સેન્ટ ડેનિસ : ફ્રાન્સના પૅરિસ વિસ્તારનું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 56´ ઉ. અ. અને 2° 22´ પૂ. રે.. તે સીન નદીના જમણા કાંઠે પૅરિસના ઉત્તર તરફના પરા તરીકે વસેલું છે. 19મી સદીના મધ્યકાળ સુધી તો તે ફ્રાન્સના રાજવીઓના દફનસ્થળ(પ્રખ્યાત ઍબી ચર્ચ)ની આજુબાજુ વિકસેલા નાના નગર તરીકે જાણીતું હતું; તે પછી ત્યાં ઔદ્યોગિક વિકાસ થતો ગયો. સ્થાપત્યના ઇતિહાસમાં આ ચર્ચનું ઘણું મહત્વ અંકાય છે, કારણ કે તેની બાંધણી રોમન અને ગૉથિક શૈલી વચ્ચેના સંક્રાન્તિકાળની છે. બારમી સદીના અંતિમ ચરણમાં બંધાયેલાં મોટાભાગનાં ફ્રેન્ચ કેથીડ્રલોમાં આ ચર્ચની નમૂનેદાર ઇમારત તરીકે ગણના થાય છે. પરંપરાગત ઊજવાતા ઉત્સવો અને મેળાઓ માટે આ શહેરની એક વિશિષ્ટ પ્રતિષ્ઠા છે.

સાતમી સદીમાં રાજા દેગોબર્ટ પહેલાએ સેન્ટ ડેનિસ ઍબીની સ્થાપના કરેલી, તે પછી તેની આજુબાજુ નગર વિકસતું ગયું. ઍબટ સુગેરે (113-647) એક નવું બેસિલિકા બંધાવેલું, જેમાં કૅરોલિન્જિયન સામ્રાજ્ય દરમિયાન બંધાયેલા ચર્ચનો ભાગ પણ આવી જતો હતો. સુગેરનું આ ચર્ચ પશ્ચિમી સ્થાપત્યની રૂપરેખા રજૂ કરતું હતું, તેને રેખાકૃતિવાળા કાચની બારીઓ હતી. તેની પશ્ચિમ બાજુનો 1137-40વાળો ભાગ 19મી સદીમાં યુજીન ઇમેન્યુઅલ વાયોલેટ-લ-ડક દ્વારા જીર્ણોદ્ધાર પામ્યો. લુઈ નવમાએ ગૉથિક પદ્ધતિને આધારે ક્વાયર (ચર્ચમાં ગાયકવૃંદને બેસવાની જગ્યા), એપ્સ (ચર્ચનો ઘૂમટ આકારનો અર્ધગોળાકાર ઓરડો) અને નેવ(દેવળનો મુખ્ય ભાગ)નો જીર્ણોદ્ધાર કરાવ્યો (1214-1270). ફ્રાન્સના બધા જ રાજાઓ તેમજ તેમના સંબંધીઓએ બેસિલિક(બે બાજુએ થાંભલાની હારમાળાવાળો અને છેડે કમાન કે ઘૂમટવાળો મોટો લંબચોરસ ઓરડો)નું નિર્માણ કરાવેલું.

ફ્રાંસની ક્રાંતિ દરમિયાન દફનસ્થળોને અપવિત્ર કરાયાં અને તેમનો નાશ કરવામાં આવેલો. ત્યારબાદ તેમનો જીર્ણોદ્ધાર થયો અને ચર્ચની સ્થાપના પણ થઈ. આ રીતે જોતાં ફ્રાન્સનાં મહત્વનાં સ્થાપત્યોમાં આ સ્થળોની ગણતરી કરાય છે. લુઈ નવમાના આદેશથી તેમના પૂર્વજોનાં દફનસ્થળોનું નિર્માણ કરાયું હતું (1226-1230); પરંતુ ડાગોબર્ટ સિવાય બીજા કોઈના દફનસ્થળમાં વધુ રસ લેવાયો નથી; આજે પણ તેનું અસ્તિત્વ રહેલું જોવા મળે છે. ચૌદમાથી સોળમા સૈકા દરમિયાન સ્મારક તરીકે બાંધેલી કબરો (મુસોલિયમ) નકશીવાળી અને સુશોભનવાળી હતી. સૌથી મહત્વની કબરોમાં લુઈ બારમો (1498-1515), ઍની ઑવ્ બ્રિટાની, ફ્રાંસિસ પહેલો (1515-1547), ક્લાઉડે ઑવ્ ફ્રાન્સ, હેન્રી બીજો (1547-59) અને કેથરિના દ મેડીસીસ – તેમની કબરોનો સમાવેશ થાય છે. ચર્ચના ભોંયરામાં મોટેભાગે પ્રાર્થનાગીતો ગવાય છે. અઢારમી સદીમાં નૅપોલિયને ઘણાખરા મઠોનું વરિષ્ઠ અધિકારીઓની દીકરીઓની શાળામાં સ્થાનાંતર કરાવેલું.

આ શહેર પૅરિસની ઉત્તરે પસાર થતા મુખ્ય રેલમાર્ગ પર આવેલું છે. આ શહેરમાંથી પસાર થવા માટે સેન્ટ ડેનિસ નહેરનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરના પરા-વિસ્તારમાં મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે, જેમાં નાનામાં નાના કદથી વિશાળકાય કદનાં યંત્રો બનાવાય છે. તેમાં રેલવે, ખેતી, ઑટોમોબાઇલ, વીજાણુ, રસાયણો, દવાઓ અને ખાદ્યપ્રક્રમણ માટેનાં યંત્રો અને સાધનો તૈયાર થાય છે. અહીં આવેલું મ્યુનિસિપલ સંગ્રહાલય જાણીતું છે. તેમાં આ જ શહેરમાં જન્મેલા, વીસમી સદીના કવિ પૉલ એડવર્ડનો વિભાગ વધુ જાણીતો છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી