સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી (1875-1918)

January, 2008

સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી (1875-1918) : વર્ણપટીય (spectroscopic) સગવડ ધરાવતી ભારતની પ્રથમ વેધશાળા. આ વેધશાળાની સ્થાપના રૅવરન્ડ ફાધર યુજીન લાફૉં (કે લાફૉન્ત) (Father Eugene Lafont : 1837-1908) નામના બેલ્જિયમના જેસ્યુઇટે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઈ. સ. 1875માં કરી હતી. વેધશાળાના પહેલા નિયામક પણ લાફૉં હતા. લાફૉં ઈ. સ. 1865માં કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા. અહીં સર જગદીશચંદ્ર બોઝ તેમના શિષ્ય હતા. તેમનો ગુરુ-શિષ્યનો નાતો આજીવન જળવાઈ રહેલો. બોઝના ઉત્કર્ષમાં તેમનો મહત્વનો ફાળો હતો. લાફૉંએ ભારતમાં આવી વિજ્ઞાનને લોકભોગ્ય કરવામાં પોતાનું સમગ્ર આયખું સમર્પિત કર્યું હતું. તેમણે ‘ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑવ્ સાયન્સ’ (IACS) જેવી સંસ્થાની સ્થાપનામાં મહત્વની કામગીરી બજાવી હતી.

આ વેધશાળા જનતાના આકર્ષણનું કેન્દ્ર બની રહી, કારણ કે ત્યાંનાં દૂરબીનોમાંથી જાહેર જનતાને આકાશી નિરીક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. વેધશાળાનું નિર્માણ ઇટાલીના ખગોળશાસ્ત્રી પિયેત્રો તાચિની(Pietro Tacchini : 1838-1905)થી પ્રભાવિત થઈને તેમણે કર્યું હતું. 9 ડિસેમ્બર, 1874ના રોજ થનારા શુક્રના અધિક્રમણના અભ્યાસ માટે ઇટાલીની સંશોધન ટુકડીના વડા તરીકે તાચિની ભારત આવ્યા હતા. આ સંશોધન-સફરમાં તેમની સાથે કાલેજિયો રોમૈનો વેધશાળાના નિયામક જેસ્યુઇટ એંજેલો સેચી (Angelo Secchi : 1818-1878), ટ્યૂરીન વેધશાળાના અલસૅંડ્રો ડૉર્ના (Alessandro Dorna : 1825-1886) અને પદુઆ વેધશાળાના ઍન્ટોનિયો એબેટી (Antonio Abetti : 1846-1928) પણ આવ્યા હતા. ભારતમાં કોલકાતા-સ્થિત ઇટાલીના કાઉન્સિલર એફ. લૅમૉરાઉક્સ(F. Lamouroux)ની સલાહથી તાચિનીએ આ ઘટનાના અવલોકન માટે બિહારમાં આવેલું મધુપુર નામનું સ્થળ પસંદ કર્યું હતું. આ સ્થળની પસંદગી માટે કાઉન્સિલરને લાફાએ ભલામણ કરી હતી. એટલે આ સંશોધન-સફરમાં લાફૉંને પણ આમંત્રણ મળ્યું હતું. આ અભિયાનના એક સભ્ય તરીકે પ્રૉ. લાફાએ પ્રૉ. ડૉર્ના સાથે મળીને ચક્ષુર્ગમ્ય અવલોકનો (visual observations) કર્યાં, જ્યારે વર્ણપટીય નિરીક્ષણો પ્રૉ. તાચિની અને એબેટીએ કર્યાં. હવામાન બહુ અનુકૂળ ન હોવા છતાં પ્રૉ. તાચિનીની ટુકડીએ મહત્વનાં પરિણામો મેળવ્યાં. ફાધર લાફૉંએ આ અભિયાનનો બહુ રસિક અને એટલો જ માહિતીપ્રદ અહેવાલ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો.

તાચિની શુક્રના અધિક્રમણ પછી દેશ પાછા ન ફરતાં ભારતમાં જ રોકાઈ ગયા કારણ કે પછીના અરસામાં ખગ્રાસ (પૂર્ણ) સૂર્યગ્રહણ થવાનું હતું. આ ગ્રહણ નિકોબાર દ્વીપસમૂહમાંથી દેખાવાનું હતું. લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીએ તાચિનીને આ સૂર્યગ્રહણના નિરીક્ષણના અભિયાનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે આની પૂર્વ તૈયારી રૂપે તાચિનીએ ઈ. સ. 1871માં ઇટાલિયન સ્પેક્ટ્રોસ્કોપિસ્ટ સોસાયટીની સ્થાપના કરી હતી. આ એવી પહેલી વૈજ્ઞાનિક સંસ્થા હતી, જેની સ્થાપના સંપૂર્ણપણે ખગોલીય સ્પેક્ટ્રમી (astronomical spectroscopy) અથવા ભૌતિક-ખગોળ (physical astronomy) સાથે સંકળાયેલા પ્રશ્ર્નોના સમાધાન માટે કરવામાં આવી હતી. સોસાયટીમાં સેચી, ગિઉસિપ લોરેંજોની (Giuseppe Lorenzoni), લોરેંજો રેસ્પિગી (Lorenzo Respighi : 1824-1889) અને અર્મિનિયો નોબાઇલ (Arminio Nobile : 1838-1897) સામેલ હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ સૌર લક્ષણોનો નિરંતર અભ્યાસ અને અવલોકનની વિસ્તૃત નોંધો કરવાનો હતો; પણ યુરોપના દેશોમાં અને ખાસ તો ઇટાલીમાં નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન શિયાળાની ઋતુમાં સૂર્યનાં દર્શન દુર્લભ થઈ જતાં હોય છે. એટલે આ માટે તેમને એવી વેધશાળાની જરૂર હતી કે જે એવા દેશમાં હોય જ્યાં સૂર્ય બારેમાસ લગભગ તપતો હોય, જેથી તેના અવલોકનમાં સાતત્ય જળવાઈ રહે. ભારતમાં દીર્ઘ સમયના રોકાણ દરમિયાન આ સંશોધન ટુકડીને લાગ્યું કે સૌર અવલોકન માટે ભારત ઘણું ઉપયોગી સાબિત થઈ શકે. આમ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર લાફૉંની દેખરેખ હેઠળ એક વર્ણક્રમ-દૂરદર્શી (spectro-telescope) ધરાવતી સૌર વેધશાળા સ્થાપવાનો નિર્ણય લેવાયો. ફંડ ઉઘરાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી. વળી લેફ્ટનન્ટ ગવર્નર સર રિચર્ડ ટૅમ્પલે (Richard Temple) પણ આમાં અંગત રસ લીધો અને તત્કાલીન બંગાળ સરકારે પાંચ હજાર રૂપિયાનું દાન આપવાનો નિર્ણય લીધો અને એવી શરત મૂકી કે અમુક સમયની મર્યાદામાં એટલી જ રકમ લોકો પાસેથી ઉઘરાવવી. ધનની વ્યવસ્થા થતી ગઈ અને જૂન, 1875ના અંત સુધીમાં સ્પેક્ટ્રોસ્કોપ ધરાવતી ભારતની પ્રથમ વેધશાળાની સ્થાપના પણ થઈ ગઈ. મ્યૂનિક અને લંડનથી પણ સાધનો મંગાવવામાં આવ્યાં. આ વેધશાળાનો ઉપકરણો સાથેનો બધો થઈને કુલ ખર્ચો 15,900 રૂપિયા જેટલો થયો હતો. એક તરફ સરકારે મૂળ નિર્ધારિત કરેલી રકમમાં વધારો કરી આપ્યો, તો ફાધર લાફાએ લોકો પાસેથી આ માટે કુલ 21,000 રૂપિયા એકઠા કર્યા. વળી એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલે પણ સંભારણા રૂપે (ટોકન) દાન આપ્યું. આ પ્રવૃત્તિની નોંધ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનપત્રિકા ‘નેચરે’ પણ લીધી હતી.

સન 1877ની આસપાસ સૌર જ્વાલાઓ(અગ્નિપિંડો)ની રોજેરોજની માપનની કામગીરી પણ શરૂ કરી દેવાઈ. ખગોલીય પ્રવૃત્તિઓમાં લાફૉં સાથે સ્પેનના ફાધર પેનેરેંડ (Alfonso de Penaranda : 1834-1896) જેવા સંશોધક અને પ્રથમ કક્ષાના ખગોળશાસ્ત્રી પણ હતા, જેમણે 1880થી ખગોળવિદ્યા ઉપર વ્યાખ્યાનો આપવાનો આરંભ કર્યો હતો. લાફૉં અને પેનેરેંડ તથા અન્ય સાથીઓએ અહીંથી ધૂમકેતુ અને સન 1879માં મંગળની ગતિનું અવલોકન કર્યું, ભારતમાં 24 મે, 1882 અને 6 જૂન, 1890ના રોજ થયેલા સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના વર્ણમંડલ(ક્રોમોસ્ફિયર)નો અભ્યાસ કર્યો, તો 10 મે, 1891ના રોજ થયેલા બુધના અધિક્રમણનો પણ અભ્યાસ કર્યો. આ વેધશાળામાંથી બીજાં પણ કેટલાંક નોંધપાત્ર નિરીક્ષણો કરવામાં આવ્યાં. ઝેવિયર્સ કૉલેજના જ બીજા એક જેસ્યુઇટ, ફાધર વી. દ કૅમ્પિગન્યૂલ્લેસે (V. De Campigneulles) 22 જાન્યુઆરી, 1898ના રોજ દુમરાઓન (બિહાર) જઈને ઐતિહાસિક ખગ્રાસ સૂર્યગ્રહણનો અભ્યાસ કર્યો. તેમણે ગ્રહણની અવધિ 99 સેકંડ નોંધી છે. તેમણે સૌર જ્વાલાઓ (અગ્નિપિંડો), કિરીટાવરણનાં અવલોકનો વગેરે કરવા સાથે ગ્રહણ દરમિયાન સૂર્યનો વર્ણપટીય અભ્યાસ પણ કર્યો. પાછળથી આ બધું સમાવતા વ્યક્તિવૃત્તાંત જેવા બે નિબંધો યા પ્રબંધો (monographs) પણ તેમણે પ્રસિદ્ધ કર્યા. પાછળથી ફાધર ફ્રાન્કોટે (Francotte) મોસમવિજ્ઞાનને લગતી કામગીરી પણ અહીંથી શરૂ કરી અને 1868થી 1918 એમ 50 વર્ષનો અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો. જોકે વેધશાળાએ ઉપાડેલી મોસમને લગતી કામગીરી પાછળથી અલીપોર ખાતે સ્થપાયેલી મોસમ પ્રેક્ષણ શાળા (Alipore Meteorological Observatory) સાથે હરીફાઈ કરી શકી નહિ. સન 1875ની આસપાસ શરૂ થયેલી આ વેધશાળા લગભગ 43 વર્ષ કાર્યરત રહ્યા બાદ સન 1918માં કામ કરતી બંધ થઈ. હાલમાં ત્યાંથી કોઈ ખગોલીય સંશોધનો થતાં નથી. તેનો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓને શીખવવામાં – શિક્ષણકાર્યમાં થાય છે.

સુશ્રુત પટેલ