સેન્ટ જ્યૉર્જઝ (Saint George’s) ખાડી : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આટલાંટિક મહાસાગરનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 52° 00´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. તે વેલ્સને દક્ષિણ આયર્લૅન્ડથી અલગ કરે છે. તેની લંબાઈ આશરે 160 કિમી. અને સ્થાનભેદે પહોળાઈ 97થી 160 કિમી. જેટલી છે. તે હોલીહેડ અને ડબ્લિનથી સેન્ટ ડેવિડ સુધી વિસ્તરેલી છે. તેનાથી આયરિશ સમુદ્ર આટલાંટિક મહાસાગર સાથે જોડાયેલો છે.
સેન્ટ જ્યૉર્જઝ શહેર : વેસ્ટ ઇન્ડિઝમાં વાતાભિમુખ બાજુ પર આવેલા ટાપુરાષ્ટ્ર ગ્રૅનેડાના નૈર્ઋત્યકાંઠે આવેલું પાટનગર, મુખ્ય બંદર અને વાણિજ્યમથક. ભૌગોલિક સ્થાન : 12° 03´ ઉ. અ. અને 61° 45´ પ. રે.. 1650માં ફ્રેન્ચોએ અહીં વસાહત સ્થાપેલી. 1705માં તેને ખેસવીને આજના સ્થળે લાવવામાં આવ્યું છે. 1783માં ગ્રેટબ્રિટને ગ્રૅનેડાનો કબજો મેળવેલો. પછીથી અહીંના બધા જ વાતાભિમુખ ટાપુઓના સંયુક્ત વહીવટ માટે સેન્ટ જ્યૉર્જઝને મુખ્ય મથક બનાવેલું. ગ્રૅનેડાએ બ્રિટન પાસેથી 1974ના ફેબ્રુઆરીની 7મી તારીખે સ્વતંત્રતા મેળવી, ત્યારે સેન્ટ જ્યૉર્જઝને પાટનગર બનાવ્યું. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. 1997 મુજબ તેની વસ્તી 98,600 જેટલી છે. વસ્તીગીચતા ચોકિમી. દીઠ 287 વ્યક્તિઓની છે.
ગિરીશભાઈ પંડ્યા