સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO Chandigarh)

January, 2008

સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન, ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO, Chandigarh) : વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક સાધનો અને યંત્રોના નિર્માણ, તેમજ તેમની રચના (design) અંગે સંશોધન માટે, ભારત સરકારની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલય દ્વારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થા. Council of Scientific and Industrial Research(CSIR)ની એક લેબૉરેટરી તરીકે આ સંસ્થાની સ્થાપના 1959માં થઈ. સંસ્થાની શરૂઆત દિલ્હી ખાતે કરવામાં આવી; પરંતુ ટૂંક સમય(1962)માં તેને ચંડીગઢ ખાતેના તેના પોતાના કૅમ્પસમાં ખસેડાઈ. ઉદ્યોગો તથા વિજ્ઞાન અંગેનાં સાધનોની રચના અને વિકાસ ઉપરાંત સંસ્થાનો એક મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગોને તેમનાં યંત્રોના વિકાસ અને જાળવણી માટે યોગ્ય સહાય પૂરી પાડવાનો છે. આ હેતુથી આ પ્રકારના ઉદ્યોગો દ્વારા રચાયેલ સાધનોની ચકાસણી અને અંકનની સેવા પણ આ સંસ્થા દ્વારા અપાય છે.

સંસ્થા દ્વારા વિકસિત સંયંત્રોની જાણકારી, આ પ્રકારના સાધનના ઉત્પાદનમાં રસ ધરાવતા ઉદ્યોગપતિઓને યોગ્ય મૂલ્ય લઈ અપાય છે અને તેના શરૂઆતના ઉત્પાદનમાં જરૂરી સહાય પણ કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિ ટૅક્નૉલૉજી હસ્તાંતરણ (technology transfer) કહેવાય. વળી આ સંસ્થાના ઉપક્રમે દિલ્હી, જયપુર અને ચેન્નાઈ ખાતે સ્થપાયેલ કેન્દ્રોમાં, વિવિધ સંસ્થાઓ તથા ઉદ્યોગો પાસેનાં મૂલ્યવાન વૈજ્ઞાનિક સાધનોની જાળવણી અને સમારકામ માટે સહાય પણ કરવામાં આવે છે.

સંસ્થાના હાલના નિયામક ડૉ. પવનકુમાર કપૂર છે, જે Biomedical Engineering ક્ષેત્રના નિષ્ણાત છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ