સેન્ટ પીટર્સબર્ગ : મૉસ્કો પછીના બીજા ક્રમે આવતું રશિયાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 55´ ઉ. અ. અને 30° 15´ પૂ. રે.. તે દેશના વાયવ્ય ભાગમાં બાલ્ટિક સમુદ્રના ફાંટારૂપ ફિનલૅન્ડના અખાતના પૂર્વ છેડે આવેલું છે. તે રશિયા, યુરોપ તેમજ દુનિયાભરનું એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મથક છે.

સેન્ટ પીટર્સબર્ગ શહેરનો હાર્દ વિસ્તાર

સેન્ટ પીટર્સબર્ગ એ એવું જાણીતું રશિયાઈ શહેર છે, જ્યાં પૅરિસ, લંડન કે વિયેના જેવા પહોળા જાહેર ચોક છે; તેથી તે પશ્ચિમ યુરોપનાં શહેરોની પ્રતિકૃતિ સમું ગણાય છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇટાલિયન સ્થપતિ કાર્લો રોસીને તેના શહેરી આયોજનપંચમાં લીધેલા. તેમણે શહેરના મધ્યભાગ માટે ચોકની શ્રેણી સહિતની ડિઝાઇન મૂકેલી.

આ શહેરનાં ત્રણ નામો છે : ઝાર પિટ્ટ પહેલાએ 1703માં આ શહેર સ્થાપેલું ત્યારે તેણે તેને સેન્ટ પીટર્સબર્ગ નામ આપેલું. રશિયાએ જર્મની સામે યુદ્ધમાં ઝંપલાવ્યું તે પછી 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે આ નામ બદલીને પેટ્રોગ્રાડ રાખવામાં આવેલું. દેશના ઉચ્ચ સત્તાધારીઓએ તેને પીટરના શહેર તરીકે ગણાવેલું અને તે રીતે તેનો અનુગ (suffix) કાઢી નાખેલો. 1924માં સોવિયેત યુનિયનની સામ્યવાદી સરકારે સોવિયેત સામ્યવાદી પક્ષના સ્થાપક લેનિનના માનમાં તેનું લેનિનગ્રાડ નામ રાખ્યું. 1991માં સોવિયેત યુનિયનના ભાગલા પડ્યા. સેન્ટ પીટર્સબર્ગ નામ રાખવાની લોકલાગણીને માન આપીને 1991ના સપ્ટેમ્બરમાં ત્યાંની સરકારે તે નામ પાછું રાખ્યું.

શહેર : આશરે 60° ઉ. અ. ખાતે ફિનલૅન્ડના અખાતમાં જ્યાં નેવા નદી ઠલવાય છે ત્યાંના પંકપ્રદેશવાળા નીચા ભાગમાં આ શહેર વસેલું છે. તેના વધુ ઉત્તર તરફના સ્થાનને કારણે આ શહેર શિયાળામાં દિવસના ઓછા કલાકો માટે સૂર્યતાપ મેળવે છે, જ્યારે જૂનમાં ત્રણ સપ્તાહ માટે ત્યાં સૂર્યના અજવાળાવાળી રાત્રિઓ હોય છે, આકાશ પૂર્ણ અંધારાવાળું હોતું નથી.

શહેરનો મધ્યભાગ નેવા નદીના દક્ષિણ કાંઠે આવેલો છે. આ વિભાગમાં શહેરનો મુખ્ય ધંધાદારી વિસ્તાર અને જાણીતી ઇમારતો આવેલાં છે. બારોક-કલાશૈલી અને નવપ્રશિષ્ટ કલાશૈલીવાળાં સ્થાપત્યો અહીં જળવાયેલાં નજરે પડે છે; અર્વાચીન સ્થાપત્યો પણ અહીં બાંધવામાં આવેલાં છે. જેને હવે હર્મિટેજ મ્યુઝિયમમાં ફેરવવામાં આવેલ છે. તે ઐતિહાસિક ખ્યાતિ ધરાવતો વિન્ટર પૅલેસ (1762) હજી શહેરના મધ્ય ભાગમાં ઊભો છે. અહીંથી થોડે અંતરે આવેલું દાલ્મેટિયાના સેન્ટ ઇસાકનું કેથીડ્રલ તેના ઊંચાઈવાળા દળદાર સોનેરી ઘૂમટને કારણે શહેરની આકાશરેખાને આંબી જાય છે. શહેરના મધ્ય ભાગમાં જૂનાં નિવાસસ્થાનો છે, બહારના ભાગોમાં હવે નવા આવાસી ફ્લૅટ બંધાયા છે, પશ્ચિમ વિભાગ ઔદ્યોગિક વિસ્તારમાં વિકસ્યો છે. પાવલૉવ્સ્ક, પેટ્રો દ વોરેત્સ અને પુશ્કિન જેવાં પરાંમાં અઢારમી સદીમાં બંધાયેલાં ઘણી સુવિધાઓ ધરાવતાં આરામદાયક મહાલયો જોવા મળે છે. તે તેમની સ્થાપત્યશૈલી માટે ખૂબ જાણીતાં બનેલાં છે. આ મહાલયો ઝારના વખતમાં શાસકોનાં ઉનાળુ નિવાસસ્થાનો બની રહેતાં. આજે તેમને પ્રવાસીઓ માટેનાં વિહારધામોમાં ફેરવવામાં આવેલાં છે.

અર્થતંત્ર : રશિયાના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો 3 % જેટલો હિસ્સો આ શહેર આપે છે. અઢારમી સદીથી આ શહેર જહાજી બાંધકામનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. ઓગણીસમી સદી દરમિયાન તે યાંત્રિક ઓજારોનું મહત્ત્વનું મથક પણ બન્યું છે. આ શહેરના કુલ ઉત્પાદનના 40 % જેટલાં યંત્રોનું ઉત્પાદન અહીં થાય છે. અન્ય પેદાશોમાં રસાયણો, વીજળીનાં સાધનો, કાપડ અને લાકડાંનો સમાવેશ થાય છે.

આ શહેર મોકાનું સ્થાન ધરાવતું હોવાથી તે ઔદ્યોગિક પેદાશો માટે વેપારી-વિતરણ-કેન્દ્ર બની રહ્યું છે. અહીં રેલમાર્ગની ઘણી સારી સુવિધા છે વળી તે શ્રેષ્ઠ કક્ષાનું બંદર પણ છે.

વસ્તીલોકો : 1999 મુજબ આ શહેરની વસ્તી 93 લાખ જેટલી છે. અહીંના મોટાભાગના લોકો મૂળ રશિયાના જ છે, તે ઉપરાંત યહૂદીઓ અને યુક્રેનિયનો પણ વસે છે. અહીંના નિવાસીઓ શહેરના મધ્ય ભાગમાં જૂના આવાસોમાં રહે છે. બહારના ભાગોમાં ઘણા ફ્લૅટ બંધાયા હોવા છતાં તેમજ ત્યાં વસ્તીગીચતા ઓછી હોવા છતાં ઘણા લોકો શહેરના મધ્ય ભાગમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ત્યાં દુકાનો, થિયેટરો, સંગ્રહસ્થાનો તેમજ અન્ય સુવિધાઓ મળી રહે છે.

અહીં બહુ ઓછા નિવાસીઓ પોતાની મોટરગાડીઓ ધરાવે છે. બસો, ટ્રામો, ભૂગર્ભીય રેલમાર્ગની સગવડો સારી છે. શહેરમાં વસ્તી વધુ હોવાથી પ્રદૂષણની સમસ્યા ઊભી થયેલી છે. ગુનાઓનું પ્રમાણ અહીં ઘણું જ ઓછું છે.

શિક્ષણ-સાંસ્કૃતિક જીવન : સેન્ટ પીટર્સબર્ગમાં ઉચ્ચ અભ્યાસક્રમો ધરાવતી આશરે 40થી વધુ સંસ્થાઓ આવેલી છે. અહીંની સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટી રશિયાની મોટી યુનિવર્સિટી પૈકીની એક છે. દેશની જૂનામાં જૂની ગણાતી સંગીત-સંસ્થા – સંગીતની મહાશાળા (1862) અહીં આવેલી છે. તેના ખ્યાતનામ સંગીત-સ્નાતકોમાં પ્રોકોફિવ, દિમિત્રિ શોસ્તાકૉવિચ અને પીટર ઇલીચ ત્સાઇકૉવ્સ્કી થઈ ગયા. નૃત્ય-સંગીત-આયોજનની સંસ્થા તરફથી અહીં નૃત્યસંગીતની મહેફિલો યોજાતી રહે છે; વાસ્લાવ નિજિન્સ્કી, રુડોલ્ફ નુરેયેવ અને અન્ના પાવલોવા જેવાં જાણીતાં નર્તક-નર્તકી આ સંસ્થાના પ્રદાનરૂપ છે.

સેન્ટ પીટર્સબર્ગનો 18મી સદીનો ભવ્ય મહેલ

આ શહેર રશિયાભરમાં થિયેટરો અને સંગ્રહાલયોની ભૂમિ (વતન) ગણાય છે. અહીંનું હર્મિટેજ મ્યુઝિયમ દુનિયાભરમાં વખણાય છે. તેમાં પ્રાચીન ગ્રીક અને રોમન શિલ્પો પ્રદર્શિત કરાયેલાં છે. વળી તેમાં ઇસ્લામિક કલાના; બારોક (સ્થાપત્ય-કલાશૈલી); રેનેસાં અને ફ્રેન્ચ ચિત્રકલાના તેમજ રશિયાઈ કલાના નમૂનાઓ પણ છે. અહીંનું કિરોવ થિયેટર નૃત્ય-સંગીત અને ઑપેરાનું આયોજન કરતું રહે છે. ગૉર્કી એકૅડેમિક થિયેટર, પુશ્કિન થિયેટર અને યંગ સ્પેક્ટેટર્સ થિયેટર અવારનવાર જુદાં જુદાં નાટકો રજૂ કરે છે.

આ શહેર રશિયન સાહિત્યનું એક અગત્યનું કેન્દ્ર પણ છે. ઘણા જાણીતા રશિયન લેખકોએ તેમનાં લખાણોમાં એક પરિસર તરીકે આ શહેરને મહત્ત્વનું સ્થાન આપેલું છે. આ લેખકોમાં ઍલેક્ઝાન્ડર પુશ્કિન, ફિયૉદૉર દૉસ્તૉયેવ્સ્કી અને ઍન્ડ્રી બેલીનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : નેવા નદીના મુખ પાસે મહાન પીટરે ઈ. સ. 1703માં શહેરનું શિલારોપણ કર્યું. ઈ. સ. 1712માં વસવાટનો પ્રારંભ કર્યો. ઈ. સ. 1709થી 1918 સુધી રશિયન સામ્રાજ્યનું તે પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોએ હવાઈ હુમલાઓ કરીને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. ઈ. સ. 1924થી 1991 સુધી તે લેનિનગ્રાડ તરીકે ઓળખાતું હતું, પરંતુ રશિયા સ્વતંત્ર થતાં હવે તે સેંટ પીટર્સબર્ગ તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી