સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ

January, 2008

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ : કૅરિબિયન સમુદ્રમાં આવેલો નાનો દેશ. તે બે ટાપુઓનો બનેલો છે. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 62° 45´ પ. રે.ની આજુબાજુનો 262 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ પ્યુર્ટો રિકોથી આશરે 310 કિમી. પૂર્વમાં આવેલા છે. સેન્ટ ક્રિસ્ટૉફરને સેન્ટ કિટ્સ પણ કહે છે. સેન્ટ કિટ્સનું ક્ષેત્રફળ આશરે 168 ચોકિમી. અને નેવિસનું ક્ષેત્રફળ આશરે 93 ચોકિમી. જેટલું છે. બંનેની કુલ વસ્તી 45,000 (2000 મુજબ) છે. આ પૈકીના આશરે 80 % લોકો સેન્ટ કિટ્સમાં રહે છે. આ બંને ટાપુઓ 1983માં સ્વતંત્ર બન્યા છે. 1713થી તેના પર ગ્રેટ બ્રિટનની હકૂમત ચાલતી હતી. સેન્ટ કિટ્સ ટાપુના દક્ષિણભાગમાં આવેલું બાસીતેરે (વસ્તી : 14,725 – 1991 મુજબ) આ દેશનું પાટનગર છે તેમજ આ ટાપુઓનું મોટામાં મોટું શહેર છે.

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ

ભૂપૃષ્ઠઆબોહવા : સેન્ટ કિટ્સ અને નેવિસ ટાપુઓ વચ્ચે આશરે 3.2 કિમી.નું અંતર છે. વાસ્તવમાં આ બંને ટાપુઓ કૅરિબિયન સમુદ્રની અંદર તૈયાર થયેલા બે જ્વાળામુખી પર્વતોના બહાર દેખાતા ટોચ-ભાગો છે. સેન્ટ કિટ્સનો શૃંગભાગ માઉન્ટ મિઝરી નામથી ઓળખાય છે, તેની ઊંચાઈ 1156 મીટર છે, જ્યારે નેવિસનું શિખર 985 મીટર ઊંચાઈ ધરાવે છે. આ બંને ટાપુઓનો કિનારા ફરતો ભાગ ફળદ્રૂપ મેદાનોનો બનેલો છે; કિનારા પરના કેટલાક ભાગોના રેતાળ કંઠારપટ જ્વાળામુખીજન્ય કાળી રેતીથી બનેલા છે. આ ટાપુઓ પર વાર્ષિક સરેરાશ વરસાદ આશરે 1400 મિમી. જેટલો પડે છે; જ્યારે સરેરાશ તાપમાન 25° સે. જેટલું રહે છે.

અર્થતંત્ર : આ ટાપુઓનું અર્થતંત્ર મુખ્યત્વે ખાંડ અને પ્રવાસન પર આધારિત છે. સેન્ટ કિટ્સ પર શેરડીનું વાવેતર થાય છે; તેમાંથી ખાંડનું ઉત્પાદન સરકાર કરે છે. નેવિસની ફળદ્રૂપ ભૂમિને નાનાં નાનાં ખેતરોમાં વહેંચેલ છે. ત્યાં શાકભાજી, ફળો અને કપાસ થાય છે. આ ટાપુઓના રેતાળ કંઠારપટ, કુદરતી દૃશ્યો અને સૂર્યતાપવાળી હૂંફાળી આબોહવા માણવા અહીં ઘણા પ્રવાસીઓની અવરજવર રહે છે. સેન્ટ કિટ્સ પર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. ટાપુઓ પર આવવા-જવા ફેરીસેવાની સુવિધા ઉપલબ્ધ છે. પ્રવાસન અને ખાંડ-ઉત્પાદનમાં જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે બંને ટાપુઓમાં બેકારીની સમસ્યા તેમને માટે યક્ષ-પ્રશ્ર્ન બની રહે છે. આ કારણે ઘણા યુવાન લોકો દર વર્ષે ટાપુઓ છોડીને અન્યત્ર જતા રહે છે.

લોકો : સેન્ટ કિટ્સ અને નેવિસના મોટાભાગના અશ્વેતો શેરડીનાં ખેતરોમાં મજૂરી માટે અગાઉ લવાયેલા આફ્રિકી ગુલામોના વંશજો છે. અહીંની સત્તાવાર ભાષા ઇંગ્લિશ છે અને લોકો ઇંગ્લિશ ભાષા જ બોલે છે. વસ્તીના 66 % લોકો ગામડાંમાં રહે છે. ગામડાં કિનારા પર છૂટાંછવાયાં આવેલાં છે. ગામડાંના મોટાભાગના લોકો નાનાં ખેતરોમાં કામ કરે છે. 33 % લોકો શહેરોમાં રહે છે. બાસીતેરે સેન્ટ કિટ્સનું મુખ્ય શહેરી મથક છે, જ્યારે ચાર્લ્સટાઉન નેવિસ ટાપુનું મુખ્ય શહેરી મથક છે. શહેરી લોકો કૉંક્રીટ, પથ્થર કે લાકડાંથી બનાવેલાં મકાનોમાં રહે છે. તેઓ વજનમાં હલકાં કપડાં પહેરે છે. બંને ટાપુઓ પર સારી રીતે પ્રગતિ પામેલી પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક સંસ્થાઓ છે.

વહીવટ : સેન્ટ કિટ્સ અને નેવિસમાં બંધારણીય રાજાશાહી છે અને કૉમનવેલ્થ દેશો પૈકીનો સભ્ય દેશ છે. અહીં વડાપ્રધાન સરકારના વહીવટી વડા ગણાય છે. વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કરે છે. એકગૃહી સંસદ દેશના કાયદા ઘડે છે. દેશની જનતા તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે. વડાપ્રધાનની તેમજ વિરોધપક્ષના નેતાની સલાહ મુજબ સેનેટરોની ચૂંટણી થાય છે. જે રાજકીય પક્ષ વધુ બેઠક મેળવે તેના નેતા વડાપ્રધાન બને. નેવિસને તેની પોતાની સ્થાનિક ધારાસભા છે.

બાસીતેરે : સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસનું પાટનગર

ઇતિહાસ : આરાવાક ઇન્ડિયનો અહીંના સર્વપ્રથમ નિવાસીઓ હતા. તે પછી કૅરિબ ઇન્ડિયનો આવ્યા. 1493માં ક્રિસ્ટૉફર કોલંબસ નવી દુનિયાની તેની બીજી વારની સફરે ગયો ત્યારે તે અહીં આવેલો અને આ ટાપુઓ તેણે જોયેલા. 1624માં બ્રિટિશ અને ફ્રેન્ચ લોકોએ સેન્ટ કિટ્સ પર વસાહતો શરૂ કરેલી. નેવિસ પર સર્વપ્રથમ વસવાટ 1628માં બ્રિટિશ લોકોએ કરેલો. અહીંનાં શેરડીનાં ખેતરો પર મજૂરી કરવા માટે યુરોપિયનો આફ્રિકાથી ગુલામો લઈ આવેલા. તેઓ તે પછીથી અહીં કાયમ માટે વસી ગયા છે.

બ્રિટને સેન્ટ કિટ્સનો સંપૂર્ણ કબજો 1713માં લઈ લીધેલો અને શાસન કર્યું. 1967માં આ એકમ બ્રિટનનું સંકલિત રાજ્ય બન્યું. 1983માં સપ્ટેમ્બરની 19મી તારીખે તે દેશ સ્વતંત્ર જાહેર થયો.

બિજલ શં. પરમાર