સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy)

January, 2008

સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy) : પૂર્વ કેરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગ રૂપે આવેલા ટાપુઓ. ચાપસ્વરૂપ ધરાવતા ‘લઘુ ઍન્ટિલ્સ’ના વાતવિમુખ (લીવર્ડ) જૂથના ટાપુઓમાં તેમનો સમાવેશ થાય છે. આશરે 18° 0´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 63° 0´ પ. રેખાંશવૃત્ત પર ઉત્તર અને દક્ષિણમાં એકબીજાથી નજીક નજીકમાં આવેલા છે.

લગભગ 333 વર્ષથી ફ્રાન્સ અને નેધરલૅન્ડની ભાગીદારી ધરાવતા સેન્ટ માર્ટિન ટાપુનો ઉત્તર ભાગ (આશરે 53 ચોકિમી. વિસ્તાર) ફ્રાન્સના દરિયાપારના ‘ગ્વાડેલૂપ શાસનતંત્ર’નો એક હિસ્સો છે, જ્યારે તેનો દક્ષિણ ભાગ (આશરે 34 ચોકિમી. વિસ્તાર) દ. કેરિબિયન સમુદ્રમાં આવેલા ડચ સંસ્થાન ‘નેધરલૅન્ડ ઍન્ટિલ્સ’નો એક હિસ્સો બને છે.

માર્ટિન ટાપુ ડુંગરાળ છે અને તેના મધ્યસ્થ ભાગે આવેલું શિખર 424 મી.ની ઊંચાઈ ધરાવે છે. અહીંનાં મનમોહક અને સૌંદર્યધારક પહાડી ભૂમિદૃશ્યો પર્યટકોને આકર્ષે છે. વળી આ ટાપુ પર પર્યટકો માટેની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંની હૉટેલો, જુગારખાનાં (casinos), રાત્રિક્લબો અને બજારમાંથી વેચાતી જકાતમુક્ત ચીજો પર્યટકોને વિશેષ આકર્ષણ પૂરું પાડે છે. તેના પશ્ચિમ કિનારે આવેલું મારિગો (Marigot), એ વહીવટી મથક, બંદર અને પર્યટકોનું વિહારધામ છે. તેના ફ્રાન્સના તાબાના પ્રદેશમાંથી લંબતારી કપાસ, શેરડી તથા ઉષ્ણકટિબંધીય ફળો જેવી ખેતપેદાશો મેળવાય છે. વળી દરિયાકાંઠે મીઠું પકવવાનો ઉદ્યોગ પણ ચાલે છે.

આ ટાપુનો નેધરલૅન્ડના તાબાનો દક્ષિણ ભાગ પહાડી છે. તેના પૂર્વ ભાગમાં આવેલું શિખર 291 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેના દક્ષિણ કિનારે પ્રિન્સેસ જુલિયાના હવાઈ મથક તેમજ વહીવટી મથક ફિલિપ્સબર્ગ આવેલાં છે.

અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 23.4° સે. અને 26.7° સે. છે. સરેરાશ વરસાદ 1814 મિમી. જેટલો પડે છે.

માર્ટિન ટાપુની દક્ષિણે આવેલો સેન્ટ બાર્થેલેમી ટાપુ 21 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. તેનું ભૂપૃષ્ઠ પહાડી છે અને તેના પૂર્વ ભાગમાં આવેલા શિખરની ઊંચાઈ 291 મી. જેટલી છે. આ ટાપુ પણ ફ્રાન્સના દરિયાપારના ‘ગ્વાડેલૂપ શાસનતંત્ર’નો એક હિસ્સો છે. અહીં મુખ્યત્વે યુરોપિયનોની વસ્તી જોવા મળે છે. 17મી સદીમાં ફ્રેન્ચ વસાહતીઓ દ્વારા થોડાક નિગ્રો ગુલામોની આયાત કરવામાં આવી હતી. જોકે આ ટાપુ ઈ. સ. 1784થી 1877 દરમિયાન સ્વીડિશ શાસન નીચે રહ્યો હતો. સેન્ટ માર્ટિનની વસ્તી 29,078 (1999) જેટલી તથા સેન્ટ બાર્થેલેમીની વસ્તી 6852 (1999) જેટલી છે. સેન્ટ માર્ટિનનું મુખ્ય શહેર મૅરીગો (Marigot) તથા સેન્ટ બાર્થેલેમીનું મુખ્ય શહેર ગુસ્તાવિયા (Gustavia) છે.

બિજલ શં. પરમાર