતાભ મડિયા