સેન્ટ મોરિત્ઝ : પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડની આલ્પ્સ પર્વતમાળામાં આવેલું જાણીતું વિહારધામ (વિશ્રામ-નગર). ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 9° 50´. પૂ. રે.. તે ગ્રૉબુંડેન પરગણાની એંગાદીન ખીણમાં, સમુદ્રસપાટીથી 1,840 મીટરની ઊંચાઈ પર, પર્વત તળેટી અને નાના સરોવરની વચ્ચે વસેલું છે.
સેંટ મોરિત્ઝનું અર્થતંત્ર પ્રવાસન પર નભે છે. અહીં આવતા પ્રવાસીઓ પ્રાદેશિક સૌંદર્ય, શુદ્ધ હવા, સૂર્યતડકો, મોટી હોટેલો અને રેસ્ટોરાં, બરફ પર સરકવાની રમતો, નૌકાવિહાર, તરણ જેવી વિવિધ મનોરંજક સુવિધાઓની મોજ માણે છે.
ઈ. પૂ. 60થી 50ના ગાળામાં રોમન સૈનિકોએ આ સ્થળે વસાહત સ્થાપેલી. ક્રમે ક્રમે તે વિકસતું ગયું અને ઓગણીસમી સદી સુધીમાં તે નગર બની રહ્યું; આજુબાજુના પ્રાકૃતિક સૌંદર્યને કારણે તે વિહારધામ પણ બન્યું. 1928માં અને 1948માં તે શિયાળુ રમતોત્સવના સ્થળ તરીકે પસંદ કરાયેલું. સેંટ મોરિત્ઝના ગ્રૉબુંડેન પરગણાના ખીણવિસ્તારમાં રહેતા 60,000 લોકો રોમાંશ (Romansh) ભાષા બોલે છે.
ગિરીશભાઈ પંડ્યા