સેન્ટ જ્હૉન પર્સ

January, 2008

સેન્ટ જ્હૉન પર્સ (. 31 મે 1887, સેન્ટ લૅજરલેફૉઇલે, ગાઉદેલોપ; . 20 સપ્ટેમ્બર 1975, પ્રેસ્ક્વિલગિયન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. 1960ના કવિતાસાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા. પિતા વકીલ. 1907માં તેમના પિતાનું મૃત્યુ. બોર્દેક્સમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ. તેમણે ‘રોબિન્સન ક્રૂઝો’નો અનુવાદ કરેલો. તેમને અભ્યાસ છોડવો પડેલો; પરંતુ 1910માં ફરીથી તેમણે વકીલાતની ડિગ્રી મેળવી અને એ જ વર્ષે તેમણે ‘ઇલૉજિસ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. 1911માં વિદેશખાતાના પ્રધાન તરીકે તેમની નિયુક્તિ થઈ. તે પહેલાં તેમણે કવિ પિંડારની કવિતાનો અનુવાદ કર્યો. ત્યારબાદ તેમણે જર્મની, ઇંગ્લૅન્ડ, સ્પૅન વગેરે દેશોમાં પ્રવાસ કર્યો. તેઓ બેજિંગમાં ફ્રેન્ચ એલચી તરીકે જોડાયા. ત્યાં એમની સાચી રાજકીય કારકિર્દીની વ્યાવસાયિક શરૂઆત થઈ. તેમણે 1921માં વૉશિંગ્ટન ડી.સી.માં નિ:શસ્ત્રીકરણના અધિવેશનમાં ભાગ લીધો. જાણીતા રાજકારણી એરિસ્ટાઇન બ્રીન્ડના ધ્યાનમાં આવતાં તેમને મદદનીશ બનાવવામાં આવ્યા. 1921માં પૅરિસમાં તેઓ આન્દ્રે જીદ અને પૉલ વેલરી જેવા ખ્યાતનામ સાહિત્યકારો અને સંગીતકારોના પરિચયમાં આવ્યા.

1924માં તેમણે ‘એનાબેઝ’ નામે કૃતિ પ્રગટ કરી. સેન્ટ જ્હૉન પર્સ નામના ઉપનામની પ્રસિદ્ધિ આ કૃતિ પરથી એમને મળી. તેમણે વિદેશખાતામાં 1933થી 1940 સુધીમાં મહાસચિવ તરીકેની કામગીરી સંભાળી. સરકારની અસ્થિર પરિસ્થિતિ હોવા છતાં 1938માં મ્યૂનિકમાં ભરાયેલા અધિવેશનમાં તેમણે ચેકોસ્લોવૅકિયા અને જર્મની પર કરેલા હુમલાઓનો પ્રબળ વિરોધ કર્યો, પણ તેમનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો. 1940માં આ પદ ઉપરથી તેમને દૂર કરવામાં આવ્યા. તેમણે ફ્રાન્સ છોડ્યું ત્યારથી એ ઇંગ્લૅન્ડ થઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગયા. સરકારે તેમની પાસેથી ફ્રેન્ચ ખિતાબ પણ આંચકી લીધો અને ફ્રાન્સનું નાગરિકત્વ રદ કર્યું.

તેમણે થોડોક સમય આર્થિક સંકડામણમાં વિતાવવો પડ્યો. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસમાં તેમને અધ્યાપકની નોકરીનો પ્રસ્તાવ મળ્યો; પરંતુ તેમણે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો.

સેન્ટ જ્હૉન પર્સ

વિશ્વયુદ્ધ પછી તેઓ ઘણા સમય સુધી અમેરિકા રોકાયા. 1957માં તેમને પ્રોવેન્સમાં મકાન આપવામાં આવ્યું. એ સમય દરમિયાન ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ફરતા રહ્યા. 1958માં તેમણે ડોરોથી મિલબર્ન રસેલ નામની ધનિક અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કર્યું. તેમનું પ્રોવેન્સના મકાનમાં નિધન થયું. એમની મોટાભાગની કવિતામાં એમના બાળપણના અનુભવો પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે. એમની મોટાભાગની કૃતિઓ અમેરિકામાં સ્થાયી થયા બાદ સર્જાયેલી છે. 1942માં પ્રગટ થયેલી ‘એક્ઝાઇલ’ નામની કૃતિમાં એમની સુવિકસિત કાવ્યપ્રતિભાનો અણસાર મળે છે. 1943માં તેમની કૃતિ ‘પોયમ ટુ અ ફૉરેન લેડી’ પ્રસિદ્ધ થઈ. એ જ વર્ષે બીજી કૃતિ ‘રેઇન્સ’ પ્રસિદ્ધ થઈ.

1944માં તેમની કૃતિ ‘સ્નોઝ’ પ્રકાશિત થઈ. 1946માં ‘વિન્ડ્ઝ’ કૃતિ પ્રકાશિત થઈ. ‘વિન્ડ્ઝ’ નામની કૃતિમાં યુદ્ધ અને શાંતિ દરમિયાન જે વાતાવરણ માનવીની ભીતર અને બહારની દુનિયામાં જોવા મળે છે, તેનું નિરૂપણ છે. ઈ. સ. 1957માં પ્રસિદ્ધ થયેલી ‘સી માર્કસ’ નામની કૃતિમાં સર્જક માનવીની શાશ્વતતાના પ્રતીક તરીકે પ્રતિબિંબિત થયેલો જોવા મળે છે.

ધીમંત પંકજ સોની